Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

અટીકાના ફાયનાન્સર સમીર પટેલ પર જામનગરના ધમભા સહિત ચારનો ઉંઘરાણી મામલે પતરાની પેટી-ધોકાથી હુમલો

રાતે સવાબારે ચાર જણાએ ઓફિસમાં ઘુસી બઘડાટી બોલાવીઃ તાત્કાલીક રૂપિયા ન આપે તો મારી નાંખવાની ધમકી : મારામારીમાં ઇજા થતાં સમીરને હોસ્પિટલમાં સારવાર લેવી પડીઃ ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૩: સહકાર રોડ પર રહેતાં અને અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઓફિસ રાખી ફાયનાન્સનું કામ કરતાં ફાયનાન્સર પટેલ યુવાન પર મોડી રાતે જામનગરના લેણદાર દરબાર શખ્સ સહિતનાએ ઉંઘરાણી માટે ઝઘડો કરી ગાળો દઇ પતરાની પેટી, ધોકા, ઢીકાપાટુનો માર મારી ‘રૂપિયા તાત્કાલીક નઅિ આપ તો જીવતો નહિ રહેવા દઉંં’ કહી મારી નાંખવાની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે સહકાર રોડ પીપળીયા હોલ પાસે ન્યુ રામેશ્વર સોસાયટી-૪માં રહેતાં અને ફાયનાન્સનું  કામ કરતાં સમીર મનુભાઇ સોરઠીયા (પટેલ) (ઉં.વ.૩૬)ની ફરિયાદ પરથી ધર્મેન્દ્રસિંહ ઝાલા, કૃષ્ણસિંહ ઝાલા, જયપાલસિંહ ગોહિલ અને અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.
સમીર સોરઠીયા રાતે સવા બારેક વાગ્યે અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરિયા ઢેબર રોડ સાઉંથમાં છનીયારા એસ્ટેટ સામે આવેલી પોતાની બાલાજી એન્ટરપ્રાઇઝ નામની પોતાની ઓફિસે હતાં ત્યારે હુમલો કરી મુંઢ માર મારી તેમજ પતરાની પેટી કપાળના માટે ફટકારી ઇજા કરી ઢીકાપાટુ અને ધોકાથી માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસમા જાણ કરતાં હેડકોન્સ. એમ. બી. ગોસ્વામીએ તેની ફરિયાદ પરથી હુમલોખોરો ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતની સામે એફઆઇઆર દાખલ કરી હતી.
સમીર પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું ફાયનાન્સનો ધંધો કરુ છું. રાતે હું મારી ઓફિસે હતો ત્યારે જામનનગરવાળા ધમભા ઝાલા જે મારી પાસે રૂપિયા માંગતા હોઇ   તેની ઉંઘરાણી કરવા તે તથા તેની સાથે કૃષ્ણસિંહ, જયપાલભાઇ અને અજાણ્યો શખ્સ આવ્યા હતાં. રૂપિયાની ઉંઘરાણી મામલે વાતચીત ચાલુ હતી ત્યારે બોલાચાલી થતાં ધમભાએ ગાળો આપી હતી અને રૂપિયા તો આપવા જ પડશે કહી મારી ઓફિસમાં પડેલી પતરાની પેટી ઉંપાડી મને કપાળ. ફટકારી દીધી હતી.
તેની સાથેના કૃષ્ણસિંહ પણ આડેધડ માર મારવા માંડેલ અને જયપાલભાઇએ ધોકાથી મને પગ અને વાંસામાં તથા અજાણ્યાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ બધાએ ગાળો પણ ભાંડી હતી. ત્યાં મારા મિત્રો શિવરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા હાજર હોઇ તેમેણે આ બધાને સમજાવ્યા હતાં. જતાં જતા ધમભાએ રૂપિયા તાત્કાલીક નહિ આપ તો જીવતો નહિ રહેવા દઉં તેવી ધમકી આપી હતી. એ પછી મને હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર બાદ રજા લઇ હું મારા મિત્ર ભાવેશભાઇ અને પત્નિ કૈલાસને લઇ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ફરિયાદ કરી હતી. પોલીસે આ ફરિયાદને આધારે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

 

(11:57 am IST)