Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

હવે મ.ન.પા.ના વાહનોમાં ઇંધણની ગોલમાલ અટકશે

વાહનોની ફયુઅલ ટેન્કમાં મોનીટરીંગ સીસ્ટમ લગાવવા મ્યુ. કમિશનરનો આદેશ : રસ્તામાં કયાંય પણ ડીઝલ - પેટ્રોલમાં ઘટ થશે તો તુરંત જ કંટ્રોલમાં જાણ થઇ જશે

રાજકોટ તા. ૨૩ : રાજકોટ મહાનગરપાલિકાના તમામ વાહનોમાં કેટલું ડીઝલ અને અન્ય લુબ્રિકન્ટસ પુરવામાં આવે છે અને તેનો કેટલો વપરાશ થાય છે તેમજ ડીઝલમાં કોઇપણ પ્રકારે વધઘટ થાય છે કે કેમ તેની કોમ્યુટરાઈઝડ માહિતી ઉપલબ્ધ થાય તે સુનિશ્યિત કરવા નવી પધ્ધતિ અમલમાં આવનાર છે. વાહનોના ઈંધણ તથા અન્ય લુબ્રિકન્ટસના વપરાશનું મોનિટરિંગ થાય તે માટે ફયુઅલ મોનીટરીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરશ્રીએ વિશેષમાં એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ વર્કશોપ વિભાગ દ્વારા ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લી.નો ડીઝલ પંપ કાર્યરત છે. તા. ૦૧-૦૫-૨૦૧૭થી રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ વાહનોમાં ફયુઅલ તેમજ અન્ય લુબ્રિકન્ટસનું સંપૂર્ણપણે કોમ્યુટરાઈઝડ ઓનલાઈન ફયુઅલ મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે તમામ વાહનો, ડી.જી.સેટ વિ.માં ડીઝલ તેમજ અન્ય લુબ્રિકન્ટસની રસીદ જનરેટ કરવાનો સોફટવેર ડેવલપ કરવામાં આવેલ, હાલ ચાલુ રહેલ ઓનલાઈન સોફટવેર સિસ્ટમ મારફત અત્રેથી વાહનોના એવરેજ ચેક કરતા જે તફાવત જણાયેલ છે તે કંટ્રોલ કરવાનું નક્કી કરી ફયુઅલ મોનીટરીંગ સિસ્ટમ્ ઇન્સ્ટોલ કરવા સૂચના આપવામાં આવેલ.

ઉકત વિગતે આવતા વાહનોના એવરેજના તફાવતને કંટ્રોલ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના ઉપયોગમાં લેવાતા વાહનોમાં પ્રથમથી ડીઝલ ટેન્કમાં ફયુઅલ મોનીટરીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું નક્કી કરી, જેનાથી વાહન ખરેખર કેટલા કલાક/કિમી ચાલ્યું તેની રીઅલ ( GPS Location સહીતની ) માહિતી, તેમજ રસ્તામાં કોઈ પણ જગ્યાએથી ડીઝલની વધઘટ થી હશે (ગોલમાલ) તો તે અંગેની સ્પષ્ટ પણે જાણ ડીઝલ મોનીટરીંગ સિસ્ટમથી થઇ જશે. જેનાથી રાજકોટ મહાનગરપાલિકાને આર્થિક રીતે ફાયદો થશે અને કામગીરીનું રીઅલ મોનીટરીંગ થશે.હાલ પ્રથમથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વાહનો સાધનો કે જેવા કે ડમ્પર, ટીપર, સકશન મશીન , સ્વીપર મશીનો તથા ગાર્બેજ કોમ્પેકટર વાહનોમાં આ પ્રકારની ફયુઅલ મોનીટરીંગ સિસ્ટમ ( fuel monitoring System ) ઇન્સ્ટોલ કરવા માટે નિયત ટેન્ડર પ્રકિયા દ્વારા એજન્સી M/S. Black Box GPS Technology Pvt Ltd. ને આ કામગીરી માટેનો વર્ક ઓર્ડર અપાયેલ છે.

(3:43 pm IST)