Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

તંત્ર 'દબાણ'માં ન આવે તો દબાણ હટાવ સફળ થાય : તખુભા

તખુભા રાઠોડે ગહન અભ્યાસ કરીને દબાણ હટાવ કામગીરીને લોકવિશ્વાસથી સફળ કરવા સુચનો આપ્યા

રાજકોટ, તા. ર૩ : જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ અને તેમના સાથીઓએ વર્તમાન દબાણ હટાવ ઝુંબેશ અંગે કરેલ અભ્યાસ અને શહેરના જાગૃત નાગરિકો પાસેથી આ ઝુંબેશ પદ્ધતિ અને તેના પરિણામ અંગે મેળવેલ અભિપ્રાયો વાંચકો સમક્ષ રજૂ કરતા જણાવે છે.

શહેરના રોડ વધેલ બેફામ દબાણ અને તેના કારણે જટીલ બનેલ ટ્રાફીક સમસ્યા અને આ સમસ્યાથી પ્રજાની હેરાનગતી અંગે રાજયની વડી અદાલતે જવાબદાર તંત્રની અતિકડક ભાષામાં ટીકા કરેલ. અદાલતના કડક વલણને કારણે રાજય સરકાર હરકતમાં આવેલ છે. રોડ ઉપરના દબાણો તૂર્તજ દુર કરવા પોલીસ અને મહાનગરપાલિકાને કડક કાર્યવાહી કરવા આદેશ આપેલ છે. પ્રજા માટે સરકારનો આ નિર્ણય આવકારદાયકને અભિનંદનને પાત્ર છે.

આ ઝુંબેશ અંગે અમે કરેલ અભ્યાસ અને આ અંગે શહેરના જાગૃત-અભ્યાસુ નાગરિકોના સ્પષ્ટ અભિપ્રાયો અંગે જવાબદાર તંત્રો ગંભીરતાપૂર્વક લક્ષ આપે તેવી પ્રજાની લાગણી અને માંગણી છે.

આ ઝુંબેશને તમામ આવકારે છે પણ ભુતકાળની અનેક ઝુંબેશ બાદ પણ દબાણનો પ્રશ્ન યથાવત જ છે. ઉલ્ટાનું અમુક જગ્યાઓએ આ પ્રશ્ન વધુ ગંભીર બનેલ છે. જેથી પ્રજા અનેક કારણોસર આ ઝુંબેશ સફળ થશે કે કેમ તેમાં શંકા દર્શાવે છે.

- શહેરમાં રોડ ઉપરના દબાણનો પ્રશ્ન બહુ જુનો છે અને તેના મુળ ઉંડા છે. જવાબદાર તંત્રની શંકાસ્પદ કામગીરીને કારણે આ પ્રશ્ન ધીરે ધીરે વધુ વિશાળ અને જટીલ બનેલ છે. જેથી આ સમસ્યાના મુળ સુધી જવું ખૂબજ જરૂરી છે.

- પ્રજામાં બુદ્ધિજીવી-અભ્યાસુ વર્ગનો મત છે કે ઝુંબેશની સફળતામાં પ્રજાનો સાથ સહકાર ખૂબજ જરૂરી છે અને પ્રજાનો અને નાના દબાણકારોનો સાથ લેવા તંત્રએ વર્તમાન ઝુંબેશની નીતિ બદલવી જરૂરી છે.

અમારા મતે આ ઝુંબેશ સફળ બનાવવા નીચેની બાબતો વિચારણા માગી લે છે :-

પોલીસ કમીશ્નર અને મહાનગરપાલિકાના કમિશ્નરએ તેમના ઉંચ અધિકારીઓએ સાથે પુરતા સમય સાથે જે તે સ્થળ ઉપર જઇ દબાણોના પ્રકાર અંગે અભ્યાસ કરી દબાણો કાયમી ધોરણ દુર કરવા પુરી નિષ્ઠા ને તટસ્થપુર્વક એકથી વધુ ટીમ બનાવી આ ઝુંબેશ ને ઉપરથી શરૂ કરી છેલ્લે નીચે લાવવી જોઇએ.

