Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

૮પ વર્ષના સુરેશભાઇ કોટકને મળવાથી જીવન જીવવાનું જોમ પ્રાપ્ત થાય છે

કોટન કીંગની લાજવાબ જીવનયાત્રાઃ મૂળ ગોંડલના, રાજકોટ સ્થાયી થયા અને મુંબઇમાં કોટક એન્ડ કંપની સ્થાપી વિરાટ સામ્રાજ્ય સર્જયું: સુરેશભાઇ કોટક કહે છે! સવારે ૪ વાગે ઉઠી રાત્રે ૧૧ સુધી ધબેડીને કામ કરવામાં કોઇ થાક લાગતો નથી ! સુરેશભાઇના પુત્ર ઉદયભાઇ પણ એવી જ જબ્બર સફળતા મેળવી છે અને કોટક મહિન્દ્રા બેન્કનું સંચાલન કરી રહ્યા છે

સુરેશ કોટકઃ સફળતા-સન્માનના ખરા અધિકારી તો  એ વડીલો, જેમણે મારામાં સખ્ત મહેનત, શિસ્ત ને સાથ-સહકારના સંસ્કારનું બાળપણથી જ સિંચન કર્યુ

 

નેમ તો ૧૧૦ વર્ષ જીવવાની છે, પણ કાલે વિદાય થવું પડે તો પૂરતી માનસિક તૈયારી છે..

રૂ-કોમોડિટીના  દેશ-વિદેશમાં ફેલાયેલા ગંજાવર કારોબાર પર નજર રાખવા આજે પણ રોજ ઓફિસે આવીને શિસ્તબદ્ધ રીતે ગજબનાક સ્ફૂર્તિથી તથા કાયમ જીવવાના હોય એવા જુસ્સાથી કામ કરતા ૮૫ વર્ષના સુરેશભાઇ કોટક સાથે બેઘડી ગોઠડી કરીએ ત્યારે ધંધા-વ્યવસાયના મેનેજમેન્ટના જ નહીં, જીવનના પણ અનેક પાઠ શીખવા મળે.

ગોવર્ધનરામ ત્રિપાઠીની કથાના પાત્રોથી માંડીને પીટર ડ્રકરના મેનેજમેન્ટ સિધ્ધાંતો કે ગાંધી ફિલસૂફી અથવા શાસ્ત્રીય સંગીતના રાગ-રાગિણી જેવા વિષયો પર સમાન રસથી ચર્ચા કરી શકતા સુરેશ કોટક ખરેખર મળવા જેવા માણસ છે.

કોટન ટ્રેડના ભીષ્મ પિતામહ ગણાતા સુરેશ કોટકે સાત દાયકાની ધંધાકીય સફરમાં ચડતી-પડતી પણ જોઇ, છતાંં સ્થિતપ્રજ્ઞતા જાળવીને એ દરેક પ્રકારના સંઘર્ષ ને વિપદા-વિમાસણમાંથી બહાર આવી શકયા છે.

સુરેશ કોટક  ચિત્રલેખા સાથેની મુલાકાત કહે છેઃ

'મારો અનુભવ છે કે કટોકટીના સમયે સ્વસ્થ રહી, નીતીપૂર્વક ઇશ્વરને સાથે રાખીને ચાલીએ તો રસ્તા નીકળે ને નીકળે... અમારા ગિરધરકાકા કહેતા કે હરિ મમ રક્ષક, જે કરે તે હરિ મમ હિત. મૈ  હંમેશા આ ઉકિતમાં વિશ્વાસ રાખ્યો છે.'

ગિરધરકાકાની ઓળખ જુઓ તો સોૈરાષ્ટ્ર રાજયના તત્કાલીન મુખ્ય પ્રધાન ઉચ્છ્રંગરાય ઢેબરના પ્રધાન મંડળમાં એ નાણામંત્રી હતા. એમના લખાણ ખુદ જવાહરલાલ નહેરૂ પણ વાંચતા. અગાઉ એ રાજકોટ સ્ટેટના દિવાન પણ રહી ચુકેલા. સુરેશભાઇના અન્ય એક કાકા ડોકટર હતા.

