Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

વિકાસ કામોને લીલીઝંડી

શહેરના વિવિધ વિસ્તારના રસ્તાઓ ૩.૫૦ કરોડનાં ખર્ચે ટનાટન બનાવાશે

રૈયાધાર અને કે.એસ. ડિઝલ્સ પાસેના ડમ્પીંગ યાર્ડમાં કચરાના બે પ્રોસેસીંગ પ્લાન્ટ, ફલાવર-શોનો ખર્ચ સહિતની ૧૯ દરખાસ્તો સ્ટેન્ડિગમાં મંજુર

રાજકોટ, તા. ૨૩:  મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલ સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારના રસ્તાઓનું મેટલીંગ કરવા તથા ફુટપાથ પર પેવિંગ બ્લોક - રૈયા ધાર અને કે.એસ.ડીઝલ્સ પાસેના ડમ્પીંગ યાર્ડમાં કચરાના બે પ્રોસેસીંગ પ્લાન્ટ, ફલાવર-શોનો ખર્ચ સહિતની ૧૯ દરખાસ્તો મંજુર કરવામાં આવી છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડે જણાવ્યું હતું કે,  શહેરમાંથી ઉત્પન્ન થતા ડ્રાય વેસ્ટ (સુકો કચરો)ના પ્રોસેસિંગ (કચરામાંથી ખાતર બનાવવું) માટે રૈયાધાર તથા કે.એસ. ડીઝલ સામે આવેલ કચરાના આ બન્ને ડમ્પીંગ યાર્ડમાં બે પ્લાન્ટ ઉભા કરવામાં આવશે.  આ બન્ને કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવાની મંજુરીના બદલામાં કંપની દ્વારા પ્રતિ ટન કચરા દીઠ રૂ. ૧૫૦૦ની રોયલ્ટી મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવશે આમ, મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક ૧.૫૦ કરોડની આવક થશે.

જ્યારે વોર્ડ નં. ૨માં છોટુનગર, પત્રકાર સોસાયટી, શ્રીમદ્દ પાર્ક વગેરે વિસ્તારના રસ્તામાં સાઈડના પડખા પર રૂ. ૨૩ લાખના ખર્ચે પેવિંગ બ્લોક નાખવા આવશે. આ ઉપરાંત બજરંગ વાડી વિસ્તારમાં બગીચા માટેના પ્લોટમાં ૨૦.૫૭ના ખર્ચે દિવાલ બનાવાશે.

આ ઉપરાંત રેસકોર્ષમાં યોજાયેલ ફલાવર-શો દરમિયાન વિન્ટેજ કારનું જે નિર્દેશન થયુ હતુ તેનો રૂ. ૧.૨૦ લાખનો ખર્ચ, સમગ્ર ફલાવર-શોનો કુલ રૂ. ૪૦.૩૪ લાખનો ખર્ચ કે જેમાં બાંબુના મંડપ માટે ૧.૫૦ લાખ, ડોમના ૪.૫૦ લાખ, ફલાવર શોની જાહેરાત માટેનો ટેબ્લો માટે રૂ. ૪.૨૫ લાખ, રૂ. ૧૬.૩૬ લાખના ખર્ચે વિવિધ સ્ટ્રકચર, સોમનાથ મંદિરની પ્રતિકૃતિના ૪.૫૦ લાખ, વેસ્ટમાંથી બેસ્ટ રૂ. ૧.૩૮ લાખ, સ્ટીલ સ્ટ્રકચરના ૩.૨૦ લાખ સહિતના ખર્ચો મંજુર કરાયો છે.

આ ઉપરાંત વોર્ડ નં. ૪માં ટીપી સ્કીમ નંબર ૧૨, ૧૩, ૧૫, ૩૧ના વિવિધ રસ્તાઓ ઉપર રૂ. ૩.૧૯ કરોડના ખર્ચે મેટલીંગ કામ સહિતની કુલ ૧૯ દરખાસ્તો સ્ટેન્ડીંગ કમિટિ બેઠકમાં મંજુર કરવામાં આવી છે.(૨૧.૧૫)

(4:22 pm IST)