Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

હનુમાન મઢી પાસેના શિવપરામાં એક મહિનાના રેહાનનું બેભાન હાલતમાં મોત

અન્ય બનાવોમાં થોરાળાના અમરાભાઇ રાઠોડ, રંગીલા પાર્કના ધીરજલાલ જોષી અને પ્રશીલ પાર્કના રામજીભાઇ સોલંકીએ બેભાન હાલતમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૩: રૈયા રોડ હનુમાન મઢી પાછળ શિવપરા-૨માં રહેતાં આશીફભાઇ પિલુડીયાનો પુત્ર રેહાન (ઉ.૪૦ દિવસ) સવારે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. રેહાન બે ભાઇથી નાનો હતો. તેના પિતા છુટક મજૂરી કરે છે. બનાવથી માતા-પિતા સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

અન્ય બનાવોમાં નવા થોરાળા વણકરવાસ-૮માં રહેતાં અમરાભાઇ લાખાભાઇ રાઠોડ (ઉ.૭૦) સવારે પાંચેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. ત્રીજા બનાવમાં અટિકા નહેરૂનગર રંગીલા પાર્કના ધીરજલાલ ઉમિયાશંકર જોષી (ઉ.૪૬) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. મૃતક ચાર બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર છે. તે કપડાનો ધંધો કરતાં હતાં. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ચોથા બનાવમાં યુનિવર્સિટી પાસે પ્રશિલ પાર્કમાં રહેતાં વાળદ રામજીભાઇ ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.૬૫) ૧૯મીએ બેભાન થઇ જતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ ગઇકાલે મોત નિપજ્યું હતું. યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ બરવાડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મુળ ધોરાજીના કલાણાના વતની હતાં. તેઓ પુત્રના ઘરે આવ્યા હતાં. સંતાનમાં બે પુત્ર છે. તે ઘરમાં બેભાન મળ્યા ત્યારે બાજુમાં ટાઇલ્સ કલીનરની બોટલ પડી હતી. તેમણે એ પીધું હતું કે કેમ? તે નક્કી થયું નથી. પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે.

(1:01 pm IST)