Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

જી.એસ.ટી.ના ૪૦ કરોડની ટેક્ષ ચોરીના ગુનામાં પકડાયેલ રાજકોટના બે વેપારીઓના જામીન મંજુર

રાજકોટ તા. ર૩: જીએસટીની ૩ર૦ કરોડની ટર્નઓવર અંગે ૪૦ કરોડ ટેકસ ચોરીની ફરીયાદમાં આરોપીઓની ડીસ્ટ્રીકટ કોર્ટે જામીન અરજી મંજુર કરીને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના રહિશ એવા (૧) આકાશ અશોકભાઇ પરસાણા, રહે. માસ્તર સોસાયટી રાજકોટ તથા (ર) નેમિષ પ્રતાપભાઇ ધામેલીયા રહે. ર-જલારામ, યુનિવર્સિટી રોડ, રાજકોટના સામે જીએસટીના ઇન્ટેલીજન્સ ઓફિસર અને ડાયરેકટર જનરલ રાજકોટ યુનિટનાની ફરીયાદ પરથી અરજદારોની સામે અલગ અલગ ર૦ કંપનીઓ બનાવી ૩ર૦ કરોડ જેવી મોટી રકમનો માલ સપ્લાય કરી આશરે ૪૦ કરોડ જેવી રકમની ટેકસ ચોરી કર્યાનો આરોપી મુકેલ તેમજ આ રીતે જીએસટી એકટની અલગ અલગ કલમ ૧૩ર/(૧)(એ)(બી)(સી) અને (ડી) કલમો લગાડી અરજદારોને જેલ હવાલે કરેલ અને કાર્યવાહી કરેલ.

સરકાર પક્ષે રોકાયેલ એડવોકેટશ્રીએ અરજદાર/આરોપીની એવી રજુઆત કરેલ કે અરજદાર/આરોપીએ આશરે ૪૦ કરોડની ટેકસ ચોરી કરવાનો આરોપ મુકેલ તેમજ આ કામમાં ૭.૧પ કરોડની ફ્રોડયુલન્ટ ઇનપુટ ટેકસ ક્રેડીટ મેળવી લીધાનો પણ આરોપ મુકેલ છે. તેમજ સરકાર પક્ષે રોકાયેલ એડવોકેટશ્રીએ હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુકેલ તથા ૧૪ પાનાનું સોગંદનામું મુકી જેમાં અરજદાર/આરોપીના જામીન અરજી નામંજુર કરવાની દલીલ કરેલ.

બચાવ પક્ષમાં રોકાયેલ એડવોકેટશ્રી બકુલ વી. રાજાણીની રજુઆત ધ્યાને લઇ સદરહું ફરીયાદ ફકત નાણાંકીય સ્વરૂપની ફરીયાદ છે. તેમજ માલસ્ટોકની ગણતરી થઇ ગયેલ હોય તેમજ આ કેસમાં ઘણા સમયથી તપાસ ચાલુ હોય તેમજ હજુ ઘણો સમય તપાસ ચાલી શકે તેમ છે જેથી અરજદાર/આરોપીના જામીન મંજુર કરવા જોઇએ. તેમજ અરજદાર/આરોપી કયાંય પણ નાશી કે ભાગી જાય તેમ નથી. તેમજ તપાસમાં પુરો સાથ અને સહકાર આપશે તેમજ પુરાવા સાથે કોઇ ચેડા કરી શકે તેમ નથી તેમજ એડવોકેટશ્રી બકુલ વી. રાજાણીની દલીલો તેમજ હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના અલગ અલગ જજમેન્ટ રજુ કરી એન્ડ પ્રિન્સીપાલ સેસન્સ એન્ડ ડિસ્ટ્રીકટ જજ જે શરતોને આધિન જામીન મંજુર કરશે જેથી સરકાર પક્ષે તથા અરજદાર/આરોપીના પ૦ હજારના શરતોને આધિન જામીન અરજી મંજુર કરેલ છે. આ કામમાં અરજદાર/આરોપી વતી ધારાશાસ્ત્રી એડવોકેટશ્રી બકુલ વી. રાજાણી, કોમલ વી. રાવલ, પ્રકાશ પરમાર, મિલનભાઇ પરમાર, વિજયસિંહ ઝાલા રોકાયેલ છે.

(3:01 pm IST)