Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

કડવા પટેલ પ્રોૈઢ લલીતભાઇ જસાણીનું ઓપરેશન વેળાએ મોતઃ તબિબી બેદરકારીનો સ્વજનોનો આક્ષેપ

શારણ ગાંઠના ઓપરેશન માટે લઇ જવાયાની થોડી જ મિનીટો બાદ તબિબે કહ્યું-હૃદય-ફેફસામાં તકલીફ થઇ ગઇ છે, બીજે લઇ જાઓ!: ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું

રાજકોટ તા. ૨૩: ગોંડલ રોડ પર ટોયોટોના શો રૂમ પાછળ રાજપથ ફિએસ્ટા એપાર્ટમેન્ટમાં પહલા માળે રહેતાં લલીતભાઇ દુદાભાઇ જસાણી (ઉ.૫૫) નામના કડવા પટેલ પ્રોૈઢને શારણ ગાંઠના ઓપરેશન માટે મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરાયા હોઇ જ્યાં ઓપરેશનમાં લઇ ગયા બાદ ટોપી સુંઘાડતી વખતે અચાનક હૃદય અને ફેફસામાં તકલીફ થઇ જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. પરિવારજનોએ તબિબની બેદરકારીનો આક્ષેપ કરતાં મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

મૃત્યુ પામનાર લલીતભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લલીતભાઇ શાપરમાં ચાની દૂકાન ચલાવતાં હતાં. તેના પરિવારજનોના કહેવા મુજબ લલીતભાઇને શારણગાંઠની તકલીફ હોઇ અમે તેમને ગઇકાલે દાખલ કર્યા હતાં. ત્રણ વાગ્યે તેમને ઓપરેશનમાં લઇ જવાયા હતાં. ટોપી સુંઘાડવાની તૈયારી થઇ રહી હતી ત્યાં થોડી મિનીટો બાદ ડોકટરે બહાર આવીને કહેલ કે લલીતભાઇને હૃદયમાં અને ફેફસામાં તકલીફ થઇ ગઇ છે. બીજી હોસ્પિટલમાં તાત્કાલીક લઇ જવા જરૂરી છે.

પરંતુ અમે તેમને ત્યાં જ સારવાર અપાવવા અને બીજે લઇ જવા હોય તો તમારી જવાબદારીએ લઇ જઇએ એવું કહેતાં ત્યાં જ સારવાર શરૂ કરાઇ હતી. પરંતુ લલીતભાઇનું મોત નિપજ્યું હતું. માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવતાં પીએસઆઇ જે. એ. ખાચરે એડી નોંધી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. જો કે મૃતકના સ્વજનોએ બેદરકારીનો આક્ષેપ કરતાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. સ્વજનોએ આક્ષેપ કર્યો છે કે ઓપરેશનમાં લઇ જતાં પહેલા પુરતા જરૂરી રિપોર્ટ પણ કરાવાયા નહોતાં. અચાનક જ કોઇને હૃદયમાં તકલીફ કેમ થઇ જાય?

 

(11:38 am IST)