Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

'સ્વાતંત્ર્ય સૈનિક, ધારાશાસ્ત્રી, રેવન્યુ કમિશ્નર, ન્યાયમુર્તિ, કલેકટર, સાંસદ અને શિક્ષણપ્રેમી એટલે તુલસીદાસ શેઠ'

સમાજના ઘણા શ્રેષ્ઠીઓએ વિવિધક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યુ છે અને ઇતિહાસમાં નામના પામ્યા છે એવા જ એક અદભૂત વ્યકિતત્વ ધરાવતા કચ્છનાં શ્રી તુલસીદાસ શેઠ વિશે સમાજની નવી પેઢી માટે પ્રેરક બને તેવી તેમના જીવનની ક્ષણોને અક્ષરદેહ તેમની પુત્રીઓ નલીની ઠકકર તથા વિજયલક્ષ્મી શેઠે આપ્યો છે, 'હું કચ્છનો, કચ્છ મારૂ' માં શ્રી તુલસીદાસભાઇના આંતરઐશ્વર્યની લોકચેતનામાં ઝીલાયેલી છબી પ્રસ્તુત થયેલ છે. સ્વાતંત્ર્ય સેનાની, ધારાશાસ્ત્રી, સનદી અધિકારી, સાંસદ, કચ્છના ઇતિહાસ - ભૂગોળના આમૂલ જાણકાર અને કચ્છીઓ માટે આદર્શ શિક્ષણપ્રેમી એવા તુલશીદાસભાઇએ ઇ.સ. ૧૯૩૧માં વકીલાત ચાલુ કરી. આઝાદીપૂર્વે કચ્છ રાજયનુ સ્થાન બ્રિટીશ શાસનમાં ફોરેન સ્ટેટ તરીકેનુ હતુ. સાથોસાથ કચ્છી પ્રજાકીય પરિષદની જાહેરપ્રવૃતિમાં પ્રવર્ત થયા.

. વકીલાત નો પ્રારંભ.

. વરીષ્ઠ અદાલતના વધારાના ન્યાયમૂર્તિ તરીકે નિમણુંક.

. બાર એટ લોની પરીક્ષામાં સફળતા મેળવી.

. કચ્છી પ્રજાકીય પરિષદના સેનાની શ્રી યુસુફ મહેરઅલીએ તેમને જનરલ સેક્રેટરી બનાવ્યા. શ્રી યુસુફ મહેરઅલી મુંબઇના મેયર પણ હતા. (શ્રી યુસુફ મહેરઅલી કચ્છના ખોજા કુટુંબના હતા.) લડતના કારણે કચ્છ રાજયે વકીલાતની સનદો મોકુફ રાખી.

. વહીવટક્ષેત્રે પ્રવેશ. કચ્છના રેવન્યુ કમિશ્નર બન્યા.

. કચ્છને સી સ્ટેટનો દરજજો મળ્યાબાદ આઇએએસ બન્યા અને કચ્છના કલેકટર તરીકે નિયુકત થયા.

. કલેકટર તરીકે નિવૃત થયા બાદ લોકસભામાં ચુંટાયા અને સાંસદ બન્યા.

એક સરસ સત્ય ઘટના ઇતિહાસના પાને લખાયેલી છે. ઇ.સ. ૧૯૫૧ ની સામાન્ય ચુંટણી સમયે ભારતના ચુંટણી કમિશ્નર અધિકારીશ્રી સુકુમાર સેન કચ્છ આવ્યા. શ્રી તુલશીદાસભાઇ સાથે થયેલ સંવાદ કચ્છમાં વહીવટીક્ષેત્રે શ્રી તુલસીદાસભાઇના સ્થાનને પ્રગટ કરે છે.

શ્રી સેન : કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ સાથે કો ઓર્ડીનેશન જરૂરી બનશે.

શ્રી શેઠ : હું જિલ્લાનો મેજિસ્ટ્રેટ છું.

શ્રી સેન : ઠીક ત્યારે. પણ વાહનવ્યવહારની વ્યવસ્થાનું શું?

