Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

બારદાન જ્વલનશીલ પદાર્થથી નહોતા સળગ્યાઃ FSL રિપોર્ટ

બારદાનકાંડમાં પાંચ કાવત્રાખોરના ૩૧મી સુધી રિમાન્ડ : બઠ્ઠાવેલા બારદાનમાંથી કોને કેટલા રૂપિયા મળ્યા એ કોઇને યાદ નથી! :ગુજકોટના અધિકારીઓ, કર્મચારીઓની સતત બે દિવસથી સઘન પુછતાછઃ મગન ઝાલાવડીયા કહે છે-મેં કોને કેટલા પૈસા આપ્યા એ યાદ નથી, પાંચ અન્ય આરોપીઓએ કહ્યું-અમને કંઇ મળ્યું નથી! :પાંચેયના ૩૧મી સુધી રિમાન્ડ મંજુર થયા

રાજકોટ તા. ૨૩: જુના માર્કેટ યાર્ડમાં સળગી ગયેલા કરોડાના બારદાન પૈકી બચી ગયેલા બારદાનમાંથી લાખોના બારદાન કાવત્રુ રચી બારોબાર વેંચી નાંખી કોૈભાંડ આચરવાના ગુનામાં સુત્રધાર સોૈરાષ્ટ્ર ગુજકોટના મેનેજર પડધરીના તરઘડીયા ગામના મગન નાનજીભાઇ ઝાલાવડીયા (ઉ.વ.૫૫)ની ધરપકડ થતાં તે ૧૦ દિવસના રિમાન્ડ પર છે. ગઇકાલે બી-ડિવીઝન પોલીસે મગન સાથે કાવત્રામાં સામેલ અન્ય પાંચ કાવત્રાખોરને પણ પકડી લીધા છે. તેની રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. ત્યારે બારદાન સળગ્યા એ વખતે લેવાયેલા બળેલા-બચેલા કોથળાઓના સેમ્પલ ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા હતાં. તેનો રિપોર્ટ આવી ગયાનું જાણવા મળે છે. જે મુજબ આ બારદાન સળગાવવામાં કોઇપણ પ્રકારના જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ થયો નહોતો એ સ્પષ્ટ થયું છે.

બી-ડિવીઝન પોલીસે  કોૈભાંડમાં સામેલ વધુ પાંચ આરોપીઓની ગઇકાલે ધરપકડ કરી લેવામાં આવી છે. આ પાંચેના ચોૈદ દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. ગઇકાલે જેને પકડવામાં આવ્યા છે તેમાં મનસુખ ભીખાભાઇ ઉર્ફ બાબુભાઇ જેઠાભાઇ લીંબાસીયા (ઉ.૫૧-રહે. તરઘડી), કાનજી દેવજીભાઇ ઢોલરીયા (ઉ.૪૬-રહે. આર્યનગર-૧૭ શાળા નં. ૭૨ પાસે, મુળ ડેરોઇ તા. રાજકોટ), નિરજ મનસુખભાઇ ગજેરા (ઉ.૨૬-રહે. આસ્થા સાલિગ્રા બ્લોક નં. ૧૨૭, અવચર મેંદપરાના મકાનમાં માધાપર-રાજકોટ), પરેશ હંસરાજભાઇ સંખાવરા (ઉ.૩૬-રહે. મોરબી રોડ અર્જુન પાર્ક, મુળ તરઘડી) તથા કાળુ બાબુભાઇ ઝાપડા (ઉ.૩૫-રહે. તરઘડી તા. પડધરી)નો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ મનસુખ લીંબાસીયા મગન ઝાલાવડીયાના કોૈટુંબીક ફઇનો દિકરો થાય છે. તેણે બારદાન મગનના તરઘડીના પનામ એગ્રોટેકમાં મોકલી ત્યાંથી કોને કોને વેંચવા એ માટે વેપારીઓ શોધવાનું કામ કર્યુ હતું. સસ્તા ભાવના બારદાન હોવાનું વેપારીઓને પ્રલોભન આપ્યું હતું.

 કાનજી ઢોલરીયા મગનના સગા થાય છે અને તેનો નજીકનો માણસ ગણાય છે. આર્થિક લાભ ભાટે તેણે કાળુ ઝાપડાની બે ટ્રક ભાડે કરી બે ટ્રકની બિલ્ટી ગોંડલના ગોડાઉનની બનાવી હતી અને ત્યાં આ ટ્રક મોકલવાને બદલે ત્રંબા તથા સરધાર ખાતે ઓળખાતાઓની વાડીમાં ઉતારી લઇ મગન અને મનસુખ સાથે કાવત્રામાં ભાગ ભજવ્યો હતો.

નિરજ ગજેરાનું કામ બારદાનના ટ્રકની એન્ટ્રીઓ પાડવાનું હતું. બચી ગયેલા બારદાનના બે ટ્રક જે તે ગોડાઉનમાં મોકલવાની બિલ્ટી બની ગયા બાદ તેના પાના ફાડી નંખાયા પછી નવી એન્ટ્રીઓ પાડી રજીસ્ટરોમાં ખોટી નોંધ કરી ગુનામાં ભાગ ભજવ્યો હતો.

પરેશ સંખાવરા મગન ઝાલાવડીયાનો અંગત માણસ છે. તે જુના માર્કે૭ યાર્ડમાં મેનેજર પણ હતો અને બારદાનને લગતું તમામ કામ તે સંભાળતો હતો. તેણે નિરજ સાથે મળી રજીસ્ટરોમાં ખોટી એન્ટ્રીનું કામ કર્યુ હતું.

કાળુ ઝાપડા બધુ જાણતો હોવા છતાં આર્થિક લાભ માટે પોતાના ટ્રકોમાં બારદાન ભરી સરકારી બારદાન હોવા છતં જે જગ્યાની બિલ્ટી હતી તેને બદલે બીજી જગ્યાએ બારદાન ઉતારી આવ્યો હતો અને સસ્તામાં બારદાન વેંચવાના છે તેવી વાત પણ વેપારીઓ સુધી પહોંચાડી હતી. જો કે બારદાન વેંચ્યા બાદ કોને કેટલા પૈસા મળ્યા? તે અંગે કોઇ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. મગન કહે છે કે તેણે કોને કેટલા આપ્યા તે યાદ નથી અને મનસુખ સહિતના પાંચેય પોતાને કંઇપણ મળ્યું નહિ હોવાનું રટણ કરે છે. આ પાંચેયની વિશેષ પુછતાછ માટે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.

બીજી તરફ એફએસએલનો રિપોર્ટ આવી ગયો છે તેમાં જણાવાયું છે કે બારદાનમાં આગ લાગી તેમાં કોઇપણ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ થયો નથી. જો કે આગ કોઇએ લગાડી કે અકસ્માતે લાગી એ પણ સ્પષ્ટ થઇ શકયું નથી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. આર. એસ. ઠાકર, પી.આઇ. એસ. એન. ગડુની રાહબરીમાં ચાર ટીમો તપાસ કરી રહી છે. મુખ્ય તપાસમાં બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર,  જગેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, પીએસઆઇ ડામોર, મહેશગીરી ગોસ્વામી, વિરમભાઇ ધગલ, હિતુભા ઝાલા, એભલભાઇ બરાલીયા, અજીતભાઇ લોખીલ સહિતની ટીમ પણ સામેલ છે. ઉલ્લેખનિય છે કે પોલીસ બે દિવસથી અમદાવાદ ગુજકોટના અધિકારીઓ, કર્મચારીઓની પણ પુછતાછ કરી રહી છે.  (૧૪.૬)

(4:15 pm IST)