Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

મવડી પ્રજાપતિ સોસાયટીમાં પ્રજ્ઞેશ,માતા-પિતા,કાકી અને બહેન પર પાઇપથી હુમલો

મારૂતિનગરમાં રહેતાં પુર્વ સાઢુ મનિષ મકવાણાએ મિત્રો સાથે મળી હુમલો કર્યોઃ મનિષના છુટાછેડા થઇ ગયા હોઇ મનદુઃખ હતું: મારી ખરાબ વાતો કરો છો કહી તૂટી પડ્યો

રાજકોટ તા. ૨૩: મવડીના ઓમનગર પાસે પ્રજાપતિ સોસાયટી-૪માં રહેતાં રજપૂત યુવાન પર તેના પુર્વ સાઢુભાઇ સહિતનાએ 'તમે મારા વિશે ખરાબ વાતો કરો છો' કહી હુમલો કરી માર મારતાં તેને બચાવવા માટે માતા, પિતા, કાકી અને બહેન વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવતાં પાંચેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પ્રજાપતિ-૪માં રહેતો અને કારખાનામાં કામ કરતો પ્રજ્ઞેશ પંકજભાઇ પરમાર (ઉ.વ.૨૭) સાંજે ઘરે હતો ત્યારે  ગિરનાર સોસાયટી-૫માં રહેતાં તેના તેના પુર્વ સાઢુ મનિષ દિલીપભાઇ મકવાણા અને મનિષના મિત્રો અંકિત, વિશાલ સહિતનાએ ઘરે આવી પાઇપથી હુમલો કરી તેમજ ઢીકાપાટુનો માર મારતાં  તેના પિતા પંકજભાઇ વિનુભાઇ પરમાર (ઉ.વ.૫૦), માતા ભાવનાબેન (ઉ.વ.૪૯), બહેન જલ્પા (ઉ.વ.૨૪) અને કાકી ભાવીશાબેન ભાવેશભાઇ (ઉ.વ.૩૫) વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરવામાં આવી હતી.

તાલુકા પીએસઆઇ એન. કે. રાજપુરોહિતે પંકજભાઇની ફરિયાદ પરથી મનિષ સહિતના સામે ગુનો નોંધ્યો છે. પ્રજ્ઞેશના કહેવા મુજબ અગાઉ તેની સાળી સાથે મનિષના લગ્ન થયા હતાં. પણ બાદમાં છુટુ થઇ ગયું હતું. ત્યારથી આ બાબતે મનદુઃખ રાખી તે માથાકુટ કરે છે. ગઇકાલે પણ ઘરે આવી તમે મારા વિશે ખરાબ વાતો કરો છો તેમ કહી હુમલો કર્યો હતો.

(12:41 pm IST)