Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રૂ. રપ લાખ ૯૮ હજારનો ચેક પાછો ફરતાં મોરબીના ભગવતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર સામે ફરિયાદ

રાજકોટ તા. ર૩: મોરબીના પેપરના વેપારી પાસેથી પેપરની ખરીદી કરી રૂ. રપ,૯૮,૬૬૧ ની ચુકવણી પેટે અપાયેલ ચેક પરત ફર્યા બાદ નોટીસની બજવણી થવા છતાં આરોપીઓ દ્વારા જવાબ નહીં અપાતા મોરબીની કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ફરીયાદને ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપીઓ કેશવજીભાઇ જીવરાજ સરડવા વિગેરે વિરૂધ્ધ સમન્સ ઇશ્યુ કરવામાં આવેલ છે.

વિગત અનુસાર મોરબીની કૃતિ એન્ટરપ્રાઇઝ પેપરને લગતો ધંધો કરે છે. આ કામે ભગવતી ટેકસકોન ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો દ્વારા અવાર-નવાર પેપરને લગતાં સામાનની ખરીદી કરવામાં આવી હતી. વેચાણ માલની બાકી નીકળતી રકમ રૂ. રપ,૯૮, ૬૬૧ ની ફરીયાદી પેઢી દ્વારા માંગણી કરવામાં આવી હતી. જવાબમાં ટેકસકોન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તે રકમનો ચેક અપાયો હતો. ફરીયાદી પેઢી દ્વારા તા. રર-૦૯-ર૦ર૦ ના રોજ ચેક વટાવવા નાખતા અપાયેલ ચેક ''ફંડ ઇન્સફીસીયન્ટ''ના શેરા સાથે પરત ફર્યો હતો. ચેક પરત ફરતાં ફરીયાદી પેઢી દ્વારા પોતાના વકીલ મારફત આરોપીઓ કેશવજી સરડવાને લેણી રકમ ચુકવી આપવા નોટીસ આપવામાં આવી હતી. જો કે સમય મર્યાદામાં કોઇ પ્રત્યુતર નહીં મળતા કૃતિ એન્ટરપ્રાઇઝ દ્વારા ભગવતી ટેકસકોન પેઢીના ભાગીદારો વિરૂધ્ધ ચેક રિટર્નની ફરિયાદ મોરબીની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ફરીયાદને ધ્યાને લઇ મોરબીની કોર્ટ દ્વારા ટેકસકોન ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો વિરૂધ્ધ સમન્સ ઇશ્યુ કરાયા છે.

આ કામે ફરીયાદી પેઢી વતી વકીલ તરીકે ભાવેશ બાંભવા, હિતેશ વિરડા, રવિ કારીયા, જીજ્ઞેશ યાદવ રોકાયેલા છે.

(3:00 pm IST)