(૧) પ્રથમ મુખ્ય માર્ગના મોટા કદના તમામ પ્રકારની તાકાતવાળાની કોમર્શીયલ બિલ્ડીંગના તમામ પ્રકારના દબાણો સંપુર્ણપણે દુર કરવા જોઇએ.

(૨) બેફામ ફી ઉઘરાવતી ખાનગી કોલેજ-શાળા, ટયુશન કલાસીસના અંદર બહારના કાયમી ધોરણે દબાણ દુર કરવા.

(૩) નાના-મોટા વેપારીઓના ઓટલા, પાટીયા અને અન્ય દબાણો દુર કરવા.

ઉપરોકત વર્ગના તમામ દબાણો સંપુર્ણપણે દુર કરવાથી પ્રજામાં અને નાના મોટા વેપારી આલમાં એક સ્પષ્ટ સંદેશ જશે કે આ ઝુંબેશ શહેરના અને પ્રજાના હિતમાં તટસ્થ અને પારદર્શક છે. જેથી તંત્રને સહયોગ આપવા પ્રજાનું મન બનશે.

(૪) અભ્યાસુ નગરજનોના મતે આર્થિક નબળા અને ગરીબો પોતાના ભરણપોષણ માટે રસ્તાઓની કિનારે ધંધો કરતા પાથરણાવાળા અને રેકડીઓવાળાને યોગ્ય વિકલ્પીક જગ્યા ફાળવી આ દબાણો કાયમી ધોરણે દુર કરવા જોઇએ.

ઝુંબેશમાં દબાણો દુર કરવાથી રાજકોટના રસ્તાઓ દબાણ મુકત થઇ જશે એવા ભ્રમમાં તંત્રએ રહેવું ન જોઇએ. ભુતકાળમાં અનેક ઝુંબેશો થઇ છે. છતાં આજ પણ દબાણો હયાત છે. જવાબદાર તંત્રની એજ બેજવાબદારી ને ઢીલી નીતી ઉજાગર કરે છે.

ભુતકાળમાંથી બોધપાઠ લઇ કમિશ્નરશ્રીએ ફરી દબાણો ઉભા ન થાય તે માટે તમામ ઝોનમાં કડક સુપરવિઝન માટે અધિકારીઓને કામગીરી સોંપી ફરી દબાણ થશે તો જવાબદારી જે તે અધિકારીની રહેશે અને અધિકારીઓ સામે સખ્ત પગલા લેવામાં આવશે.ટ એવી હિંમત બતાવવી જોઇએ. આ નિતીનો કડક અમલથી જ કાયમી ધોરણે દબાણો દુર થવાની શકયતાઓ રહેલ છે.

દબાણના કારણે ટ્રાફીક સમસ્યા વધુ મુશ્કેલ બને છે અને તેની યાતના પ્રજાએ ભોગવવી પડે છે.જેથી જનતાએ આ ગંભીર સમસ્યાના હલ માટે જાગૃત થઇ ઝુંબેશ અંગે સલાહ-સુચન અને સહકાર આપવો જોઇએ એવી અમારી અપીલ છે.(૮.૧પ)

બહુમાળી બિલ્ડીંગથી શરૂ કરો

(૧) આ ઝુંબેશ પ્રજાના સહયોગ વિના સફળ ન થાય. પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવા ઝુંબેશની નીતિ બદલવી પડે. (ર) ઝુંબેશ તટસ્થ, પારદર્શક હોવી જોઇએ ને ઝુંબેશ તટસ્થ છે એ બતાવવા ઝુંબેશનો પ્રારંભ શહેરના મુખ્ય માર્ગના તમામ રીતે તાકાતવાળાના બહુમળી કોમર્શીયલ બિલ્ડીંગોથી શરૂ કરવી જોઇએ. (૩) ઝુંબેશ બાદ ફરી દબાણો ન થાય તે માટે એક ખાસ સેલ રચવું તેના મારફત સતત સુપરવીઝન જરૂરી છે. ફરી દબાણ થાય તો જે તે વિભાગના અધિકારીઓ ઉપર કડક પગલા ભરવાની કમિશ્નરશ્રીએ હિંમત બતાવવી જોઇએ.

(4:23 pm IST)