Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વસુધૈવ કુટુંબકમ ભાવના સાર્થક : પ્રથમ મહિલા કુલપતિ ડો. નીલાંબરીબેન દવેનો નૂતન અભિગમ..

શનિવારે કેમ્પસ ખાતે કર્મચારી બંધુ-ભગીનીઓને રક્ષા બાંધશે

રાજકોટ, તા. ર૩ : ભારતીય પરંપરા અનુસાર શ્રાવણ સુદ પૂનમનો દિવસ 'રક્ષાબંધન' ભારત દેશ 'વસુધૈવ કુટુંબકમ' ના વિચારને ભાવનાને સાર્થક કરતો દેશ છે. હું નહીં આપણે એવી ભાવના આ દેશના લોકોમાં રહેલી છે અને રક્ષાબંધનનો તહેવાર સર્વે બંધુ -ભગીનીઓ માટે મહત્વનો પવિત્ર તહેવાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવારમાં ભાઇચારો તથા સર્વબંધુત્વની ભાવના કેળવાય તેવા શુભ આશયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ પ્રો. નીલાંબરીબેન દવેએ સંકલ્પ કર્યો હતો અને ૧પમી ઓગષ્ટના દિવસે તેમના રાષ્ટ્રીય પર્વના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના સર્વે બંધુ-ભગીની મારા ભાઇ બહેન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક પરિવાર છે તેમજ દરેક પદાધિકારીઓ/કર્મચારીઓમાં ભાઇચારાની ભાવના કેળવાય તે માટે સૌ કાર્યરત છીએ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવારમાં ભાઇચારો તથા સર્વબંધુત્વની ભાવના કેળવાય અને જેમ દરેક બહેન પોતાના ભાઇઓને રક્ષા રૂપે રાખડી બાંધે છે તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિશ્રી પ્રો. નીલાંબરીબેન દવે દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારના ઉપલક્ષ્યમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ તા. રપ ને શનિવારના સાંજે ૪ કલાકે યુનિવર્સિટી કેમ્પસ ખાતે 'રક્ષાબંધન'ના તહેવારની ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમમાં સિન્ડીકેટના સભ્યશ્રીઓ, ડીન-અધરધેન ડીનશ્રીઓ, યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારી બંધુઓ ભારતીય પરંપરા અનુસાર એક સાથે એક સર્કલમાં ભારતીય બેઠકમાં કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ પ્રો. નીલાંબરીબેન દવે દ્વારા સર્વેને કુમકુમ તીલક કરી રક્ષા બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. (૮.૧૭)

(4:10 pm IST)