Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

થાય એ કરી લ્યો રોડ તો ક્રોસ થશે જ...પોલીસની ફરજમાં રૂકાવટઃ કેવલ સોલંકી સામે ફરિયાદ

રાજ્યપાલનો કોન્વે પસાર થવાનો હોઇ ટુવ્હીલર ચાલકને થોડી વાર ઉભવાનું કહેતાં ઉશ્કેરાયો

રાજકોટ તા. ૨૩: રવિવારે સવારે પોણા અગિયારેક વાગ્યે કાલાવડ રોડ પર જય સિયારામ હોટેલ નજીક રાજ્યપાલશ્રીના કોન્વેના બંદોબસ્તમાં ઉભેલા ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ પ્રહલાદસિંહ જાડેજા (ઉ.૨૯) સાથે જ્યુપીટર ટુવ્હીલર જીજે૦૩ડીએલ-૫૩૨૩ લઇને નીકળેલા આજીડેમ ચોકડી નજીકના ભીમરાવનગર-૨૦માં રહેતાં કેવલ બાબુભાઇ સોલંકી (ઉ.૧૯)એ પોલીસમેનની ફરજમાં રૂકાવટ કરતાં તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યપાલશ્રીનો કોન્વે પસાર થવાનો હોઇ પોલીસમેને કેવલને થોડીવાર સાઇડમાં વાહન સાથે ઉભા રહી જવાનું સમજાવતાં તેણે ધરાર રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરતાં તેને ફરીથી પોલીસમેને અટકાવતાં ઉશ્કેરાઇ ગયો હતો અને 'રોડ તો ક્રોસ થશે જ, થાય એ કરી લ્યો' તેમ કહી દેકારો મચાવી ફરજમાં રૂકાવટ કરતાં માલવીયાનગર પોલીસને સોંપાયો હતો.

પીએસઆઇ જે. એ. ખાચરે દિવ્યરાજસિંહની ફરિયાદ પરથી કેવલ સોલંકી સામે આઇપીસી ૧૮૬ મુજબ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાયદો સમજાવ્યો હતો. આ શખ્સ સાથે ટુવ્હીલરમાં એક બહેન પણ હતી. તેણી તેની બહેન હેતલબેન હોવાનું તેણે પોલીસને કહ્યું હતું. તે પોલીસમેન સાથે ઉગ્ર બોલાચાલી કરતો હતો ત્યારે પીઆઇ બી. ડી. જીલરીયાને જાણ થતાં તેઓ પણ તાકીદે સ્થળ પર આવી ગયા હતાં. એ પછી તેને વાહન સાથે પોલીસ મથકે લઇ જવાયો હતો.

(1:00 pm IST)