Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

રાજીવનગર પાસે દુકાન બંધ કરવા બાબતે અમીરભાઇ, મહેબુબશા, ગુડારામ પર ધોકાથી હુમલો

જોડીયા દરગાહના મુંઝાવર મહેબુબ બાપુ સેવક અમીરભાઇ સાથે જુણેજા હોલ પાસે દુકાને ગયા'તાઃ રીઝવાન જુણેજા સામે ગુનો

રાજકોટ તા.૨૩: જામનગર રોડ રાજીવનગર પાસે જુણેજા હોલ પાસે દુકાન બંધ કરવા બાબતે ડખ્ખો કરી જોડીયાના મુંઝાવર તેના સેવક સહિત ત્રણ વ્યકિતને રીઝવાન હનીફભાઇ જુણેજાએ ધોકા વડે માર માર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ જોડીયા બસ સ્ટેશન  મેઇન રોડ રહેતા અને દુલાપીર સરકારની દરગાહમાં મુંજાવર કરતા મહેબુબશાહ ઓસુમીયા બુખારી (ઉ.વ.૪૨) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, હું રાજકોટ મોરબી રોડ શ્રીનાથ ટ્રાન્સપોર્ટની સામે જૂના જકાતનાકા પાસે રહેતા મારા ભાઇના દીકરી રેશ્માબેનના ઘરે આવેલ અને ગઇકાલે સાંે હું જામનગર રોડ રાજીવનગર શેરીનં. ૧૭માં રહેતા મારા સેવક અમીરભાઇ હુસેનભાઇ કુરેશીના ઘરે ગયો હતો. અડધો કલાક રોકાયા બાદ હું તથા હમીરભાઇ ચા-પાણી પીવા માટે જુણેજા હોલ પાસે આવેલ અયુબભાઇની દુકાને ગયા હતા. ત્યાં એક ભાઇ હાથમાં ધોકો લઇ દુકાનની આગળ ઉભેલા માણસોને ત્યાંથી ચાલ્યા જવા માટે જેમ ફાવે તેમ બોલતો હતો. જેથી હું ત્યાં અમીરભાઇ તથા અયુબભાઇ દુકાનની બહાર આવેલા જેથી આ શખ્સે મને ગાળો આપી દુકાન બંધ કરી ચાલ્યા જવાનું કહેતા મેં ના પાડતા તેના હાથમાં રહેલા ધોકો મને ડાબા હાથે કોણી નીચે મારેલ તેમજ જમણા પગનાં ગોઠણ ઉપર તથા મારી સાથેના અમીરભાઇને ડાબા હાથે અને ગુડારામ વિજારામ ગુજરને પણ માર માર્યો હતો.

દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં મને જાણવા મળેલ કે આ ઝઘડો કરનાર રીઝવાન હનીફ જુણેજા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે મેહબુબશાહની ફરીયાદ દાખલ કરી પી.એસ.આઇ. વી.સી. પરમારે તપાસ  આદરી છે. (૧.૨૩)

(3:54 pm IST)