Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ફાયર N.O.C. વગરની હોસ્પિટલો 'સીલ' કરાશે : ઉદિત અગ્રવાલ

ફાયર સેફટીના એન.ઓ.સી. બાબતે હવે તંત્રની કડક કામગીરી : એન.ઓ.સી. વગરની હોસ્પિટલમાં દર્દીઓ દાખલ નહી કરી શકાય

રાજકોટ તા. ૨૩ : શહેરની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ મ.ન.પા.એ તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીનું કડક ચેકીંગ કરી તમામ ૨૦૦થી વધુ કોવિડ તથા નોન કોવિડ હોસ્પિટલોને ફાયર એન.ઓ.સી. મેળવી લેવા તાકીદ કરેલ જેની મુદ્દત પૂર્ણ થતા હવે જે હોસ્પિટલો પાસે ફાયર એન.ઓ.સી. નહી હોય તેવી હોસ્પિટલોને 'સીલ' કરી દેવા મ્યુ. કમિશનર અને વહીવટદાર ઉદિત અગ્રવાલે જાહેર નોટીસ જારી કરી છે.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ શહેરની હદ વિસ્તારમાં આવતી હોસ્પિટલ પૈકી જે હોસ્પિટલો પાસે ફાયર ખાતાનું નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ મેળવવામાં આવેલ નથી, ફાયર એન.ઓ.સી. મેળવેલ હોય અને ફાયર ખાતા તરફથી ફાયર સિસ્ટમ કાર્યરત કરવા બાબતે નોટીસ ઇસ્યુ કરવામાં આવેલ હોય તે તમામ હોસ્પિટલોને દિન-૧૫ માં ફાયર ખાતા પાસેથી ફાયર એન.ઓ.સી. મેળવી લેવા સુચના આપવામાં આવે છે અને જો આ બાબતનું સર્ટીફીકેટ સક્ષમ સત્તા પાસે મેળવવામાં આવશે નહીં તો હોસ્પિટલ માલિક - મેનેજમેન્ટ વિરૂદ્ઘ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા જે જે હોસ્પિટલોને નોટીસ આપવામાં આવી છે તે હોસ્પિટલોએ અચૂક ફાયર એન.ઓ.સી. મેળવી લેવાનું રહેશે. હાલ આ હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમાં હવે નવા દર્દીને દાખલ કરી શકાશે નહી, તેમજ સારવાર હેઠળના આ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવે ત્યાં સુધીમાં હોસ્પિટલે ફાયર એન.ઓ.સી. મેળવી લેવાનું રહેશે. અન્યથા ત્યારબાદ આવી હોસ્પિટલો 'સીલ' કરી દેવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ફાયર એન.ઓ.સી. મેળવેલ હોય અને ફાયર સિસ્ટમ બાબતે હોસ્પિટલના સ્ટાફને ટ્રેનીંગ આપવામાં આવેલ નહીં હોય તેમજ હોસ્પિટલની ફાયર સીસ્ટમ કાર્યરત રાખવામાં આવશે નહિ અને કોઈ આગ - જાનહાની કે હોનારત સર્જાશે તો તેની સંપુર્ણ જવાબદારી હોસ્પિટલ માલિક - મેનેજમેન્ટીની રહેશે. હોસ્પિટલ બિલ્ડીંગ ખાતે સ્ટેરકેશ તથા બિલ્ડીંગનો અન્ય ભાગ ફાયર એકટની જોગવાઈ મુજબ વેન્ટીનલેટેડ રાખવાનો રહેશે. રાજકોટ શહેરમાં ફાયર એન.ઓ.સી. ન ધરાવતી હોસ્પિટલોનું લીસ્ટ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.rmc.gov.in  ઉપર મુકવામાં આવેલ છે. સુચના મળ્યા પછી જે હોસ્પિટલોમાં ફાયર એન.ઓ.સી. મેળવેલ હશે નહીં તે હોસ્પિટલોમાં નવા દર્દીને દાખલ કરી શકશે નહીં, તેમ પણ મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

(2:57 pm IST)