Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

આલાબાઇના ભઠ્ઠાની જગ્યાના વિવાદમાં જામનગરના મહિલા અને તેના ભાઇના પરિવાર વચ્ચે બઘડાટી

જગ્યામાં પતરા ફીટ કરવાના ડખ્ખામાં મારામારીઃ ત્રણને ઇજાઃ સામ-સામી ખુનની ધમકીઓ પણ અપાયાની ફરિયાદઃ જામગનરના ફરીદાબેન ભુંગણીયા અને સામે ભત્રીજા અફઝલ ખિરાણીએ એફઆઇઆર નોંધાવી

રાજકોટ તા. ૨૩: મહિલા કોલેજ અન્ડર બ્રિજ સામેના ભાગે આવેલી આલાબાઇના ભઠ્ઠા તરીકે ઓળખાતી જગ્યાના રહેવાસીઓ વચ્ચે જગ્યામાં પતરા ફીટ કરવા મામલે મારામારી થતાં અને એક બીજાને ધમકીઓ આપવામાં આવતાં સામ-સામી ફરિયાદ થઇ છે. આ મારામારીમાં જામનગરના મહિલા તથા સામા પક્ષે પિતા-પુત્ર સહિત ત્રણને ઇજા થઇ હતી.

આ બારામાં એ-ડિવીઝન પોલીસે જામનગર હાજીપીર ચોક ખોજાના નાકે મચ્છી પીઠ પાસે રહેતાં ફરીદાબેન હનીફભાઇ ભુંગણીયા (ઉ.૩૮)ની ફરિયાદ પરથી આલાબાઇના ભઠ્ઠામાં રહેતાં અફઝલ હારૂનભાઇ ખીરાણી, હારૂનભાઇ ખીરાણી અને ફિરોઝ ખીરાણી સામે ગુનો નોંધ્યો છે.

ફરીદાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને સંતાનમાં બે પુત્રી રીઝવાના તથા નબીલા અને એક પુત્ર કાસીમ છે. બુધવારે સાંજે છએક વાગ્યે હું તથા મારા પતિ હનીફભાઇ અને મારા ભાઇ નિઝામભાઇ તેમજ ભત્રીજો આશીફ અને ભત્રીજા જમાઇ શબ્બીર મહિલા કોલેજ પાસે આલાબાઇના ભઠ્ઠા તરીકે ઓળખાતી જગ્યાએ આવ્યા હતાં. આ જગ્યાના ભાગ બાબતે મારા ભાઇ નિઝામ અને હારૂન સાથે માથાકુટ ચાલતી હોઇ અને સિવિલ કોર્ટમાં દાવો પણ કર્યો હોઇ તેનો કેસ ચાલુ છે.

આ બાબતે હું, મારા પતિ મારા ભાઇ હારૂનભાઇને સમજાવવા આવ્યા હતાં. હારૂનના દિકરા અફઝલ તથા મારા નાના ભાઇ ફિરોઝે નિઝામભાઇની જગ્યામાં પતરા નાખી દીધા હોઇ તેને સમજાવતા હતાં ત્યારે અફઝલે પાઇપથી હુમલો કરી મને હાથ પર ઘા ઝીંકી દેતાં હું પડી ગઇ હતી. તેમજ ઢીકા-પાટુ માર્યા હતાં.

મારા પતિ હનીફભાઇ અને ભત્રીજાો આશીફ તથા મારા ભાઇ નિઝામભાઇ મને છોડાવવા આવતાં તેને પણ મારકુટ કરવામાં આવી હતી અને આજે તો બધાયને પતાવી દેવા છે તેમ કહી ધમકી આપી હતી. પછી અમે પોલીસ બોલાવી હતી. મને સારવાર માટે હોસ્પિટલે લઇ જવાઇ હતી.

સામા પક્ષે અફઝલ હારૂનભાઇ ખીરાણી (સુમરા) (ઉ.વ.૩૧-રહે. આલબાઇના ભઠ્ઠામાં જસ્મીન ડ્રાઇવીંગ સ્કૂલ સામે)ની ફરિયાદ પરથી નિઝામભાઇ સુલેમાનભાઇ ખિરાણી, આશીફ નિઝામભાઇ, હનીફ ભુંગણીયા અને ફરીદાબેન હનીફભાઇ ભુંગણીયા સામે ગુનો દાખલ કરાયો છે. અફઝલે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે અને પરિવારજનો ઘરે હતાં ત્યારે અમારી જગ્યામાં ફીટ કરેલા પતરા નીઝામભાઇ સહિતે આવી કાઢવાનું શરૂ કરતાં તેને પતરા શું કામ કાઢો છો? કહી સમજાવતાં ઝઘડો કરી ગાળો દઇ મારકુટ કરી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં પોતાને તેમજ પિતા હારૂનભાઇ સુલેમાનભાઇ ખિરાણી (ઉ.વ.૬૦)ને ઇજા થતાં બંનેને સારવાર અપાવાઇ હતી. પીએસઆઇ વી. સી. રંગપરીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

(1:01 pm IST)