Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

બોગસ મરણનું સર્ટીફીકેટ બનાવી જમીનમાં નોંધ પડાવવાના ગુનામાં આરોપી જામીન પર

આરોપી પુત્રએ જીવીત માતાનું બોગસ મરણ સર્ટી. બનાવેલ હતું

રાજકોટ,તા. ૨૩: કાલાવડના નાની નાગાજળ ગામમાં જીવીત માતાને મૃત ઘોષિત કરી બોગસ મરણના સર્ટીફીકેટ બનાવી જમીનમાં નોંધ પડાવવાના ચકચારી કેસમાં સંડોવાયેલ આરોપીઓનો રેગ્યુલર જામીન પર છુટકારો થયેલ છે.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજળ ગામમાં જીવીત માતાને મૃત ઘોષિત કરી બોગસ મરણ સર્ટીફીકેટ કાઢી ખેતીની જમીનમાં વારસદાર તરીકે અન્ય વારસદારોના નામ છુપાવી જમીન હડપ કરવા અંગેનું કૌભાંડમાં નાની નાગાજળ ગામના તલાટી-ક્રમ-મંત્રીએ ગત તા. ૫/૪/૨૦૨૦ના રોજ કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૪ તેમજ ૧૧૪ મુજબની ફરીયાદ નોંધાવેલી હતી. જેથી પોલીસ દ્વારા આરોપીઓ (૧) રામજીભાઇ વિરમભાઇ ગમારા, (૨) કરણાભાઇ પબાભાઇ ગમારા (૩) કિશોર કરમશીભાઇ પારધીની ગત તા. ૨૪/૧૧/૨૦૨૦ના રોજ ધરપકડ કરવામાં આવેલ હતી. જેને નામ. કોર્ટ સમક્ષ રજુ કરતા તમામ આરોપીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

પુત્રએ વારસાઇ નોંધ પડાવવા માટે અને જામીન એકલાના નામે કરવા માટે આખુ ખોટુ પ્રકરણ ઉભુ કરેલ હતું. તેવી હકીકત સામે આવતા સદરહું નોંધ રદ કરી રજુ થયેલ બોગસ મરણ સર્ટીફીકેટ અને વારસાઇ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરી ખોટુ પ્રકરણ ઉભુ કરેલ હોય સર્કલ ઓફીસર તલાટી કમ મંત્રીને કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૪ તેમજ ૧૧૪ મુજબની ફરીયાદ નોંધાવેલી હતી. જેથી પોલીસ દ્વારા આરોપીઓ  (૧) કરણાભાઇ પબાભાઇ ગમારા (૨) કિશોર કરમશીભાઇ પારધીની ધરપકડ કરવામાં આવેલ હતી. જેથી આરોપીઓએ પોતાના એડવોકેટ મારફત રેગ્યુલર જામીન અરજી જામનગરના સેશન્સ કોર્ટમાં ગુજારેલ હતી જે અન્વયે જામનગર સેશન્સ કોર્ટમા આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના તાજેતરમાં આવેલા વિવિધ ચુકાદાઓ ધ્યાનમાં લઇ જામનગર સેશન્સ કોર્ટના જજશ્રી ટી.આર. દેસાઇ સાહેબે આ કામના આરોપીઓને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

(2:59 pm IST)