Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

મોરબી રોડ રાધામીરા સોસાયટી પાસે ઇકોની ઠોકરે બાઇક ચડતાં જમીન-મકાનના ધંધાર્થી રાજેશભાઇ નકુમનું મોત

અકસ્માત સર્જી ચાલક કાર મુકી ભાગી ગયોઃ રજપૂત યુવાનના મોતથી બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૨૩: મોરબી રોડ પર સેટેલાઇટ ચોક નજીક રાધામીરા સોસાયટી પાસે ઇકો કારના ચાલકે બાઇકને ઉલાળતાં બાઇક ચાલક મોરબી રોડ પર વૃજભુમિ રેસિડેન્સી શેરી નં. ૨માં રહેતાં જમીન મકાનના ધંધાર્થી રાજેશભાઇ નારણભાઇ નકુમ (રજપૂત) (ઉ.વ.૩૫)નું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

રાજેશભાઇ નકુમ ગઇકાલે સાંજે પાંચેક વાગ્યે ઘરેથી કામ સબબ પોતાનું બાઇક જીજે૦૩જેકે-૮૩૩૭ લઇને નીકળેલ અને ઘર નજીક રાધા મીરાના રોડ પર પહોંચતા જ ઇકો કાર જીજે૦૩એલબી-૩૧૭૬ની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત સર્જી ચાલક કાર મુકીને ભાગી ગયો હતો.

રાજેશભાઇને લોહી વહેતું હોઇ લોકો ભેગા થઇ ગયા હતાં અને તેમના ફોનમાંથી તેના સગાને જાણ કરતાં બધા ઘટના સ્થળે પહોંચ્યા હતાં. રાજેશભાઇને તાકીદે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

બી-ડિવીઝનના હેડકોન્સ. રાજેશભાઇ જોગડાએ મૃતકના પિત્રાઇ ભાઇ વૃજભુમિ રેસિડેન્સીમાં રહેતાં એડવોકેટ કિરીટભાઇ ભગવાનજીભાઇ નકુમ (ઉ.વ.૩૮)ની ફરિયાદ પર કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. મૃત્યુ પામનાર રાજેશભાઇ જમીન-મકાન લે વેંચનું કામ કરતાં હતાં. તે એક બહેનથી નાના અને પરિવારનો આધારસ્તંભ હતા. તેના મોતથી માસુમ દિકરા-દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં સ્વજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

તસ્વીરમાં અકસ્મત સર્જનાર કાર, મૃતક યુવાનનું બાઇક, ઇજા બાદ તે રોડ પર લોહી નીકળતી હાલતમાં બેસી રહેલ તે દ્રશ્ય અને છેલ્લે તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે.

(11:10 am IST)