Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

મ્યુ.કમિશનરનું કોર્પોરેટરને ગેરલાયક ઠેરવવાનું તાનાશાહ પગલું: ધર્મિષ્ઠાબાનો આક્ષેપ

બંછાનિધિ પાનીનાં નિર્ણયને પડકારતાં કોંગી મહિલા કોર્પોરેટર :જી.પી.એમ.સી. એકટનીકલમ ૧૨ મુજબ રજુઆતનો હકક આપવાં કોંગી કોર્પોરેટરની માંગ

રાજકોટ તા. ૨૩ :. અત્રેનાં મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ કોંગ્રેસના વોર્ડનં. ૧૮નાં કોર્પોરેટર ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડજાને સતત ત્રણ વખત જનરલ બોર્ડમાં ગેરહાજર રહેવા સબબ બી.પી.એમ.સી. એકટની કલમ ૧૧ હેઠળ કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવ્યા છે. ત્યારે કમિશનરનું આ પગલું તાનાશાહ હોવાનો આક્ષેપ કોર્પોરેટર ધર્મિષ્ઠાબા એ કર્યો છે.

આ અંગે આજે ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજાએ આજે મ્યુ. કમિશનરને આવેદતપત્ર પાઠવીને જણાવ્યું છે કે વોર્ડ નં. ૧૮નાં નગર સેવક તરીકે ગેરલાયક ઠેરવાયા હોવાથી મ્યુ.કમિશનર કચેરી તરફથી કોઇ સતાવાર જાણ નથી કરાઇ. આથી કોઇપણ પ્રકારની નોટીસ આપ્યા વગર કે રજુઆત સાંભળ્યા ગેરલાયક ઠેરવવાનો નિર્ણય તાનાશાહ પ્રકારનો છે. તેવો આક્ષેપ ધર્મિષ્ઠાબાએ રજુઆતમાં કર્યોં છે.રજુઆતના અંતે ધર્મિષ્ઠાબા એ જણાવ્યું હતું કે કમિશનરશ્રીનાં આ નિર્ણય વિરૂદ્ધ જી.પી.એમ.સી. એકટની કલમ ૧૨ મુજબ રજુઆત કરવાનો હકક છે. એટલું જ નહી વોર્ડના લોકોની પણ માંગણી છે કે અમો કોર્પોરેટરપદે ચાલુ રહે આથી લોકોશાહીનાં ચિરહરણ સમાન આ નિર્ણય પરત ખેંચી લેવા અને જી.પી.એમ.સી. એકટની કલમ ૧૨ હેઠળ બે દિવસમાં આ નિર્ણય વિરૂદ્ધની રજુઆત કરશું આથી ત્યાં સુધી નિર્ણય મોકુફ રાખવા માંગ છે.આમ કોંગી કોર્પોરેટરે બી.પી.એમ.સી. એકટની સામે જી.પી.એમ.સી. એકટનીકલમ બતાવીને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવાના કમિશનરના નિર્ણયને પડકારતાં આ પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે.(૨-૧૬)

(4:20 pm IST)