Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

પોપટપરાના ભરત કુગશીયાને પિસ્તોલ-મેગજીન આપનાર બે શખ્સનો જુનાગઢ જેલમાંથી કબ્જો

ફિરોઝ ઉર્ફ લાલો હાલા અને એમપીના રાજેશસિંગ ઉર્ફ રાજુની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

રાજકોટ તા. ૨૩: શહેર ક્રાઇમ બ્રાંચે અગાઉ પોપટપરા-૧૨/૫માં રહેતાં ભરત રઘુભાઇ કુગશીયાને પિસ્તોલ અને મેગ્જીન સાથે પકડી લીધો હતો. આ હથીયાર જુનાગઢના પત્રકારની હત્યાના ગુનામાં જુનાગઢ જેલમાં રહેલા ફિરોઝ ઉર્ફ લાલો કાસમભાઇ હાલા (રહે. ચોબારી તા. જુનાગઢ)એ આપ્યાનું ભરતે જે તે વખતે કબુલતાં ક્રાઇમ બ્રાંચે ફિરોઝ ઉર્ફ લાલાનો ટ્રાન્સફર વોરન્ટને આધારે જુનાગઢ જેલમાંથી કબ્જો લીધો હતો. તેની પુછતાછમાં મુળ એમપીના શખ્સનું નામ ખુલતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

ફિરોઝ ઉર્ફ લાલાનો કબ્જો મેળવી તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં. તેણ પુછતાછમાં આ હથીયાર જુનાગઢ જેલમાં જ રહેલા મુળ મધ્યપ્રદેશના ભીંડ જીલ્લાના ઇશ્વરી ગામના રાજેશસિંગ ઉર્ફ રાજુ ગંગાગસીંગ રાજાવત પાસેથી લીધાનું કબુલ્યું હતું. ફિરોઝ ઉર્ફ લાલાના રિમાન્ડ પુરા થતાં તેને પરત જુનાગઢ જેલમાં રજૂ કરાયો છે. જ્યારે રાજેશસિંગનો જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવી છે. ફિરોઝ ઉર્ફ લાલાએ ૨૦૧૬માં જુનાગઢ ખાતે પત્રકાર કિશોરભાઇ દવેની હત્યા કરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી તથા પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર, કુલદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી છે.

  • પત્રકારની હત્યા સહિત ૭ ગુનામાં ફિરોઝ ઉર્ફ લાલાની સંડોવણી
  • રાજેશસિંગની ગેરકાયદે હથીયારના ૮ ગુનામાં સંડોવણી

ફિરોઝ ઉર્ફ લાલો અગાઉ જુનાગઢમાં હત્યા, આર્મ્સ એકટ સહિતના ૭ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકય છે. જ્યારે રાજેશસિંગ ઉર્ફ રાજુ ભાવનગર-અમદાવાદ-રાજકોટ-જુનાગઢમાં હથીયારના ૮ ગુનામાં સંડોવાઇ ચુકયો છે. રાજેશસિંગની વિશેષ પુછતાછ કરવાની હોઇ તેના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(3:08 pm IST)