Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

મેરેથોનમાં ૯૫૮ દિવ્યાંગો દોડ લગાવશે

રાજકોટની વિવિધ સંસ્થાઓના દિવ્યાંગો દિવ્યાંગ દોડમાં ભાગ લેશે

રાજકોટ,તા.૨૩: આગામી તા.૨૯ ડિસેમ્બરે રાજકોટ મહાનગરપાલિકા અને રોટરી કલબ ઓફ મીડટાઉન દ્વારા આયોજિત રાજકોટ મેરેથોનમાં દોડ લગાવવા રાજકોટવાસીઓ આતૂર બન્યા છે. ત્યારે દોડવીરોની સાથે સાથે આ દોડમાં શહેરના ૯૫૮ દિવ્યાંગો પણ ઉત્સાહભેર ભાગ લઈ લોકોને 'હમ કિસી સે કમ નહી'નો ઉમદા મેસેજ આપશે. અત્યાર સુધી રાજકોટમાં ત્રણ વખત મેરેથોનનું આયોજન થયું છે અને તેમાં દિવ્યાંગોએમ હોંશભેર ભાગ લીધો છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં દિવ્યાંગો ભાગ લઈ રહ્યા હોય તેવું રાજકોટમાં જ શકય છે, આ માટે દિવ્યાંગ દોડવીરોએ અત્યારથી પ્રિકટસ પણ શરૂ કરી દીધી છે. રાજકોટ મેરેથોનની સાથે જ 'દિવ્યાંગ દોડ' યોજવામાં આવશે અને આ દોડને પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ફલેગ ઓફ આપવામાં આવશે.

આ વર્ષે મેરેથોનમાં શહેરજનોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. આ વખતે મેરેથોનમાં ૯૫૮ દિવ્યાંગો એક સાથે દોડ લગાવી લોકોને પ્રોત્સાહિત કરશે. આ માટે રાજકોટની તમામ દિવ્યાંગ સંસ્થાઓનો બહોળો સહકાર સાંપડી રહ્યો છે.

એક વાત એ પણ નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેમને દિવ્યાંગો સાથે અનેરી લાગણી છે તેઓના હસ્તે જ દિવ્યાંગ દોડને ફલેગ ઓફ આપવામાં આવશે. મેરેથોનમાં દિવ્યાંગો પણ દોડ લગાવવા માટે આતૂર હોય તેમની સ્પીરિટને ધ્યાનમાં  લઈ અન્ય દોડવીરો સાથે જ તેમની દોડનું પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. મેરેથોનમાં ભાગ લેનાર તમામ દિવ્યાંગ દોડવીરોને રોટરી કલબ ઓફ મીડટાઉન- રાજકોટ તરફથી ટી- શર્ટ આપવામાં આવશે તો વિવિધ પોઈન્ટ ઉપર તેમના માટે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મેરેથોનમાં દિવ્યાંગ સંસ્થાઓમાંથી જે દોડવીરો ભાગ લેવાના છે તેમાં સહયોગ વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટમાંથી ૫૪, યુનિક વિકલાંગ ટ્રસ્ટમાંથી ૧૦૦, મંત્રા ફાઉન્ડેશનમાંથી ૧૭, જીનિયસ સુપરકિડસમાંથી ૬૬, નવશકિત વિદ્યાલય- રાજકોટમાંથી ૬૭, બધીર મંડળ- રાજકોટમાંથી ૧૩૫, શ્રી વી.વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાંથી ૫૧, પ્રયાસ પેરેન્ટસ એસોસિએશન- રાજકોટમાંથી ૧૭૫, સદ્દગુરૂ દિવ્યાંગ ટ્રસ્ટ અને રામકૃષ્ણ આશ્રમ તરફથી ૪૫, શ્રી વિરાણી બહેરા- મૂંગા શાળામાંથી ૧૯૫ અને સ્નેહ નિર્જરમાંથી ૫૩ મળી કુલ ૯૫૮ દિવ્યાંગો મેરેથોનમાં દોડ લગાગશે.

આયોજનમાં સર્વશ્રી હરેશ પરમાર, નિધિ કડવાણી, મિતલ કડવાણી, પૂજાબેન પટેલ, સંચાલક પ્રયાસ સંસ્થા મેન્ટલી ચેલેન્જડ બાળકો શૈલેષભાઈ પંડયા, દીના મોદી (વી.ડી.પારેખ અંધ મહિલા), કશ્યપભાઈ (વિરાણી બહેરા મુંગા), ભાવેશભાઈ પારેખ (રામકૃષ્ણ આશ્રમ), અરવિંદભાઈ (સહયોગ વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ), હિતેશભાઈ કાનાબાર (સ્નેહ નિર્જર) અને સિસ્ટર દયા (નવ શકિત સ્કૂલ, પ્રેમ મંદિર) જોડાયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(5:01 pm IST)