Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

વ્યાજખોરોએ વધુ એક ભોગ લીધોઃ ભગવતીપરાના નિલેષભાઇ સોનીનો જ્યુબીલી બાગમાં આપઘાત

દૂકાન લેવી હતી ત્યારે લોન પુરતી પાસ ન થતાં પાંચ શખ્સો પાસેથી ત્રણેક લાખ લીધા'તાઃ એક શખ્સે તો ૩૦ ટકે આપ્યા બાદ ૫૦ ટકા સુધી વ્યાજ અને પેનલ્ટી વસુલવાની શરૂઆત કરી'તીઃ પાંચેય સામે ગુનો નોંધવા તજવીજ

રાજકોટ તા. ૨૩: વ્યાજખોરો સામે પોલીસ આકરી કાર્યવાહી કરતી હોવા છતાં વ્યાજખોરોના કરતૂતો સામે આવતા રહે છે. ભગવતીપરાના ક્રિષ્ના પાર્કમાં રહેતાં અને સોની બજાર ગધીવાડમાં સોની કામની દૂકાન ધરાવતાં નિલેષભાઇ નગીનભાઇ રાજપરા (ઉ.૪૦) નામના વણિક સોની યુવાને જ્યુબીલી બાગમાં ઝેર પી જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પાંચ વ્યાજખોરોને કારણે તે મરવા મજબુર થયાનું તેના પરિવારજનોએ જણાવતાં પોલીસ આ મામલે એફઆઇઆર દાખલ કરે તેવી શકયતા છે.

જાણવા મળ્યા મુજબ ભગવતીપરા ક્રિષ્ના પાર્કમાં રહેતાં નિલેષભાઇ સોનીએ સાંજે સવા પાંચેક વાગ્યે જ્યુબીલી ગાર્ડનમાં ઝેર પી લેતાં કોઇએ ૧૦૮ને જાણ કરતાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.  એ દરમિયાન નિલેષભાઇના ફોનમાં તેમના પત્નિનો ફોન આવતાં ૧૦૮ના સ્ટાફે તેમને ઘટનાની જાણ કરતાં પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતાં. જો કે સારવાર દરમિયાન નિલેષભાઇએ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં એએસઆઇ આર. ડી. ગોસાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર નિલેષભાઇ ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં ૧૫ વર્ષનો એક પુત્ર અને એક દિકરી છે, જે સાસરે છે. નિલેષભાઇના ભાઇ હિમતભાઇએ જણાવ્યું હતું કે નિલેષભાઇએ છએક મહિના પહેલા ગધીવાડમાં દુકાન ખરીદી હતી. આ દૂકાનની લોન સાત-આઠ લાખને બદલે પાંચ લાખ જ પાસ થતાં દૂકાન માલિકે જો પુરા પૈસા તાત્કાલીક નહિ આપો તે બે લાખની ડિપોઝીટ જશે તેવું કહેતાં નિલેષભાઇએ જુદા-જુદા પાંચ શખ્સો પાસેથી ઉંચા વ્યાજે નાણા લીધા હતાં. જેમાં એક શખ્સ તો અધધધ ૫૦ ટકા સુધી વ્યાજ વસુલતો હતો અને એક દિવસ મોડુ થાય તો ૧૦ હજાર પેનલ્ટી વસુલાતી હતી. ખોડુભાઇ, નિખીલ, રવિરાજ, વેજાભાઇ, હરજીભાઇ સહિતના નામથી રેકોર્ડિંગ મળ્યું હોઇ આ લોકોનો  વ્યાજખોરીમાં શું રોલ છે? તે અંગે તપાસ થઇ રહી છે. પરિવારજનોના કહેવા મુજબ અંતિમવિધી પુરી થયા બાદ ફરિયાદ નોંધાવાશે.

(4:11 pm IST)