Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ઓઢણી ઓઢુ ઓઢુ ને...મિલે હો તુમ હમકો, લડકી બ્યુટીફુલ કર ગઇ ચૂલ, તું કિતની અચ્છી હૈ...ઓ મા...નેહા કક્કરે ડોલાવ્યા

પોલીસ વેલ્ફેર માટેના કાર્યક્રમમાં સાંજના સાતથી દસ સુધી સોૈએ મોજ માણી : પ્રારંભે કિર્તીદાન ગઢવીએ 'નગર મેં જોગી આયા'ની જમાવટ કરીઃ શાકી શાકી ગીત પર ડાન્સની પણ જમાવટ

રાજકોટઃ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો ગઇકાલે બોલીવૂડની ગાયિકા નેહા કક્કરના લાઇવ શોથી પ્રારંભ થયો હતો. વિરાણી હાઇસ્કૂલ ખાતે પોલીસ વેલ્ફેર માટે યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્દઘાટન રાજયના અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ દિપ પ્રગટાવીને કર્યુ હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી અરવિંદભાઈ રૈયાણી, શ્રી લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી નિતીનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી,  પૂર્વ ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને પણ ખાસ હાજરી આપી હતી.

પ્રારંભમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતાં પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની પારદર્શક અને નિર્ણાયક સરકારના માર્ગદર્શનથી ગુનાખોરીમાં અંકુશ આવ્યો છે. રાજય સરકારે પોલીસ જવાનોને સુવિધાસભર આવાસ સુવિધા માટે બે રૂમ રસોડા સહિતની જોગવાઈ કરેલ છે. રાજકોટ શહેરમાં પોલીસ માટે ૪૦૦ આવાસો બનવાના છે. જે પૈકી ૨૦૦ મકાનો તેમજ કોમ્યૂનિટી હોલ રામનાથ પરા પોલીસ લાઈનમાં બનશે. આ પ્રસંગે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમોના દાતાઓનું સ્મૃતિચિન્હ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી અગ્રવાલે કહ્યું હતું કે પોલીસ વેલ્ફેર માટેના આજના નેહા કક્કર લાઇવ કોન્સર્ટ શોમાં જે જે દાતાઓ અને ટિકીટ ખરીદી શો માણવા ઉપસ્થિત રહી પોલીસ વેલફેર માટે પોતાનું અમુલ્ય યોગદાન આપનાર તમામ લોકોનો હું દિલથી આભાર માનુ છું. મેં રાજકોટમાં ચાર્જ સંભાળ્યો ત્યારથી રાજકોટની ઉત્સવપ્રિય અને લાગણીશીલ પ્રજાનો મને સતત સહકાર મળતો રહ્યો છે તેને પણ હું બિરદાવુ છું. ખાસ કરીને રાજકોટની પ્રજા ગુનાખોરી પરત્વે જાગૃત બની રહી છે તે નોંધનીય છે. શહેરમાં ગુનાનો ગ્રાફ નીચે આવી રહ્યો છે તેની પાછળ પોલીસને લોકોમાંથી મળતી બાતમીઓ પણ ઘણે અંશે જવાબદાર છે.