શ્રી શેઠ : હું અત્રેના ટ્રાન્સપોર્ટ બોર્ડનો ચેરમેન છું.

શ્રી સેન : ચુંટણીની વ્યવસ્થા માટે જરૂરી સ્ટાફની વ્યવસ્થા ?

શ્રી શેઠ : હું અહીનો કલેકટર છું.

શ્રી સેન ખડખડાટ હસી પડયા અને મજાકમાં કહ્યુ કે, મને નવાઇ લાગે છે કે ભારત સરકારે તમને કચ્છના સરમુખત્યાર શા માટે નથી નીમતી ?

સમગ્ર કચ્છમાં કચ્છી હોવાના સબંધે બધા તેમને ઓળખતા. કલેકટર ઓફીસમાં કચ્છી બોલીમાં વ્યવહાર થાય એટલે લોકોનો તેમના પ્રતિનો વિશ્વાસ અજેય રહ્યો. કોઇની પરવા કર્યા વિના લોકોના કામનો નિકાલ થતો. લાંચ રૂશ્વત નો પ્રવેશ કલેકટરની ઓફીસમાં થયો નહોતો કારણ કે ત્યાં શ્રી તુલસીદાસભાઇનું સામ્રાજય હતુ. કલેકટર તરીકે નિવૃત થયા બાદ પુનઃ વકીલાત ચાલુ કરી. ઇ.સ. ૧૯૬૭ માં લોકસભાની ચુંટણી હતી. સ્વતંત્ર પક્ષ તરફથી રાજવી પરિવારના શ્રી હિંમતસિંહજી ઉમેદવાર હતા. ઇ.સ. ૧૯૬૨માં તેઓ ચુંટાયા હતા. કોંગ્રેસ માટે પડકાર હતો અને નશીબજોગે કોંગ્રેસને તુલસીદાસભાઇ મળી ગયા અને ચુંટણીમાં વિજેતા બની સાંસદ બન્યા. કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં સંખ્યાબંધ પ્રાથમિક તથા હાઇસ્કૂલોની સ્થાપના કરી અને તે માટે 'સારસ્વતમ્'ની સ્થાપના કરી.

મુંદરા (કચ્છ)માં ડો.મુલજીભાઇ શેઠ મેડીકલ પ્રેકટીસ કરતા હતા. મોટા પુત્ર શ્રી પુરૂષોત્તમભાઇ શેઠ (આ લખનારના ફુવા) પ્રખર ગાંધીવાદી સમાજસેવક હતા. ઇ.સ. ૧૯૨૫માં ગાંધીજી કચ્છ આવ્યા ત્યારે મુંદરાનું નિમંત્રણ શ્રી પુરૂષોત્તમભાઇએ પાઠવ્યુ હતુ અને ગાંધીજી આવ્યા પણ હતા. શ્રી પુરૂષોત્તમભાઇના પુત્ર સુરેન્દ્રભાઇ શેઠ એડવોકેટ હતા અને મુંબઇમાં ઘણા વર્ષો રહ્યા. ત્યારબાદ જીવનપર્યત કચ્છમાં રહ્યા અને સારસ્વતમ્માં સક્રિય રહ્યા. શ્રી તુલસીદાસભાઇ શ્રી પુરૂષોત્તમભાઇના નાના ભાઇ થાય.

'હું કચ્છનો, કચ્છ મારૂ'ને અક્ષરદેહ આપનાર શ્રી તુલસીદાસભાઇની પુત્રીઓ નલિની ઠકકર અને વિજયલક્ષ્મી શેઠને હૃદયપુર્વકના ધન્યવાદ. શ્રી વિજયલક્ષ્મી શેઠ આઇપીએસ (ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ)માં નિવૃત થયા છે અને સારસ્વતમના માર્ગદર્શિકા તરીકેની જવાબદારીઓ સ્વીકારી છે.

:: આલેખન :: નવીન ઠક્કર

રાજકોટ મો. ૯૮૯૮૩ ૪૫૮૦૦

(4:00 pm IST)