Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

મહિલા સંમેલનમાં જિલ્લા પંચાયત હિસ્સેદાર પણ પ્રમુખની જ બાદબાકી

ભાજપ સરકારની પારદર્શક કિન્નાખોરીઃ અલ્પાબેન ખાટરિયા

રાજકોટ તા.૨૩: જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે આવતીકાલે તા.૨૪મીએ સવારે ૯ વાગ્યે સ્વામિનારાયણ મંદિર, કાલવાડ રોડ ખાતે અભયમ મહિલા સંમેલન યોજાનાર છે જેમાં જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખની બાદબાકી કરી નાખવામાં આવી છે.

કલેકટર, મ્યુ.કમિશ્નર અને ડી.ડી.ઓ.ના નામથી આમંત્રણ પત્ર છાપવામાં આવ્યા છે. જેમાં મહેમાન તરીકે જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, વિભાવરીબેન દવે, ધનસુખ ભંડેરી, અંજલીબેન રૂપાણી અને બિનાબેન આચાર્યનું નામ છાપવામાં આવ્યુ છે આ બધા અગ્રણીઓ ભાજપના છે. જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરિયા કોંગ્રેસના હોવાથી તેમના નામનો કાર્ડમાં ઉલ્લેખ નથી તેમને સામાન્ય નાગરિકની જેમ આમંત્રણ પત્રિકા મોકલી આપવામાં આવી છે. મહિલા સંમેલનમાં જ જિલ્લાના પ્રથમ નાગરિક ગણાતા પંચાયતના પ્રમુખનુ અપમાન કરવામાં આવ્યુ છે આટલો મહત્વનો મુદ્દો આયોજક અધિકારીઓના ધ્યાન બહાર હશે કે અલ્પાબેનની બાદબાકી સરકારના પ્રભાવથી કરવામાં આવી હશે? તેવો સવાલ ઉઠી રહ્યા છે.

પ્રમુખ શ્રીમતી અલ્પાબેન ખાટરિયાએ જણાવેલ કે એક બાજુ મહિલા સન્માનની વાતો કરતી રાજય સરકાર આ રીતે મહિલા પ્રમુખનું અપમાન કરી રહીછે ભાજપ સરકાર રાજકોટ જિલ્લા પંચાયતને ટાર્ગેટ કરી રહી છે. આયોજક તરીકે જિલ્લા પંચાયતને હિસ્સેદાર ગણાવતી સરકારે આમંત્રણ કાર્ડમાં પારદર્શક કિન્નાખોરી બતાવી છે.(૧૭.૭)

 

(4:09 pm IST)