મુળ ગોંડલના ,પણ રાજકોટ સ્થાયી થયેલા કોટક પરિવારે મુંબઇના રૂના વેપારી ખીમજી વિશ્રામની પેઢીમાં ભાગીદારીનો અનુભવ લીધેલો. પછી છ માંથી ચાર કોટક બંધુએ ૧૯૨૭ માં મુંબઇમાં જ અલાયદી કોટક એન્ડ કંપની સ્થાપી. ૧૯૩૧-૩૨ માં સુરેશભાઇના પિતા પારિવારીક  ધંધો વિસ્તારવા કરાચી સ્થાયી થયા. મોસાળ ભાયાવદરમાં ૧૯૩૩માં જન્મેલા સુરેશભાઇનું બાળપણ અન ેશિક્ષણ કરાચીમાં.

આંખોમાં અનેરી ચમક સાથે સુરેશભાઇ કહે છે :

' કરાચીની પ્રસિધ્ધ શારદા મંદિર ગુજરાતી શાળામાં હું ભણ્યો. આચાર્ય મનસુખરામ જોબનપુત્રા ચુસ્ત ગાંધીવાદી. દર શનિવારેે પરોઢે પ્રાર્થના પ્રવચનના કાર્યક્રમ હોય, આગેવાનો આવે. ગાંધીજી પણ ત્યાં આવેલાં. આઝાદીની લડત સિદ્ધાંતયુકત હતી. લોકોમાં ઊંચી નૈતિકતા હતી. એ માહોલ અમારામાં પણ ઉતર્યો.

ભાગલા ન થયા હોત તો કદાચ સુરેશભાઇ હજી કરાચીમાં હોત. એ કહે છેઃ 'પિતાજીએ પાણી પહેલા પાળ બાંધતા હોય એમ કુટુંબને ભાગલાના થોડા મહિના પહેલાં જ મુંબઇ મોકલી આપ્યું. સ્થિતિ થાળે પડે તો પરિવારને પાછો બોલાવવાની પણ ગણતરી રાખેલી. જો કે ભાગલાની અફરાતફરીમાં સ્ટાફ નાસી ગયેલો. ગોદામ ભરેલાં હતાં. પિતાજીએ ત્યાં રોકાવાનું જોખમ ખેડીને ધંધો સંકેલ્યો ને પછી જ મુંબઇ આવ્યા.'

મુંબઇમાં સુરેશભાઇ સિડન્હામ કોલેજમાં ભણ્યા. કોમર્સના સ્નાતક થઇને ઉચ્ચાભ્યાસ માટે હાર્વર્ડ જવાનાં સપનાં જોયેલાં, પણ વડીલો નડયા.

ગલ્લે બેસી જાવ...

એ હુકમ સુરેશભાઇએ નિરાશાથી સ્વીકાર્યો, પણ જ્ઞાનપિપાસા મનમાંથી ખસે નહીં. એ જમાનામાં અર્થશાસ્ત્રના ખાં ગણાતા પ્રોફેસર અભ્યંકરે સોનેરી શિખામણ આપીઃ

'હાર્વર્ડ' નથી જઇ શકતો તો કંઇ નહીં.'હાર્વર્ડ'ને તારા ઘરમાં લાવ...!

પ્રોફેસરે એમને જગપ્રસિધ્ધ ઇકોનોમિસ્ટ પીટર ડ્રકરનું પુસ્તક આપ્યું. વાંચનશોખીન સુરેશભાઇની વાંચનભૂખ પછી તો એવી ઉઘડી કે પીટર ડ્રકરનાં તમામ પુસ્તક એ વાંચી ગયા. કોટક એન્ડ કંપનીમાં એ માર્કેટિંગમાં જોડાયા. જપાનમાં ઓફિસ હતી અને ચીન તથા યુરોપિયન દેશો સાથે મોટો વેપાર એટલે એક તબક્કે વર્ષમાં છ મહિના સુરેશભાઇ વિદેશપ્રવાસે રહેતા. માત્ર વેચાણ-વેપાર નહીં., પણ કપાસની ખરીદી, ઉત્પાદકતા-ઉપયોગિતા અને છેક બિયારણ સુધી સંશોધન કર્યા.શનિ-રવિમાં ખેતરે રખડપટ્ટી કરતા. અનુભવ, કારણ-તારણ બધું નોંધી રાખે. પુસ્તકેય લખ્યાં. કપાસ વિષયક વર્લ્ડ બેન્કના અમુક રિપોર્ટ પણ એમના અધ્યક્ષપણા હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યા.કોટન એસોસિયેશનના પ્રમુખપદે પણ ઘણો સમય રહ્યા.

વેદવાકય અથાતો બ્રહ્મ જિજ્ઞાસા ટાંકીને સુરેશભાઇ કહેછે.

