Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

થોરાળા વિસ્તારમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ર૩: રાજકોટના થોરાળા વિસ્તારમાં ધર્મેશભાઇ આનંદભાઇ ચાવડા ઉ.વ. ૩૭ ની હત્યા કરવાના આરોપસર પકડાયેલ અને જેલમાં રહેલ આરોપી મૌલીક સંજયભાઇ પરમાર રહેઃ- રાજકોટવાળાએ જામીન અરજી કરતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસશ્રી વિક્રમ નાથએ આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, આ કામમાં મરણજનાર ધર્મેશભાઇ આનંદભાઇ ચાવડાનાઓની આ કામના અન્ય આરોપી ભીખાભાઇ ચકુભાઇ ચાવડા અને રસીકભાઇ ચકુભાઇ ચાવડા દારૂનો ધંધો કરતા હોય અને દારૂનો ધંધો કરવાની ના પાડેલ તે બાબતનું મનદુઃખ ચાલતું હોય તે મનદુઃખનો ખાર રાખી આ કામના તમામ આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી ઘાતક હથીયારો સાથે આવી મરણજનાર સાથે બોલાચાલી ઝઘડો કરી લોખંડના પાઇપ, લાકડી, છરીથી ઇજા પહોંચાડેલ જેના કારણે ગુજરનારનું મૃત્યુ થયાની ફરીયાદ ગુજરનારના પત્ની જયોત્સનાબેન ધર્મેશભાઇ ચાવડા એ કુલ (૧) રતાભાઇ પરમાર (ર) મૌલીકભાઇ પરમાર (૩) નરેશભાઇ દવેરા (૪) ભીખાભાઇ ચકુભાઇ ચાવડા (પ) રસીકભાઇ ચકુભાઇ ચાવડા આરોપીઓની સામે કરેલ.

સદરહું ફરીયાદના અનુસંધાને થોરાળા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦ર, ૩ર૩, પ૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી. પી. એકટની કલમ ૧૩પ(૧) હેઠળ ફરીયાદ નોંધેલ તેમજ સદરહું બનાવમાં ક્રોસ ફરીયાદ થયેલ હોય જેમાં મૌલીકભાઇ પરમાર ને ગુજરનારે છરી વતી હુમલો કરેલ તેથી થોરાળા પોલીસે મૌલીક પરમારની ફરીયાદ ઉપરથી ગુજરનારની સામે આઇ.પી.સી. કલમ ૩ર૬ વિગેરે કલમો હેઠળ ગુનો નોંધેલ.

ઉપરોકત ગુના સબંધે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ અને તે પૈકી મૌલીક સંજયભાઇ પરમારે જામીન પર છુટવા અરજી કરેલ અને રજુઆત કરેલ કે, કહેવાતા નજરે જોનાર સાહેદો ઉભા કરેલા છે અને સ્વતંત્ર સાહેદોના નિવેદનોથી વિરોધાભાષ છે, તેમજ ર પ્રકારની સ્ટોરી આવે છે અને પોલીસના કેસ મુજબ આરોપી મૌલીક પરમારે ગુજરનાર ને પાઇપ થી ઇજા પહોંચાડવાનો આક્ષેપ છે પરંતુ પોસ્ટમોર્ટમ નોટ જોતા પાઇપથી ઇજાનો કોઇ ઉલ્લેખ જણાતો નથી.

આ કામમાં કહેવાતા નજરે જોનાર સાહેદો સામાપક્ષે પણ આ બનાવમાં ઇજા થયેલાની હકિકત જણાવેલ નથી જયારે ક્રોસ કેસ હોય અને નજરે જોનાર સાહેદ હોય તો તેઓએ સામાપક્ષે પણ ઇજા થયેલ હોવાની હકિકત જણાવવી જોઇએ.

આમ ઉપરોકત દલીલો તેમજ રજુ થયેલ દસ્તાવેજી પુરાવા લીસ્ટ ને ધ્યાનમાં લઇને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસશ્રી વિક્રમ નાથે આરોપી મૌલીક સંજયભાઇ પરમારને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી મૌલીક સંજયભાઇ પરમાર વતી અમદાવાદના એડવોકેટ આશીષભાઇ ડગલી તેમજ રાજકોટના એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીવીદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વીજયભાઇ પટગીર, હર્ષીલભાઇ શાહ, વીજયભાઇ વ્યાસ, રાજેન્દ્રભાઇ જોશી, તેમજ પ્રકાશભાઇ પરમાર રોકાયેલા હતા.

(3:01 pm IST)