 શહેર-જીલ્લાના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. નેહા કક્કરે પોતાના એક એકથી ચડીયાતા ગીતો રજૂ કરી લોકોને ડોલાવ્યા હતાં. પ્રારંભમાં કિર્તીદાન ગઢવીએ શિવ સ્તૂતી રજુ કરી જમાવટ કરી દીધી હતી. નેહાની સાથે આવેલા ડાન્સરોએ શાકી શાકી...રિમીકસ ગીત પર જબરદસ્ત ડાન્સ રજૂ કર્યોહતો. નેહાએ મિલે હો તુમ હમકો, લડકી બ્યુટીફૂલ કર ગઇ ચૂલ, આશિક બનાયા આપને (રિમિકસ) સહિતના હિટ ગીતો રજૂ કર્યા હતાં. તેમજ નેહાને જે ગીત ખુબ પસંદ છે તે 'તું કિતની અચ્છી હૈ, તુ કિતની પ્યારી હૈ...ઓ મા...' મેડ ઇન ચાઇના ફિલ્મનું ઓઢણી ઓઢુ ઓઢુ તો ઉડી જાય...પણ નેહાએ રજૂ કરતાં ગુજરાતીઓને મોજ પડી ગઇ હતી. નેહાએ કહ્યું હતું કે ફરીવાર ગુજરાત આવું તો સોૈ મને સાંભળવા તત્પર રહે તેવું પરફોર્મન્સ પોતે આપશે તેમ તેણે કહ્યું હતું. નેહાએ પોતાને દાંડીયા રાસ ખુબ પસંદ હોવાનું તેણે સ્ટેજ પરથી જણાવ્યું હતું. તેણે ઓ મા...ગીત  રજૂ કરતાં વાતાવરણ ભાવવિભોર થઇ ગયું હતું. તસ્વીરોમાં દિપપ્રાગટ્યવિધી, અધિકારીઓ, નેતાઓ, ઉપસ્થિત નગરજનો અને નેહાની તથા સાથી કલાકારોની લાક્ષણિક અદાઓ જોઇ શકાય છે. નેહા કક્કરે સવા આઠથી સતત પોણા બે કલાક સુધી એક પછી એક મોજ કરાવી દે તેવા ગીતો રજૂ કર્યા હતાં. એક ડાન્સમાં થોડીઘણી આછકલાઇ દેખાઇ હોવાનો ગણગણાટ થયો હતો.

આ કાર્યક્રમ માણવા પોલીસ અધિકારીઓ, સ્થાનિક ભાજપના નેતાઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતાં. તો ટિકીટો ખરીદીને અને આમંત્રિતોએ મન ભરીને કાર્યક્રમ માણ્યો હતો.  (ફોટોઃ સંદિપ બગથરીયા)

નેહા કક્કરએ સવા આઠે સ્ટેજ પર એન્ટ્રી લીધીઃ વીઆઇપી આમંત્રિતો માટે વોશરૂમની વ્યવસ્થાની કમી હોવાનો ગણગણાટ

. નેહા કક્કર લાઇવ ઇન કોન્સર્ટ શો પોલીસ વેલ્ફેર માટે યોજાયો હતો. જેમાં ટિકીટ લઇને આવનારા કે વીઆઇપી આમંત્રિતો માટે  કામચલાઉ યુરિનલની વ્યવસ્થા પણ નહોતી.  આ કારણે મહિલાઓની હાલત વધુ કફોડી થઇ ગઇ હતી. તેવી બુમરાળ ઉઠી હતી. જો કે પાછળની હરોળના પ્રેક્ષકો માટે યુરીનલની વ્યવસ્થા હતી. વીઆઇપી આમંત્રીતો માટે ચા-નાસ્તાની સારી વ્યવસ્થા હતી. દસ દસ-પંદર મિનીટે ઠંડીના માહોલમાં ચાની ગરમી મળતી રહી હતી.  જો કે નેહા કક્કરના પરફોર્મન્સે સોૈને જકડી રાખ્યા હતાં. પોલીસ વેલ્ફેરના શોમાં જેણે મોટુ યોગદાન આપ્યું હતું તેવા મહાનુભાવો પણ પરિવારજનો સાથે થોડા-ઘણા મોડા આવતાં બેઠક વ્યવસ્થા જ્યાં મળી ત્યાં બેસવું પડ્યું હતું.

દસ જ મિનીટમાં ઉદ્દઘાટન વિધી આટોપી લેવાતાં દર્શકોને ભાષણબાજીમાંથી મુકિત

દિપ પ્રાગટ્યવિધી દસેક મિનીટ ચાલી હતી અને તુરત જ કાર્યક્રમનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. આથી લોકોને કંટાળો આવ્યો નહોતો. સવા આઠે નેહાએ સ્ટેજ પર ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. તેણે પહેલુ ગીત આશિક બનાયા આપને (રિમીકસ) રજૂ કર્યુ હતું. ઉદ્દઘાટનની વિધીમાં લાંબા લાંબા ભાષણો કરવાનું ટાળવામાં આવ્યું હતું અને આ કારણે જ લોકોને કંટાળાનો ભોગ બનવું પડ્યું નહોતું.

(1:16 pm IST)