Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

કુવાડવા નજીક અકસ્માતમાં સામા કાંઠાના બે પટેલ મિત્રોના મોતથી પરિવારોમાં શોકની કાલીમા

સ્ટીયરીંગ લોક થઇ જતાં ડસ્ટર કાર ઉલળીને ડિવાઇડર ઠેંકી સામેથી આવતાં ટ્રકમાં અથડાઇઃ ગઢીયા નગરના મુકેશ રૈયાણી (ઉ.૪૨) અને મિત્ર કૈલાસ સાવલીયા (ઉ.૩૫) મેસવડાની વાડીએથી પરત આવતા'તા ને કાળ ભેટી ગયોઃ બંને મિત્રોના મોતથી ચાર સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને તેમના ભાઇ પિયુષ રૈયાણી સતત મૃતકોના સ્વજનોની સાથે રહ્યાઃ કૈલાસભાઇ સાવલીયાનો ફસાયેલો મૃતદેહ દોઢ કલાકે નીકળ્યોઃ મિત્ર મુકેશભાઇ રૈયાણીએ સારવારમાં દમ તોડ્યો

તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત બંને વાહન, જેમાં ડસ્ટરના આગળના ભાગનો બૂકડો બોલી ગયેલો દેખાય છે. ઉપરની તસ્વીરમાં ફસાયેલો કૈલાસભાઇનો મૃતદેહ તથા નીચે મુકેશભાઇ રૈયાણી જીવીત હતાં તે દ્રશ્ય અને ઇન્સેટમાં બંને હતભાગી મિત્રોના ફાઇલ ફોટો જોઇ શકાય છે

 

રાજકોટ તા. ૨૩: કુવાડવા નજીક ગાયત્રીધામ મંદિર પાસે ગત સાંજે ડસ્ટર કારનું સ્ટીયરીંગ લોક થઇ જતાં તે ઉછળીને ડિવાઇડર ઠેંકી સામેથી આવતાં ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં કારમાં બેઠેલા સંત કબીર રોડ ગઢીયાનગરના બે પટેલ મિત્રોના મોત નિપજતાં બંનેના પરિવારજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. બંને જીગરી મિત્રો મેસવડા આવેલી વાડીએથી પરત રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. કાર ચાલકનો મૃતદેહ ફસાઇ ગયો હોઇ દોઢ કલાકે નીકળ્યો હતો. જ્યારે બીજા મિત્રએ સારવાર દરમિયાન રાત્રે દમ તોડી દીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગઢીયાનગર-૩માં ગોકુલ પાનવાળી શેરીમાં રહેતાં કૈલાસભાઇ કુરજીભાઇ સાવલીયા (ઉ.૩૫) નામના લેઉવા પટેલ યુવાન ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે બાજુમાં જ રહેતાં મિત્ર મુકેશભાઇ દેવરાજભાઇ રૈયાણી (ઉ.૪૨) સાથે તેની કુવાડવા નજીક મેસવડા ખાતે આવેલી વાડીએ ગયા હતાં. ત્યાંથી બંને મિત્રો સાંજે સાડા છએક વાગ્યે પરત રાજકોટ આવી રહ્યા હતાં એ વખતે કુવાડવા નજીક ગાયત્રીધામ પાસે ડસ્ટર કાર નં. જીજે૩ઇઆર-૨૧૬૦નું સ્ટીયરીંગ લોક થઇ જતાં તે ઉછળીને સામેની સાઇડમાં ધસી ગઇ હતી અને સામેથી આવતાં ટ્રક નં. જીજે૧ઇટી-૫૪૯૦ સાથે ધડાકાભેર અથડાઇ હતી.

આ અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં કુવાડવાના પીએસઆઇ મોલીયા, એએસઆઇ ફતેહસિંહ સોલંકી, રાઇટર જેન્તીભાઇ વાવડીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતાં કાર ચાલક કૈલાસભાઇનું કારમાં મૃત્યુ નિપજ્યાનું જણાયું હતું. જ્યારે મુકેશભાઇ રૈયાણીને ગંભીર ઇજા પહોંચી હોઇ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેણે પણ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, તેમના ભાઇ પિયુષભાઇ રૈયાણી તેમજ અન્ય લોકો અને મૃતકના સ્વજનો ઘટના સ્થળે દોડી ગયા હતાં. અરવિંદભાઇ અને પિયુષભાઇ સતત બંનેના સ્વજનોની સાથે રહ્યા હતાં.

મૃત્યુ પામનાર કૈલાસભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં મોટા હતાં અને ઇમિટેશનનું કામ કરતાં હતાં. તેને સંતાનમાં બે પુત્ર છે. તે મુળ તરઘડીના વતની હતાં. તેના પિતા કુરજીભાઇ ખેતી કરે છે.

જ્યારે બીજા મૃતક મુકેશભાઇ રૈયાણી પાંચ ભાઇમાં ચોથા હતાં અને ચાંદી કામ કરતાં હતાં. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બંને મિત્રો લગભગ દર બે દિવસે મુકેશભાઇની વાડીએ આંટો મારવા જતાં હતાં. ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે વાડીએ જવાનું કહીને ડસ્ટર લઇને નીકળ્યા હતાં અને પાછા ફરતી વેળાએ બંનેને કાળ ભેટી ગયો હતો. આ બનાવથી બંનેના ચાર માસુમ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. અંતિમયાત્રા નીકળી ત્યારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. (૧૪.૫)

(11:39 am IST)