Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રણજીતને વાહનો નડતા'તા પણ કોઇને કીધું નહિ...પેટ્રોલ ખરીદી થોડા દિ' વિચાર કર્યા બાદ તક જોઇ સળગાવી દીધા

જીલ્લા ગાર્ડનમાં પાંચ વાહનો સળગાવનારા લલુડી વોંકળીના રણજીત શશીને પોલીસે કલાકોમાં શોધી કાઢ્યો : જ્યાં વાહનો પાર્ક થતાં ત્યાંથી જ પોતે નીકળતો હતોઃ વાહનો સતત આડેધડ પડ્યા હોઇ અવર-જવરમાં નડતાં હતાં : ટીમ બનાવી ૪૦ જેેટલા શખ્સોને તપાસ્યા બાદ પ્રદિપસિંહ અને યોગીરાજસિંહની બાતમી પરથી આરોપીને શોધી કઢાયો

રાજકોટ તા. ૨૩: જીલ્લા ગાર્ડન ચોકમાં આવેલા સ્લમ કવાર્ટરમાં ગઇકાલે વહેલી સવારે ચાર બાઇક અને એક રિક્ષા મળી પાંચ વાહનોને સળગાવી ૨,૩૫,૦૦૦નું નુકસાન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચ અને ભકિતનગર પોલીસે ટીમો બનાવી ૪૦ જેટલા શખ્સોને પુછતાછ માટે ઉઠાવી લીધા હતાં. એ પછી ચોક્કસ બાતમી પરથી ઘટના સ્થળથી આશરે દોઢસો મિટર દૂર લલુડી વોંકળીની બાજુનમાં જુના જીન મીલ પાસે રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં રણજીત કાનાભાઇ શશી (ઉ.વ.૩૦)ને પકડી લેવાયો છે. તેણે કબુલાત આપી હતી કે લાંબા સમયથી પોતે આ રસ્તેથી ચાલતો હોઇ અને સતત વાહનો આડેધડ પાર્ક કર્યા હોઇ તે પોતાને નડતાં હોવાથી મનમાં ક્રોધ ચડતો હતો. કોઇને વાત કરી નહોતી પણ વાહનો સળગાવી નાંખવાનો વિચાર આવતાં કેટલાક દિવસ પહેલા પેટ્રોલ લાવ્યો હતો અને બુધ-ગુરૂની મધરાતે તક મળતાં જ સળગાવીને ઘરે જઇ સુઇ ગયો હતો.

વાહનો સળગાવાયાની ઘટનામાં પોલીસે અજાણ્યા શખ્સ સામે વાહન માલિકોની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ તાકીદે ગુનો ડિટેકટ કરવા સુચના આપતાં એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને એસીપી પુર્વ એચ. એલ. રાઠોડની રાહબરીમાં ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં અલગ-અલગ ટીમો કામે લાગી ગઇ હતી. પોલીસે શંકાને આધારે ૪૦ જેટલા શખ્સોને ઉઠાવી લીધા હતા.

એ દરમિયાન ડીસીબીના પ્રદિપસિંહ જાડેજા અને યોગીરાજસિંહ જાડેજાને પાક્કી બાતમી મળતાં લલુડી વોંકળીના રણજીત શશીને ઉઠાવી લીધો હતો. પહેલા તો પોતે કંઇ જાણતો જ ન હોવાનું રટણ કર્યુ હતું. પણ બાદમાં વિશેષ પુછતાછમાં પોતે જ વાહનો સળગાવ્યાની કબુલાત આપી દેતાં ધરપકડ કરવામાં આવી હતી.

રણજીત ઇમિટેશનનું કામ કરે છે. તે અવાર-નવાર જ્યાં વાહનો સળગાવ્યા ત્યાંથી જ નીકળે છે. પણ અહિ સતત દિવસે અને રાતે વાહનો આડેધડ પાર્ક થયેલા હોઇ પોતાને લગભગ દરેક વખતે ત્યાંથી નીકળવામાં તકલીફ થતી હતી. આ બાબતે તેણે કોઇને વાત કરી નહોતી. પણ મનમાં એવો વિચાર આવ્યો હતો કે હવે વાહનો સળગાવી નાંખવા છે. આ માટે કેટલાક દિવસ પહેલા તે પેટ્રોલ લાવ્યો હતો અને રાખી મુકયું હતું. બુધ-ગુરૂની મોડી રાતે તક જોઇ પેટ્રોલના ડબલા સાથે આવી વાહનો સળગાવી ઘરે જઇ સુઇ ગયો હતો.

પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ જે.ડી. ઝાલા, પીએઅસાઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ એસ. વી. સાખરા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, દેવાભાઇ ધરજીયા, યોગીરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કિરતસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર, જયપાલસિંહ ઝાલા, વિશાલ દવે સહિતે આ કામગીરી કરી હતી.

  • ટીમને રોકડ પુરષ્કાર

વાહનો સળગાવનારને કલાકોમાં શોધી કાઢવાની કામગીરી કરનાર ટીમને પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે રૂ. ૧૫ હજારનો પુરષ્કાર આપી અભિનંદન પાઠવ્યા હતાં. આગળની તપાસ ભકિતનગર પોલીસ કરશે.

(3:07 pm IST)