Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ફ્રુટની ફેરી કરતો કલ્યાણનગરનો મજીત ગાંજા સાથે પકડાયોઃ સુરતના મિત્રએ આપ્યાનું રટણ

પીવા માટે લાવ્યાનું કથનઃ એસઓજીએ એરપોર્ટ ફાટકથી મઢી તરફ જતાં રસ્તા પર બગીચા પાસે બાતમી પરથી વોચ રાખી પકડ્યોઃ ગાંધીગ્રામ પોલીસને સોંપતા રિમાન્ડ મેળવવા તજવીજ : એસઓજીના વિજેન્દ્રસિંહ ઝાલાએ એક વર્ષમાં ત્રીજી વખત ગાંજાની સફળ બાતમી મેળવી

રાજકોટઃ શહેર એસઓજીની ટીમે વધુ એક વખત ગાંજા સાથે એક શખ્સને પકડયો છે. એરપોર્ટ રોડ પત્રકાર સોસાયટી પાસે કલ્યાણનગર-૨માં રહેતાં અને પરાબજાર પાસે ફ્રુટની લારી રાખી ધંધો કરતાં મજીત ઉસ્માનભાઇ સેતા (ઉ.વ.૩૩)ને એરપોર્ટ ફાટકથી હનુમાન મઢી તરફ જતાં રસ્તા પરથી એકસેસ જીજે૦૩એલકે-૯૭૮૧માં રૂ. ૩૬૦૦નો ૩૬૦ ગ્રામ ગાંજો રાખી નીકળતાં પકડી લીધો હતો.

એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર. વાય. રાવલ, પીએઅસાઇ એમ. એસ. અંસારી, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અનિલસિંહ ગોહિલ, ઝહીરખાન ખફીફ, મહમદ અઝહરૂદ્દીન બુખારી તથા કોન્સ. સોનાબેન મુળીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વિજેન્દ્રસિંહ અને અઝહરૂદ્દીન બુખારીની બાતમી પરથી આ કામગીરી કરવામાં આવી હતી.

મજીતને વધુ તપાસ માટે ગાંધીગ્રામ પોલીસને સોંપાતા પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ આર. એસ. પટેલ સહિતે રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે. પ્રાથમિક પુછતાછમાં મજીતે રટણ કર્યુ છે કે સુરત મિત્ર પાસે ગયો હતો ત્યારે મિત્રએ પીવા માટે આપ્યો હતો. વધે એ કોઇ સાધુ કે બીજા બંધાણીને મફતમાં આપી દેવા કહ્યું હતું. જો કે મજીતની આ વાત ગળે ઉતરતી ન હોઇ રિમાન્ડની તજવીજ થઇ રહી છે.નોંધનીય છે કે આ વર્ષમાં એસઓજીના વિજેન્દ્રસ્િંહ ઝાલાને ગાંજાની ત્રીજી વખત સફળ બાતમી મળી છે. અગાઉ ૫૭ કિલો અને ૨૫ કિલો ગાંજો પકડાયો હતો.

(12:40 pm IST)