Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

મેરેથોનમાં ભાગ લેવા નરેશભાઈ પટેલ,પરાક્રમસિંહ જાડેજા, મૌલેશભાઈ ઉકાણી, કિરણભાઈ ભાલોડીયાનું રજીસ્ટ્રેશન

તા.૨૫, ૨૬, ૨૭ ડિસે.ના રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા 'રન ફોર કોરોના વોરીયર્સ' વર્ચ્યુઅલ મેરેથોન ૨૦૨૦ : વર્ચ્યુઅલ મેરેથોનમાં સ્પર્ધક પોતાના યોગ્ય સમયે અને પોતાના અનુકુળ સ્થળ પરથી પોતાની નકકી કરેલ મેરેથોન પૂરી કરી શકશેઃ દરેક સ્પર્ધકને ઈ- સર્ટીફીકેટઃ રજીસ્ટ્રેશન ચાલુઃ ક્રિકેટર જયદેવ ઉનડકટે પણ નામ નોંધાવ્યું

રાજકોટ,તા.૨૨: વિપરીત પરિસ્થિતિ વચ્ચે લોકોની આરોગ્યસુખાકારી અને સ્વાસ્થ્યની ચિંતા કરતા તમામ કોરોના વોરીયર્સ પ્રત્યે સંવેદના વ્યકત કરવા તથા તેમની અહર્નિશ સેવાઓ ને પ્રોત્સાહિત કરવાના શુભ આશયથી રોટરી ડીસ્ટ્રીકટ ૩૦૬૦ ના સહયોગથી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ''રન ફોર કોરોના વોરીયર્સ''  વર્ચ્યુઅલ મેરેથોન ૨૦૨૦ નું આયોજન આગામી તા.૨૫,૨૬ અને ૨૭ ડીસેમ્બરના કરવામાં આવ્યું છે.

આ મેરેથોનમા ભાગ લેવા માટે ફકત ગુજરાત જ નહીં સમગ્ર ભારત દેશ ઉપરાંત દુનિયાના વિવિધ દેશોમાં વસતા લોકો દ્વારા ઉત્સાહપૂર્વક રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે. લોકપ્રિય ક્રિકેટર જયદેવ ઉનડકટ તથા રાજકોટ શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ પરાક્રમસિંહ જાડેજા, રમેશભાઈ ટીલાળા, મૌલેશભાઈ ઉકાણી,  શિક્ષણ શાસ્ત્રી ડી.વી. મહેતા, કીરણભાઈ ભાલોડીયા, સામાજિક અગ્રણી નરેશભાઈ પટેલ, સહિત અનેક મહાનુભાવોએ વર્ચ્યુઅલ મેરેથોન માટે રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. ઉપરાંત શહેર ની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા મહાનુભાવો અને સમાજના શ્રેષ્ઠીઓ પણ  રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. તેમજ વધુને વધુ લોકો જોડાઈ માટે રાજકોટ રનર્સ,આઈ એમ એ રાજકોટ અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિયેશન વિગેરે જેવા એસોસિએશન અને સંસ્થાનો ટેકો મળી રહ્યો છે. તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકો પણ કોરોના વોરીયર્સ પ્રત્યે આભાર પ્રગટ કરવાના આશયથી રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

કુલ પાંચ વિભાગમાં યોજાનારી આ વર્ચ્યુઅલ મેરેથોન ફુલમેરેથોન ૪૨.૧૯૫ કીમી, હાફ મેરેથોન ૨૧.૦૯૭ કીમી ડ્રીમ રન ૧૦ કીમી, ફનવોક/રન ૫ કીમી.અને થેન્કયુ વોક માટે આપ પણ આપને અનુકૂળ વિભાગ માં તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવી લેશો.

વર્ચ્યુઅલ મેરેથોનમાં  સ્પર્ધક પોતાના યોગ્ય સમયે અને પોતાના અનુકૂળ સ્થળ પર થી પોતાની નકકી કરેલ મેરેથોન પુરી કરી શકે છે. આ મેરેથોન પુર્ણ કરી ડેટા અપલોડ કરનાર સ્પર્ધકો માટે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા લકી ડ્રોના માધ્યમથી ૧૦૦થી વધારે ઈનામોની વણજાર પણ લોકો ના આકર્ષણ નું કેન્દ્ર બની છે.

ઉપરાંત ડેટા અપલોડ કરાવનાર દરેક સ્પર્ધક ને ઈ- સર્ટિફિકેટ આપવામાં આવશે. ઉપરાંત મેડલ માટે રજીસ્ટ્રેશન કરાવનાર સ્પર્ધકો ને મેડલ એનાયત કરવામાં આવશે.

કોરોના વોરીયર્સને સમર્પિત આ વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લેવા માટે મેરેથોન ૨૦૨૦નું રજીસ્ટ્રેશન www.rotarymarathon.com પર કરાવવાનું રહેશે. વધુ વિગત કે જાણકારી માટે મો. ૮૨૦૦૦૧૦૩૧૦ અથવા rotarymarathon2020@gmail.com પર સંપર્ક કરી શકાય છે.

રોટરી ડીસ્ટ્રીકટ ગવર્નર રોટેરીયન પ્રશાંત જાની, પ્રોજેકટ ચેર રોટેરીયન રવિ ગણાત્રા, પ્રોજેકટ કો -ચેર રોટેરીયન દીપેન પટેલ, હોસ્ટ કલબ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડેન્ટ રોટેરીયન મેહુલ નથવાણી, સેક્રેટરી રોટેરીયન નિલેશ ભોજાણી તથા રોટરી કલબ ઓફ રાજકોટના પ્રેસિડેન્ટ દેવવ્રત સુખવાલ સેક્રેટરી અભિજીત ચેટરજી રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના પ્રેસિડેન્ટ દિનેશ જીવરાજાની સેક્રેટરી તપન ચંદારાણા રોટરી કલબ ઓફ રાજકોટ મેટ્રોના પ્રેસિડેન્ટ આનંદાબેન અને સેક્રેટરી ડોકટર તેજસ પીપળીયા તેમજ કલબ અને ડીસ્ટ્રીકટના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:52 pm IST)