Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

જિલ્લા પંચાયતમાં આખલાઓની લડાઇમાં વિકાસના ઝાડનો ખો

કોંગ્રેસને ઝાઝેરો જુથવાદ નડી ગયો, ભાજપને જનાદેશ વિના સતા ખૂચવવાની તલપઃ ભોગ બની રહ્યા છે નિર્દોષ લોકો : બિનખેતીના અરજદારોએ 'ખર્ચ' કરી નાખ્યો, કારોબારીના નિર્ણયો વિવાદમાં ફસાતા પ૯ અરજદારોના કામ અટકી પડયાઃ વિકાસના અન્ય કામો પર પણ માઠી અસર

રાજકોટ તા. ર૩: જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની તોતીંગ બહુમતી છતાં જુથવાદના કારણે શાસક પક્ષ લઘુમતીમાં મૂકાઇ જતા શરૃં થયેલ રાજકીય અને કાનૂની લડાઇ કયાં જઇ અટકશે તે નક્કી નથી પરંતુ રાજકીય આખલા સમાન બે પક્ષની લડાઇ જેને રાજકારણ સાથે કંઇ નિસ્બત નથી તેવા લોકોને માઠી અસર કરી રહી છે ગઇ તા. ર૧ જુલાઇએ મળેલ કારોબારી બેઠકના નિર્ણયોના અમલ સામે ભાજપના પ્રયાસોથી સ્ટે આવી જતા તેની સીધી અસર વિકાસ કામો પર પડી છે. કારોબારી યોજના અને એને અટકાવનારાઓનું ચિત અને હિત અલગ ચર્ચાનો વિષય છે પરંતુ રાજકીય વિખવાદોથી પ્રજાનું અહિત થઇ રહ્યું છે.

કોંગ્રેસને એનો જુથવાદ નડી ગયો. ચૂંટાયેલા ૩૪ સભ્યો પૈકી ર૧ સભ્યો પાર્ટીથી નારાજ થઇ જાય અને કોંગ્રેસના સભ્યો ભાજપમાં વિશ્વાસ (?) વ્યકત કરે તે બાબત ઘણું કહી જાય છે કોંગ્રેસનું જિલ્લા કક્ષાનું અને પ્રદેશનું નેતૃત્વ પરિસ્થિતિ પામવામાં થાપ ખાઇ ગયું તે હકિકત છે. કુંવરજીભાઇ બાવળિયાના પક્ષપલ્ટાથી જિલ્લા પંચાયતમાં રાજકીય ઉથલપાથલનો રસ્તો ખૂલ્લો થયો હતો. અટલજીએ માત્ર એક જ મત ઘટતો હોવા છતાં સરકાર જતી કરેલ પરંતુ રાજકોટમાં ભાજપે માત્ર બે જ સભ્યો ચૂંટાયેલા હોવા છતાં કોંગ્રેસ પાસેથી વગર ચૂંટણીએ સતા ખૂંચવવાનો સરકાર પ્રેરિત ખેલ પાડયો છે.

ર૧ જુલાઇએ મળેલી કારોબારીમાં બિનખેતીની પ૯ ફાઇલો ઉપરાંત વિકાસના અન્ય કામોના ઠરાવ થયેલા. અત્યારે તે તમામને બ્રેક લાગી ગઇ છે તમામ એન.ઓ.સી. અને પ્રચલિત 'વહીવટી' પ્રક્રિયા પૂરી થયા પછી પણ બિનખેતીને મંજુરી ન મળતા અરજદારોના આદર્યા અધૂરા રહ્યા છે. બે જુથોની લડાઇમાં કેટલાયના 'મૂહુર્ત' આડા અવળા થઇ ગયા છે કોંગ્રેસના બેમાંથી એકેય જુથ કે ભાજપને પ્રજાની અપેક્ષા મુજબ વહીવટ કરવામાં રસ દેખાતો નથી પરંતુ પોતાની ઇચ્છા મુજબ 'વહીવટ' કરવામાં જ રસ છે જિલ્લા પંચાયતના ઝગડાના મૂળમાં અહંકાર અને લાલચ છે. કારોબારીના નિર્ણયો ૩ અઠવાડિયા સુધી સ્થગિત થઇ ગયા છે. કયાં સુધી આ સ્થિતિ રહેશે તે નક્કી નથી અસરગ્રસ્ત નિર્દોષ લોકો 'પાડાના વાંકે પખાલી'ને ડામ કહેવત યાદ કરીને સમસમી ગયા છે.

(4:23 pm IST)