Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કોટડાસાંગાણી - શાપર - વેરાવળમાં ૧૫૦ દબાણકારોને નોટીસ ફટકારતા ચરણસિંહ : બીનખેતી શરત ભંગમાં ૬૦ પાર્ટી સામે આકરી કાર્યવાહી

કલેકટરના બોર્ડમાં કુલ ૧૭ કેસ : બપોર બાદ ૧૫૦ અરજદારો માટે બીનખેતી ઓપન હાઉસ : સન્ની-પાજી કા ધાબા સહિત ૬૦ અરજદારોએ શરત ભંગ કર્યો હોય આકરો દંડ ફટકારાશે

રાજકોટ તા. ૨૩ : તાજેતરમાં કોઠારીયામાં ૨૯૦ કરોડની જમીન ખુલ્લી કરાવનાર સીટી પ્રાંત-૨ શ્રી ચરણસિંહ ગોહિલે વધુ એક સપાટો બોલાવી કોટડાસાંગાણી - શાપર - વેરાવળમાં ૧૫૦ જેટલા કોમર્શિયલ દબાણકારોને નોટીસ ફટકારી ૭ દિ'માં પચાવી પાડેલ સરકારી જમીન ખુલ્લી કરવા તાકિદ કરી છે.

શ્રી ચરણસિંહ ગોહિલે પત્રકારોને જણાવ્યું હતું કે, કોટડા મામલતદાર શ્રી વસોયાને ઉપરોકત તમામ કારખાનેદારોને નોટીસ આપવા ગઇકાલે મીટીંગમાં સૂચના અપાઇ છે અને તેમણે આજથી નોટીસ આપવાનું શરૂ કરી દેવાયું છે.

તેમણે જણાવેલ કે, આ ઉપરાંત કલેકટર દ્વારા બીનખેતીના અપાયેલ હુકમોમાં પાર્ટીઓ દ્વારા શરતભંગ કર્યાનું જણાતા પોતાના સબ ડીવીઝનલ વિસ્તારમાં આવતી આવી ૬૦ જેટલી પાર્ટીઓ સામે શરતભંગ અંગે કાર્યવાહી કરવા કલેકટર સમક્ષ ફાઇલો મૂકી દેવાઇ છે, હવે કલેકટર દ્વારા જમીન ખાલસા કે આકરો દંડ સહિતની કાર્યવાહી થશે, આવી ૬૦ પાર્ટીમાં જામનગર રોડ પરના વિખ્યાત સન્નીપાજી કા ધાબા સહિતના અમુક રહેણાંક હેતુ જમીન છતાં કોમર્શિયલ કાર્યવાહી કરી હોય તેવા આસામીઓ પણ છે.

દરમિયાન આજે બુધવારે કલેકટર શ્રી રેમ્યા મોહનનું સવારે મહેસૂલ - અપીલ કેસોના બોર્ડની સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં કુલ ૧૭ કેસમાં ૭ કેસમાં સુનાવણી તો ૧૦ કેસમાં ચુકાદા અપાયા હતા. દરમિયાન બપોર બાદ આજે ૪ાા વાગ્યે બીનખેતી ઓપન હાઉસ યોજાયું છે, જેમાં ૧૫૦ આસામીઓને કલેકટર દ્વારા હાથોહાથ ચૂકાદા અપાશે.

(3:11 pm IST)