'જે માણસને જ્ઞાન મેળવવામાં, ઇશ્વરની વિવિધ કરામતો જાણવામાં રસ નથી એને જિંદગી બોજો લાગે, મને જીવન ખૂબ રસસભર લાગે છે, કારણ કે હું પ્રશ્નની જિજ્ઞાસા સતત કરતો હોઉં છું.'

શેરબજારને મહત્ત્વ મળ્યું એ પહેલાં રૂના વેપાર-સટ્ટાની બોલબાલા હતી. આજે કારોબાર બેશક વધ્યો છે, પણ સામાન્ય માનવીની નજર એના પર નથી.

'કમિંગ' ઇવેન્ટ કાસ્ટ ધેર શેડો બિફોર...

આવનારા દિવસો કેવા હશે એનો ભાસ-એની જાણકારી વેપારીએ તો મેળવી-સમજી લેવી પડે.પર્યાવરણને પ્રાથમિકતા અને પ્લાસ્ટિકને જાકારો આપવાના આ યુગમાં કોટનની મહત્તા-વેપાર વધવાનો સંકેત છે. ફોસિલના મુકાબલે રિન્યુએબલ રિસોર્સની ઉપયોગીતા વધી રહી છે ત્યારે કોટન ટ્રેડમાં જાહોજલાલી પાછી આવે એવા પૂરા સંકેત છે.'

આવનારા પરિવર્તનના સંકેત સમજી શકનારા વાંચી શકનારા મહેનતકશ વેપારી ગમે તે રીતે પોતાની જગ્યા બનાવી જ લેશે એવું દૃઢપણે માનતા સુરેશભાઇ સફળતાની ચાવી આપતા કહે છેઃ પહેલાં જાણવું, પછી જોવું-તપાસવું અને છેવટે અપનાવવું.

સિત્તેર વર્ષ જૂના કોટક પરિવારના વિવિધ ધંધાનો ર૦૦૦ની સાલમાં બંટવારો થયો ત્યારે સુરેશભાઇએ કોટન અને કોમોડીટીઝ પોતાની પાસે રાખ્યાં. ઊર્જા, એગ્રી કોમોડિટી જેવા બિઝનેસ પિતરાઇઓએ રાખ્યા. અલબત્ત, કોટનને પ્રાથમિકતા આપી હોવા છતાં સુરેશભાઇએ એક જમાનામાં કેમિકલ અને કેબલ (એશિયન કેબલ્સ), એન્જિનિયરીંગ યુનિટ અને સોલાર જેવા ઉદ્યોગ પણ સફળતાપૂર્વક ચલાવેલા.

તમારી સફળતાનું શ્રેય કોને આપો છો? એ પ્રશ્નના ઉત્તરમાં સુરેશભાઇ નમ્રતાથી કહે છેઃ

'આખું કુટુંબ ગાંધીવાદમાં રંગાયેલું. વડીલોમાં એકતા, જતું કરવાની ભાવના, ભિન્ન મત હોય તો પણ સાથ-સહકારની વૃત્તિ, સાદાઇ, ઉચ્ચ સ્તરની કૌટુંબિક ભાવના ને સંયુકત કુટુંબના સંસ્કારનો લાભ એવો થયો કે જિંદગીમાં એડ્જસ્ટ કેવી રીતે થવું- ગોઠવાવું એ કળા શીખી ગયો. અમારા પોપટકાકાની જેમ સવારે ચાર વાગ્યે ઊઠીને પણ રાત્રે ૧૧ વાગ્યા સુધી ધબેડીને કામ કરવામાં થાક નથી લાગ્યો, પણ આનંદ જ મળ્યો છે. બાકી, માતા-પિતાની હૂંફ-શિસ્તપ્રીયતા, પત્ની ઇન્દિરાના હૃદયપૂર્વકના સાથે મને અહીં પહોંચાડયો.'

સુરેશભાઇના પુત્ર ઉદય કોટકે કોટક મહિન્દ્રા બેન્કના સંચાલક તરીકે નામના મેળવી છે તો પુત્રી આરતી આફ્રિકાના ચંદારિયા ફેમિલીમાં પરણીને સિંગાપોરમાં સ્થાયી થયાં છે.

છેલ્લે એ પણ જાણીએ કે સુરેશભાઇનો જન્મ પણ ગાંધીજીની જેમ બે ઓકટોબરે થયો છે. એ નિખાલસતાથી કહે છે.

'ગાંધીજી જેવી વિભૂતિ યુગાંતરે જ પેદા થઇ શકે. એમની વિચારધારા મને હૃદયસ્થ ખરી, પણ એને પૂરેપૂરી આત્મસાત્ નથી કરી શકયો એનો રંજ પણ છે.'

