Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

બુધવારી બજારના ફેરિયાઓને હેરાનગતિ બંધ કરાવો : ઉદિત અગ્રવાલને કોંગ્રેસનું આવેદન

ગરીબ વેપારીઓની રોજીરોટી બંધ થઇ ગઇ છે : સોશ્યલ ડીસ્ટન્શ સહિતના નિયમો અને હોકર્સ ઝોનનો ચાર્જ ભરે છે છતાં ખોટી રીતે ધંધા બંધ કરાવાય છે : અઠવાડિક બજાર ચાલુ રાખવા મ્યુ. કમિશનરનો હકારાત્મક અભિગમ : રણજીત મુંધવા, દિપ્તીબેન સોલંકીની આગેવાની તળે ૨૦૦ જેટલા લોકોની રજૂઆત

કોઠારીયા રોડની બુધવારી બજાર અંગે કોંગ્રેસના અગ્રણી રણજીત મુંધવા, દિપ્તીબેન સોલંકી, વિજયસિંહ, રાજુભાઇ આમરોલીયા, ભાવેશ પટેલ વગેરેએ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ તે વખતની તસ્વીર. નીચેની તસ્વીરમાં બજારના ફેરિયાઓ રજૂઆતમાં જોડાયા હતા તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)(૨૧.૨૩)

રાજકોટ તા. ૨૩ : શહેરના કોઠારીયા રોડ પર દર બુધવારે ભરાતી અઠવાડિક બજારને તંત્રવાહકો ખોટી કનડગત કરીને બંધ્ કરાવતા હોઇ આ બાબતે આજે કોંગ્રેસના રણજીત મુંધવા સહિતના આગેવાનોએ બજારના ફેરિયાઓ અને લતાવાસીઓને સાથે રાખી મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલને આવેદનપત્ર પાઠવી વિસ્તૃત રજૂઆત કરી હતી.

આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે, કોઠારીયા રોડ ઉપર તંત્રએ નક્કી કરેલ હોકર્સ ઝોનમાં રૂ. ૫૦૦નો વહીવટી ચાર્જ ભરીને નાના અને ગરીબ ફેરિયાઓ દર બુધવારે ભરાતી અઠવાડિક બજારમાં સન્માનપૂર્વક રોજીરોટી મેળવી રહ્યા છે. બજારમાં સોશ્યલ ડીસ્ટન્શીંગ સહિતના નિયમોનું પાલન થાય છે. આમ છતાં જગ્યા રોકાણ વિભાગ દ્વારા 'લતાવાસીઓની ફરિયાદ આવે છે તેવું કહી.' ફેરિયાઓનો ધંધો બંધ કરાવે છે ત્યારે આવી ખોટી કનડગત બંધ કરાવીને બુધવારે બજારનાં ફેરિયાઓને ધંધો કરવાની છૂટ આપવી જોઇએ.

આ રજૂઆતના પ્રત્યુત્તરમાં મ્યુ. કમિશનરશ્રીએ હકારાત્મક અભિગમ અપનાવી અને બજારમાં સોશ્યલ ડિસ્ટન્શીંગ, માસ્ક વગેરેના નિયમો સાથે ધંધો કરી શકાય. આ માટે યોગ્ય કાર્યવાહી થશે તેમ જણાવેલ હોવાનું રણજીત મુંધવાએ જાહેર કર્યું હતું.

આ રજૂઆતમાં બુધવારી બજારના ફેરિયાઓ તથા લતાવાસી સહિત ૨૦૦ જેટલા લોકો જોડાયા હતા.

(3:09 pm IST)