Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

એનઓસી વિનાની હોસ્પિટલમાં દર્દીને દાખલ નહીં કરી શકાય

રાજકોટ મનપાનું રાંડ્યા પછીનું ડહાપણ : તમામ હોસ્પિટલોને ૧૫ દિવસમાં ફાયર વિભાગ પાસેથી એનઓસી મેળવવા રાજકોટ મનપા દ્વારા સૂચના અપાઈ

રાજકોટ, તા. ૨૩ :રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગકાંડ બાદ રાજકોટનું તંત્ર હવે જાગ્યું છે. અને ફાયર એનઓસીને લઈ રાજકોટ મનપા (આરએમસી)એ લાલ આંખ કરી છે. હવેથી રાજકોટમાં એનઓસી વગરની હોસ્પિટલ દર્દીને દાખલ નહીં કરી શકે. રાજકોટમાં ૪૧૬ પૈકી ૧૦૦ હોસ્પિટલ પાસે જ એનઓસી છે. આ ઉપરાંત રાજકોટમાં એનઓસી રીન્યુ કરાવવા ૨૦ શાળા- કોલેજને નોટિસ પાઠવવામાં આવી છે. અને એનઓસી વગરની હોસ્પિટલ સામે કાર્યવાહી થશે તેવું પણ આરએમસી કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે.

રાજકોટ રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, રાજકોટ શહેરની હદ વિસ્તારમાં આવતી હોસ્પિટલ પૈકી જે હોસ્પિટલો પાસે ફાયર એનઓસી મેળવવામાં આવ્યું નથી તે તમામ હોસ્પિટલોને ૧૫ દિવસમાં ફાયર વિભાગ પાસેથી એનઓસી મેળવી લેવા સૂચના આપવામાં આવે છે. જો આ બાબતનું સર્ટિફિકેટ સક્ષમ સત્તા પાસે મેળવવામાં આવશે નહીં તો હોસ્પિટલ માલિક તથા મેનેજમેન્ટ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત તેઓએ કહ્યું કે, ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા જે-જે હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે તે હોસ્પિટલોએ અચૂક ફાયર એનઓસી મેળવી લેવાનું રહેશે. હાલ આ હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમાં હવે નવા દર્દીને દાખલ કરી શકાશે નહી. તેમજ સારવાર હેઠળના આ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવે ત્યાં સુધીમાં હોસ્પિટલે ફાયર એનઓસી મેળવી લેવાનું રહેશે. અન્યથા ત્યારબાદ આવી હોસ્પિટલો સીલ કરી દેવામાં આવશે.રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા કોરોનાના ૬ દર્દીના મોત નીપજ્યા હતા. જેનો પડઘો સુપ્રીમ કોર્ટ સુધી પડ્યો હતો. અને સુપ્રીમ કોર્ડની આકરી ટકોર બાદ જ તંત્ર સફાળું જાગ્યું હતું. અને હવે બાદ એક આકરાં નિર્ણયો કરી રહ્યા છે. આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહથી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જવાબદાર લોકોને નોટિસ ફટકારવામાં આવી રહી છે.

(9:13 pm IST)