Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

એ-ડિવીઝનની દૂર્ગાશકિતની ટીમે લાખાજીરાજ રોડ પર ચેનચાળા કરી રહેલી બે મહિલાને પકડી

જાહેરમાં આવતાં-જતાં લોકો સામે ઇશારા કરતી'તીઃ પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરે ટીમની રચના કર્યા બાદ પ્રથમ કામગીરી

રાજકોટ તા. ૨૩: શહેર પોલીસ કમિશર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશર ખુરશીદ અહેમદે દૂર્ગા શકિત ટીમોની રચના કરી તમામ પોલીસ સ્ટેશનોમાં આ ટીમોની નિમણુંક કરી છે. મહિલાઓને થતી હેરાનગતિના કેસમાં આ ટીમો તુર્ત જ કામગીરી કરે છે. તો મહિલાઓ દ્વારા થતી ગેરકાનૂની પ્રવૃતિઓને અટકાવવામાં પણ આ ટીમ કામ કરે છે. લાખાજીરાજ રોડ પર બે મહિલા જાહેરમાં ઉભી રહી આવતા-જતાં લોકો સામે હાથથી અને આંખથી ઇશારા કરી બિભત્સ ચાળા કરતી હોઇ એ-ડિવીઝન પોલીસ સુધી ફરિયાદ પહોંચી હતી.

ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલે આવી પ્રવૃતિ અટકાવવા સુચના આપી હોઇ પી.આઇ. એન. કે. જાડેજાએ તુર્ત જ દૂર્ગા શકિત ટીમના ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ દશરથસિંહ ઝાલા, મહિલા કોન્સ. કોકીલાબેન સોમાભાઇ દાફડા, અર્ચનાબેન દિનેશભાઇ કુબાવત તેમજ ઇશિતાબેન કિશોરભાઇ જોટાણીયાને તપાસ કરવા મોકલતાં બે મહિલા ચેનચાળા કરતી મળી આવતાં જીપીએકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પકડાયેલી મહિલાઓએ પોતાના નામ સજનબા હરિસિંહ રજપૂત (ઉ.૪૯-રહે. કોઠારીયા રોડ) તથા હિનાબેન હિતેષભાઇ મકવાણા (ઉ.૪૦-રહે. શાપર વેરાવળ) જણાવ્યા હતાં. તસ્વીરમાં બંને મહિલા (ચહેરા ઢાંકયા છે તે) તથા સાથે દૂર્ગા શકિત ટીમના મહિલા કર્મચારી જોઇ શકાય છે. આ ટીમની રચના બાદ એ-ડિવીઝન પોલીસે પ્રથમ કામગીરી કરી છે.

(3:30 pm IST)