Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

શોપીંગ મોલ અને મલ્ટીપ્લેકસ કોમ્પલેક્ષોમાં ગેરકાયદે પાર્કિંગ ચાર્જના ઉઘરાણા બંધ કરાવાશેઃ ઉદય કાનગડ-બંછાનિધી પાની

રાજકોટમાં એકાદ બે સ્થળ સિવાય કયાંય પાર્કિંગ ચાર્જ લેવાતો નથી, આમ છતા તપાસ હાથ ધરી નિયમ મુજબ કાર્યવાહી કરવા સ્ટેન્ડીંગ ચેરમેન અને મ્યુ. કમિશ્નર કટીબદ્ધ

રાજકોટ, તા. ૨૩ :. શહેરમાં આવેલા વિવિધ કોમ્પ્લેક્ષો અને વિવિધ શોપીંગ મોલમાં પાર્કિંગનો ચાર્જ ગેરકાયદે રીતે ઉઘરાવાતો હોવાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે આવા ગેરકાયદે ઉઘરાણા સામે મ્યુ. કોર્પોરેશન દ્વારા તપાસ હાથ ધરી અને મુલાકાતીઓને વિનામૂલ્યે વાહન પાર્કિંગની સુવિધા આપવાની ફરજ શોપીંગ મોલના સંચાલકોને પાડવામાં આવશે તેમજ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની અને સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે અકિલાને જણાવ્યુ હતું.

ટાઉન પ્લાનીંગના નિયમો મુજબ શોપીંગ મોલ કે મલ્ટીપ્લેકસ કોમ્પલેક્ષના બિલ્ડીંગ પ્લાન મંજુર કરતી વખતે તેમા પુરતા વાહન પાર્કિંગની વ્યવસ્થા કરાવવામાં આવી હોય છે અને તે મુજબ જ બિલ્ડીંગનું બાંધકામ વાહન પાર્કિંગ સાથે થયા બાદ જ તેનુ કમ્પ્લીશન સર્ટીફીકેટ આપવામાં આવે છે પરંતુ કેટલાક કોમ્પ્લેક્ષોમાં વાહન પાર્કિંગના સ્થળે ગેરકાયદે દબાણ કરી લેવાયા હોય છે અને મુલાકાતીઓને કોમ્પ્લેક્ષની બહાર વાહન પાર્ક કરવા માટે ફરજ પાડવામાં આવે છે અથવા તો કોમ્પલેક્ષમાં વાહન પાર્ક કરવા માટે ગેરકાયદે રીતે ચાર્જ ઉઘરાવવામાં આવે છે.

નોંધનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા આવા ગેરકાયદે ઉઘરાણા સામે ઝુંબેશ ચલાવી અને શોપીંગ મોલ તથા મલ્ટીપ્લેકસમાં મુલાકાતીઓને ફ્રી પાર્કિંગની સુવિધા આપવાની વ્યવસ્થા કરાવવામાં આવી રહી છે ત્યારે રાજકોટ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની ઝુંબેશ શરૂ કરાશે કે કેમ ? તે બાબતે મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાની તથા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડનો સંપર્ક સાધતા તેઓએ અકિલાને જણાવ્યુ હતુ કે, 'રાજકોટમાં મોટાભાગના શોપીંગ મોલમાં વાહન પાર્કિંગનો ચાર્જ લેવામાં નથી આવતો, એક માત્ર ક્રિસ્ટલ મોલમાં વાહન પાર્કિંગનો ચાર્જ લેવાય છે પરંતુ ત્યાં હોકર્સ ઝોન હોવાથી આ પાર્કિંગ ચાર્જ લેવામા આવતો હતો અને મુલાકાતીઓ ક્રિસ્ટલ મોલની ખરીદીનુ બીલ બતાવે તો પાર્કિંગ ચાર્જ પરત ચૂકવવામાં આવતો હતો. જો કે હવે આ સ્થળેથી હોકર્સ ઝોન ફેરવી નખાયો છે તેથી અહીં હવે પછી વાહન પાર્કિંગનો ચાર્જ લેવાય છે કે કેમ ? તે બાબતે તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરાશે.'(૨-૨૦)

(3:29 pm IST)