Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

સ્કુલ મંદિર છે, શિક્ષક સર્જક છે અને વિદ્યાર્થીઓ સાચા અર્થમાં તપસ્વી છે : સમણ શ્રુતપ્રજ્ઞજી

રાજકોટ : દરેક વિદ્યાર્થીમાં અસીમ સંભાવનાઓ છુપાયેલી છે. આ સંભાવનાઓને બહાર પ્રગટ કરવા માટે જરૂરી છે કે એ પોતાની અભિરૂચી અને ટેલેન્ટને ઓળખે. માણસ દરેક વસ્તુને માપી શકે છે પરંતુ સંભાવનાઓને માપી શકાતી નથી, એ અમાપ છે, અસીમ છે. આ વિચારો સમણ શ્રુતપ્રજ્ઞજીએ સી.સી. શાહ અંગ્રેજી માધ્યમ સ્કુલ અને એકસપેરીમેન્ટ સ્કુલના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે વ્યકત કર્યા હતા.

તૃષનીશ અરોરા અને જેસીકા ડોકસનું ઉદાહરણ ટાકતા કહ્યુ કે આત્મ વિશ્વાસ સંકલ્પશકિત અને એકાગ્રતા દ્વારા અસીમ શકિતઓને જગાવી શકાય છે. કલાસરૂમમાં જે શિક્ષણ મળે છે એનાથી જીવિકા પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ કલાસરૂમની બહાર પાંચ જ્ઞાનેન્દ્રીયોથી વ્યકિત જે શીખે છે તેનાથી જીવનના ગુપ્ત રહસ્યો પામી વ્યકિત ઉચ્ચામાં ઉચ્ચી ટોચ સુધી પહોંચી શકે છે.

સમણશ્રીએ કહ્યુ કે સ્કુલ એ મંદિર છે, શ્ક્ષિક એ સર્જક છે અને વિદ્યાર્થી એ તપસ્વી છે. સ્કુલ જ્ઞાનની આરાધનાનું કેન્દ્ર છે એટલે મંદિર છે. શિક્ષક હજારો વિદ્યાર્થીનું ઘડતર કરે છે એટલે એ સર્જક છે અને વિદ્યાર્થી આખુ વર્ષ અલગ અલગ રોજના આઠ વિષયો, ગમે કે ન ગમે છતા એકાગ્રતા સાથે ભણે છે એટલે એ તપસ્વી છે.

પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન રાજકોટના પ્રમુખ સમણ શ્રુતપ્રજ્ઞજીએ વધુમાં કહ્યુ કે યુવાનો સામે બે વિકલ્પો છે. એક મજા આવે તેવો અને બીજો દર્દ થાય તેવો. જયાં મજા છે ત્યાં દર્દ નથી, જયાં દર્દ છે ત્યાં મજા નથી. અત્યારે મજામાં અટવાશો તો જિંદગીભર દર્દની મજબૂરી સહવી પડશે અને અત્યારે  યુવાનીમાં દર્દમાં જીવવાની ટેવ પાડશો તો આખી જીંદગી દર્દમુકત રહી હજારો લાખો લોકો માટે પ્રેરણાનું કારણ બની શકશો.

સમણ શ્રુતપ્રજ્ઞજીનંુ સંસ્થાવતી સ્વાગત કર્યુ હતું. સ્કુલના ચેરમેન ધર્મેશભાઈ તમાકુવાલાએ પરિચય આપ્યા હતા. સી.સી. શાહ સ્કુલના પ્રાચાર્ય સુનિલભાઇ જાદવ અને આભારવિધિ એકસપેરીમેન્ટ સ્કુલના પ્રાચાર્ય કિશોરભાઈ જાનીએ કરી હતી. સમણ શ્રુતપ્રજ્ઞજી સાથે લંડનથી ગ્રેયામ ડવાયરે પણ હાજરી આપી હતી. જેઓએ ભારતમાં બે વર્ષ રહી ભૂત - પ્રેત વિષય પર પીએચડી કર્યુ છે ઓકસફોર્ડ દ્વારા ડિગ્રી મેળવી છે.

સમણ શ્રુતપ્રજ્ઞજી જૈન સન્યાસી છે. દુનિયાના ૩૦થી વધુ દેશોમાં સેમીનારો અને પ્રવચનો આપે છે. ભારતમાં શિક્ષણક્ષેત્રે જીવંતરીતે જોડાયેલા છે. દર વર્ષે એમની સંસ્થા દ્વારા ૩૦૦થી વધુ વિદ્યાર્થીને શિષ્યવૃતિ આપવામાં આવે છે. એમની સંસ્થા પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન રાજકોટમાં અને પીસ ઓફ માઈન્ડ યૌગિક સેન્ટર અમેરીકામાં સક્રિય હોવાનું યાદીમાં જણાવાયુ છે.

(3:50 pm IST)