(ચિત્રલેખામાંથી સમીર પાલેજાનો હેવાલ જેમનો તેમ સાભાર)  (૬.૪)

સંગીતને સાહિત્ય છે એમના પ્રાણ...

સુરેશભાઇ કોટકની લાઇબ્રેરીમાં સેંકડો પુસ્તક છે. મુનશીની વાર્તાકળા, ટિળકની ફિલસૂફી અને ગેરી સ્પેન્સની આર્ગ્યુમેન્ટના એ ચાહક.

આઝાદી પહેલાં કરાચીમાં અમૃતલાલ દોશી પાસે શાસ્ત્રીય ગાયકીના પાઠ લેનારા સુરેશભાઇ કોટક  આજેય શનિ-રિવમાં રિયાજ અચૂક કરે. બહાર ગાતા નથી, પણ નિજાનંદ માટે ઘરે ગણગણે. દુનિયાભરના મ્યુઝિકનું કલેકશન એમના ખજાનામાંને બધાનો અભ્યાસ પણ ઉંડો. એક કાળે સંગીત જલસાઓ પુષ્કળ માણ્યા, પણ હવે થાકી જવાય એટલું દોડવાનું ટાળે છે.

ગુસ્સો નહીં કરવાનો, સાદો ખોરાક, મન પડે તો ચાલવાની કસરત, યોગાસન કે હળવા વ્યાયામથી અને લોકોને હળવા-મળવાથી શરીર-મન સ્વસ્થ રહેતાં હોવાનો સુરેશભાઇનો અનુભવ છે.

એ કહે છેઃ 'વહેલો ઉઠી જાઉં. પાંચેક છાપાં વાંચવાની ટેવ. બીજું વાંચન ત્રણેક કલાક ખરૃં. પછી પૂજાપાઠ-મંદિર અને દસના ટકોરે ઓફિસે.સાત-સાડા સાતે ઘરે. રાત્રે પણ વાંચું. સુરેશ દલાલ, હરકિસન મહેતા, વજુ કોટક, ગુણવંત શાહ, નગીનદાસ સંઘવી મારા પ્રિય લેખકો, કનૈયાલાલ મુનશી તો એટલા ફેવરીટ કે નાનપણમાં મધરાતે ઉઠીને પણ વાંચતો. ધૂમકેતુ પણ ગમે. ગુણવંતરાય આચાર્ય, ર.વ.દેસાઇની કૃતિઓ પણ ખૂબ માણી છે. ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર હજુય આંખ સામે તરે છે.'

સુરેશભાઇ હમણાં હમણાં ગીતા પર ખૂબ વાંચી રહ્યા છે. એનાં ત્રીસેક પુસ્તક વાંચ્યાં હશે. લોક માન્ય ટિળકની ગીતા રહસ્ય વાંચી છે. બીજું, અમેરિકાના એક પ્રોફેસર ગેરી સ્પેન્સના પુસ્તક હાઉ ટુ આર્ગ્યુ એન્ડ વિન એવરી ટાઇમમાં એમને અનેકાત્મવાદની જૈન ફિલસૂફીનું સામ્ય દેખાય છે.

વાદ-વિવાદ  ઝઘડા ટાળવાની જપાની પ્રજાના સંસ્કારના એ ચાહક. તામિલનાડુનાં ભવ્ય મંદિરોની સ્વચ્છતા, દક્ષિણ, ભારતીયોની શિસ્ત અને ગુજરાતની પ્રગતિ એમને ગમે. આ આયુએ બિઝી લાઇફમાં પણ સુરેશભાઇ ખાસ્સી સમાજસેવા કરી લે છે. રાજકોટ કેળવણી મંડળના ચેરમેન તરીકે વીસેક શૈક્ષણિક સંસ્થાના સંચાલનમાં અંગત-સક્રિય રસ લે છે ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર (આઇએમસી) ની ઘણી કમિટીના સભ્ય છે. એમણે આઇએમસીમાં ઇન્ટરનેશલ એડીઆર સેન્ટર પણ બનાવ્યું, જેના અંતર્ગત ધંધાકીય વિવાદો ઉકેલવાનાં કામ થાય છે.

સુરેશભાઇ સ્પષ્ટપણે કહે છે કે આખરે તો દરેક ઝઘડાનો ઉકેલ વાટાઘાટથી જ આવે.(ચિત્ર લેખામાંથી સાભાર)

(11:40 am IST)