Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

કનૈયાની વાંસળીના સૂરો સાંભળવા થનગનતુ રાજકોટઃ મહોત્સવના ધર્માધ્યક્ષ તરીકે નરેન્દ્રબાપુ

દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે...

રાજકોટ, તા. ૨૩ :. સતત ૩૨ વર્ષથી અવિરત યોજાતી જન્માષ્ટમી શોભાયાત્રામાં આ ૩૩મા વર્ષે દર્શનીય ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે. સેંકડો ફલોટ, નાના-મોટા વાહનો, વેશભૂષા, સાફાધારી યુવાનો, કળશધારી બાળાઓ, ફોર વ્હીલર, ટ્રેકટર, ઘોડા-હાથી, થ્રી વ્હીલર, ટુ વ્હીલર, રાસ-મંડળીઓ, ધૂન મંડળો, તલવાર બાજો, બેન્ડ, ઢોલ-નગારા સાથે યોજાતી શોભાયાત્રાના દર્શનનો લ્હાવો લેવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. દર વર્ષે આ શોભાયાત્રાના એક ધર્માધ્યક્ષના વડપણ હેઠળ અનેક સંતો, મહંતો પણ આ શોભાયાત્રામાં જોડાય છે. જન્માષ્ટમીની ઉજવણી માટે લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

આ વખતની શોભાયાત્રામાં ધર્માધ્યક્ષ પૂ. શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ આપાગીગાના ઓટલાના (ચોટીલા હાઈ-વે) મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ રહેશે.

સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ અન્નક્ષેત્ર આપાગીગાનો ઓટલો જ્યાં કોઈપણ જાતના ભેદભાવ વગર ૨૪ કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય છે. તેઓશ્રી ધર્મકાર્ય ઉપરાંત સામાજીક તથા સેવાકીય પ્રવૃતિમાં પણ અગ્રેસર રહ્યા છે. તેમજ વિવિધ સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેમના આશિર્વચન સાથે મહોત્સવ સમિતિની સમગ્ર ટીમ આ વખતની શોભાયાત્રાને વધુ શાનદાર બનાવવા કાર્ય કરી રહી છે. તેમ મંત્રી નિતેશભાઈ કથીરીયાની એક યાદી જણાવે છે.

(4:10 pm IST)