Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

જેલમાં મોબાઇલઃ રિમાન્ડ પુરા થતાં ત્રણ આરોપી ફરીથી જેલમાં: બીજા કેદીઓની તોળાતી ધરપકડ

કોરોનાની મહામારીમાં સગા સંબંધીઓના ખબર પુછવા, જામીન પર છુટવા બાબતે ફોન વાતો કરતા'તાઃ ફોન કયાંથી આવ્યો એ ખબર નથી

રાજકોટ તા. ૨૩: સેન્ટ્રલ જેલમાં મોબાઇલ ફોન મળવાના ૧૧ગુના પૈકી એક ગુનામાં સીટની ટીમે ત્રણ કેદીઓ અનિરૂધ્ધસિંહ વીશુભા સોઢા (જામનગર), મિતેન ઉર્ફ રાજુ અરવિંદભાઇ દુબલ (રાજકોટ) અને ઇમ્તિયાઝ ઉર્ફ બાડો સિદ્દીકભાઇ શેખ (રાજકોટ)નો જેલમાંથી કબ્જો લઇ રિમાન્ડ માંગણી કરતાં એક દિવસના રિમાન્ડ મળ્યા હતાં. જે પુરા થતાં ત્રણેયને ફરી જેલહવાલે કરાયા છે. હવે નવા ગુનામાં બીજા કેદીઓની ધરપકડ તોળાઇ રહી છે.

જેલમાંથી ૨૦/૪/૨૦ના રોજ સાબુ રાખવાના બોકસમાંથી મોબાઇલ ફોન મળ્યો હોઇ તે અંગેના ગુનામાં હત્યાના ગુનાના બે કેદી અનિરૂધ્ધસિંહ તથા મિતેન ઉર્ફ રાજુ અને બળાત્કારના ગુનાના ઇમ્તિયાઝ ઉર્ફ બાડોની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેયે કબુલ્યું હતું કે હાલના કોરોના કાળમાં સગા-સંબંધી સ્વજનોના ખબર પુછવા અને પોતાના જામીનની વ્યવસ્થા બાબતે ફોન પર વાતો કરતાં હતાં. જો કે ફોન બહારથી દડા મારફત આવ્યો કે બીજુ કોઇ મુલાકાતી દઇ ગયું તેની પોતાને ખબર નહિ હોવાનું અને ફોન બાથરૂમ પાસે સાબુના બોકસમાં પડ્યો હોઇ બાથરૂમમાં જઇ તેમાંથી વાતચીત કરતાં હતાં. ત્રણેયના રિમાન્ડ પુરા થતાં ફરી જેલહવાલે કરાયા હતાં.

બીજા ૧૦ ગુનાની તપાસ અંતર્ગત હવે નવા કેદીઓની ધરપકડની તજવીજ થઇ રહી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રચેલી સીટના અધિકારીઓ એસીપી પી. કે. દિયોરા, પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ બી. વી. બોરીસાગર અને પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા વધુ તપાસ કરી રહ્યા છે.

(12:59 pm IST)