Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

કોરોનાનો ભય : કલેકટર કચેરીની તમામ કાર્યવાહી ઓનલાઇન કરો : ફરજિયાત એપોઇટમેન્ટની કાર્યવાહી કરવા માંગણી

કેસોના બોર્ડ સમયે એક જ અરજદારને એન્ટ્રી આપો : કર્મચારી મંડળની કલેકટર - એડી. કલેકટરને રજૂઆત

રાજકોટ તા. ૨૩ : કલેકટર કચેરીના ૫ કર્મચારીને કોરોના ખાબકતા ટોપ ટુ બોટમ તમામ ફફડી ઉઠયા છે.

દરમિયાન જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ શ્રી કિરીટસિંહ ઝાલા અને અન્ય આગેવાનોએ આજે કલેકટર અને એડી. કલેકટરને રૂબરૂ મળી તમામ કાર્યવાહી - અરજદારની કામગીરી ઓનલાઇન કરી નાંખવા માંગણી કરી હતી.

આગેવાનોએ રજૂઆતમાં કલેકટર કે એડી. કલેકટરને મળવું હોય તો એપોઇટમેન્ટ પણ ફરજીયાત લેવાનું કરી નાંખવા ઉપર પણ ભાર મૂકયો હતો.

આ ઉપરાંત કેસના બોર્ડ સમયે અને ખાસ કરીને ખાણ-ખનીજ ખાતામાં સૂનાવણી સમયે એક અરજદાર સાથે અન્ય ૪ થી ૫ લોકો આવતા હોય છે, તે બંધ કરાવવા પણ રજૂઆતો કરી હતી.

કર્મચારી આગેવાનોએ કલેકટર સમક્ષ કેસોની સુનાવણી સમયે જેમનો કેસ હોય તે એક જ અરજદારને આવવા દેવાની પ્રથા ગોઠવવા પણ માંગણી કરી હતી.

અત્રે એ નોંધનીય છે કે કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફલોર ઉપર તમામ બ્રાંચો કોરોનાની ઝપટે આવી ગઇ છે, એકમાત્ર રાજ્ય ચૂંટણી તંત્રની શાખા બાકી છે, આ બ્રાંચના કર્મચારીઓમાં કોરોનાના કેસોને કારણે ફફડાટ પેસી ગયો છે.

(11:45 am IST)