Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

'હેપી અવર્સ' કેબીન પાર્લરમાં પોલીસ ત્રાટકતા કોલેજીયનોમાં નાસભાગ

પાર્લરના નામે ચાલતા ગોરખધંધા સામે પોલીસની લાલઆંખઃ ચૌધરી હાઇસ્કુલ પાસે પાર્લરમાં પ્ર.નગર પોલીસે રેઇડ કરતા પથી ૬ યુગલો અને ૧૦ થી ૧ર યુવકોએ પોલીસને જોઇ દોટ મુકી : સંચાલકો આશીષ વાઢેર તથા ભાર્ગવદાસ ગોંડલીયાની અટકાયત : ગોરખધંધાની બાતમી પરથી દરોડો પાડયો પણ કંઇ વાંધાજનક ન મળ્યું: યુવક-યુવતીઓને પોલીસે ચેતવણી આપી જવા દીધાઃ પાર્લરના લાયસન્સના ડોકયુમેન્ટની પોલીસ દ્વારા ચકાસણીઃ કોઇ નિયમોનો ભંગ થતો હશે તો આગળની કાર્યવાહી કરાશેઃ પીઆઇ કાતરીયા

તસ્વીરમાં જે પાર્લરમાં દરોડો પડાયો તે કોમ્પલેક્ષ,  નીચેની તસ્વીરમાં પાર્લરમાં કેબીનની આડશો અને અન્ય તસ્વીરોમાં પોલીસ દરોડાના પગલે કોલેજીયનોમાં નાસભાગ મચી હતી તે દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૨૩: ચૌધરી હાઇસ્કુલ પાસે યોગી આનંદ કોમ્પલેક્ષમાં આવેલ હેપી અવર્સ કેબીન પાર્લરમાં આજે બપોરે પ્ર.નગર પોલીસ ત્રાટકતા યુગલો અને કોલેજીયનોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે પોલીસને કંઇ વાંધાજનક મળ્યું ન હતું. પોલીસે પાર્લરમાં આવેલા કોલેજીયનો અને યુવતીઓને ચેતવણી આપી જવા દીધા હતા. જયારે બે સંચાલકોની અટકાયત કરી પુછતાછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ચૌધરી હાઇસ્કુલ પાસે આવેલ યોગી આનંદ કોમ્પલેક્ષમાં હેપી અવર્સ કેબીન પાર્લરમાં યુવક-યુવતીઓને અલગ-અલગ કેબીનની સુવિધાઓ પુરી પાડી ગોરખધંધા થતા હોવાની બાતમી મળતા   પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા ડીસીપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પ્ર.નગરના પીઆઇ કાતરીયાએ ડી સ્ટાફ તથા મહિલા પોલીસને સાથે રાખી રેઇડ કરતા પાર્લરમાં બેઠેલા કોલેજીયનો અને યુગલોમાં નાસભાગ મચી ગઇ હતી.

પોલીસે રેઇડ કરી ત્યારે આ પાર્લરમાં પ થી ૬ યુગલો અને ૧૦ થી ૧ર કોલેજીયન યુવકો મળી આવ્યા હતા. જો કે આ પાર્લરમાં યુવક-યુવતીઓ માટે કેબીનની આડશો રાખી  સુવિધાઓ અપાઇ હતી. પરંતુ કંઇ વાંધાજનક મળી આવ્યું ન હતું. પ થી ૬ યુગલો અને કોલેજીયન યુવકો આ પાર્લરમાં નાસ્તો કરતા જોવા મળ્યા હતા. પોલીસ ત્રાટકતા તમામ  યુવક-યુવતીઓએ દોટ મુકી હતી. પોલીસે  તમામ યુવક-યુવતીઓને ચેતવણી આપી જવા દીધા હતા. તેમજ આ પાર્લર ચલાવનાર આશીષ નિર્મળસિંહ વોઢર તથા ભાર્ગવદાસ શિવરામ ગોંડલીયાની અટકાયત કરી હતી.

દરમિયાન આ અંગે પ્ર.નગરના પીઆઇ  કાતરીયાએ જણાવ્યું હતું કે, હેપી અવર્સ કેબીન પાર્લરમાં પોલીસે દરોડો પાડયો હતો પણ કોઇ વાંધા જનક મળ્યું ન હતું. પાર્લરના સંચાલકો  આશીષ વાઢેર તથા ભાર્ગવદાસ ગોંડલીયાની અટકાયત કરાઇ છે અને આ બંન્ને સામે અટકાયતી પગલા લેવામાં આવશે. પાર્લરના લાયસન્સના ડોકયુમેન્ટની પોલીસ ચકાસણી કરી રહી છે. કંઇ વાંધાજનક મળશે તો પોલીસ આગળની કાર્યવાહી કરશે.   શહેરમાં કાલાવડ રોડ સહિતના અનેક ક્રીમ એરીયામાં પાર્લરના નામે ગોરખધંધાઓ  ચાલતા હોવાની લોકફરીયાદો  ઉઠી રહી છે. પોલીસે આવી ઝુંબેશ સતત ચાલુ રાખવી જોઇઅ તેવી લોકલાગણી પ્રવર્તે છે.

(3:30 pm IST)