Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

પીડીએમ ૮૬ ગ્રુપ દ્વારા ઘનિષ્ઠ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વૃક્ષ છે તો જીવન છે... વૃક્ષો જ આપણાં પરમ મિત્ર છે એ સુત્રને ચરીતાર્થ કરતું ગ્રુપ : શ્રીજી ગૌશાળા, હનુમાનધારા તથા મોરબી રોડ ઉપર અભિરામ પાર્કમાં વૃક્ષારોપણ કરાયું: વૃક્ષોના જતન-નિભાવ માટે સદભાવના વૃધ્ધાશ્રમને રૂ. પ૦,૦૦૦ રોકડા અર્પણ કરાયા

રાજકોટ, તા., ૨૩: જળ એ જીવન છે પણ વૃક્ષની ઉપયોગીતા જોતા કહી શકાય કે વૃક્ષ છે તો જીવન છે તેથી જ વૃક્ષો આપણા પરમ મિત્ર છે. ઔદ્યોગીકરણના સમયમાં આજે શહેરો સીમેન્ટ કોન્ક્રીટના જંગલો બની રહયા છે. વાતાવરણમાં પ્રદુષણ વધી રહયું છે અને ભુગર્ભ જળનું સ્તર સતત નીચે જઇ રહયું છે. ત્યારે દરેક નાગરીકની ઉમદા ફરજ છે કે વૃક્ષારોપણ કરવું અને વૃક્ષોનું જતન કરવું આ થકી પર્યાવરણની રક્ષા કરવી. પીડીએમ ૮૬ ગ્રુપ દ્વારા આ ઉદેશથી તાજેતરમાં વૃક્ષારોપણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એટલું જ નહી વૃક્ષોના જતન માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.

પીડીએમ કોલેજના ૮૬ની બેચના વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા સમયાંતરે સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે તાજેતરમાં શ્રીજી ગૌશાળા, હનુમાનધારા તથા મોરબી રોડ પર આવેલ અભિરામ પાર્કમાં મોટા પાયે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આ ગ્રુપ પરીવારના મોટી સંખ્યામાં ભાઇ બહેનોએ ભાગ લઇ પર્યાવરણ પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી એટલુ જ નહી અન્યોને પ્રેરણા મળે તેવું કાર્ય કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણનાં કાર્યક્રમ અંતર્ગત ગઇકાલે મોરબી રોડ પર આવેલ અભિરામ પાર્કમાં સો જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું એટલું જ નહી આ વૃક્ષોના જતન અને નિભાવ માટે રાજકોટની જાણીતી સંસ્થા સદભાવના વૃક્ષાશ્રમના પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયાને કામગીરી સોંપવામાં આવી હતી અને એ અંતર્ગત પીડીએમ ૮૬ ગ્રુપ દ્વારા આ માટે રૂ. પ૦,૦૦૦ રોકડા ગૃપના સભ્યો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. સદભાવના વૃધ્ધાશ્રમના સંચાલકો દ્વારા આ વૃક્ષોનો ઉછેર કરવાામં આવશે. અત્રે એ નોંધનીય છે કે સદભાવના વૃધ્ધાશ્રમ અનેકવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલું છે અને તેની કામગીરી વિશ્વસનીય અને ભરોસેમંદ છે.

વૃક્ષારોપણ પ્રસંગે અભિરામ પાર્કના હોદેદારો પણ ઉપસ્થિત રહયા હતા તથા પીડીએમ ૮૬ ગ્રુપની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી અને સદભાવના ટ્રસ્ટ સાથે રહીને વૃક્ષોનું આજીવન જતન કરવા ખાતરી પણ આપી હતી.

પીડીએમ ૮૬ ગ્રુપ દ્વારા યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમની આગેવાની ગ્રુપના સક્રીય સભ્ય નીખીલભાઇ મહેતાએ સંભાળી હતી. જયારે તેમને સહયોગ ડાયાલાલ કેસરીયા (વેપારી અગ્રણી)  નરેન્દ્રભાઇ ઝીબ્રા (મેનેજર ફુલછાબ)પંકજભાઇ રાચ્છ (ટેક્ષ કન્સલ્ટન્ટ), વિજય ગાંધી (ફાય-સલાહકાર) વગેરેએ આપ્ય હતો. ગ્રુપના તમામ સભ્યોના સહકારથી આર્થિક ફાળો એકત્રીત કરવામાં આવ્યો હતો.

ગ્રુપ દ્વારા સમયાંતરે વિવિધ સમાજ-માનવલક્ષી કાર્યક્રો જેમ કે ગરીબોને ફ્રુટ વિતરણ, રકતદાન શિબિરમાં ભાગીદારી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સહાય જેવા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.

(3:51 pm IST)