Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

હમારી માંગે પૂરી કરો...

રાજકોટમાં ટ્રાન્‍સપોર્ટરોની મૌન રેલી : કલેકટરને આવેદન

દેશવ્‍યાપી ટ્રક હડતાલ ચોથા દિવસમાં પ્રવેશી : જીલ્લાના ૩૦૦થી વધુ ટ્રકોનાં પૈડા થંભેલા : બટેટા સહિતની જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓની તંગી : કાળાબજાર થવા લાગ્‍યા

રાજકોટ, તા. ર૩ :  દેશ વ્‍યાપી ટ્રક હડતાલ આજે ચોથા દિવસમાં પ્રવેશી છે. ત્‍યારે દેશભરમાં આ ટ્રક હડતાલની માઠી અસર જનજીવન ઉપર પડવા લાગી છે. દરમિયાન આજે રાજકોટ જીલ્લાનાં ટ્રાન્‍સપોર્ટરોએ મૌન રેલી યોજી કલેકટરશ્રીને વિસ્‍તૃત આવેદન પત્ર પાઠવી અને ટ્રાન્‍સપોર્ટરોના પ્રશ્નો ઉકેલવા માંગ ઉઠાવી હતી.

રાજકોટ ટ્રાન્‍સપોર્ટ એસો.ના અગ્રણી હસુભાઇ ભગદેવ (જલારામ ટ્રાન્‍સપોર્ટ)નાં જણાવ્‍યા મુજબ આજે ૧૧ વાગ્‍યે ત્રિકોણબાગ ખાતે ટ્રાન્‍સપોર્ટરો એકત્રીત થઇ અને ત્‍યાંથી મૌન રેલી યોજી અને કલેકટર કચેરીએ કૂચ કરી જીલ્લા કલેકટરશ્રી મારફત સરકારશ્રીને આવેદન પત્ર પાઠવીને ટ્રાન્‍સપોર્ટરોના પ્રશ્નો ઉકેલવા માંગ ઉઠાવી હતી.

આમ આજે ટ્રક હડતાલનાં ચોથા દિવસે રાજકોટ શહેર જીલ્લાનાં ૩૦૦ થી વધુ ટ્રકોના પૈડા થંભેલા રહ્યા હતા.

દરમિયાન બટેટા સહિતની જીવન જરૂરી ચીજવસ્‍તુઓની તંગી સર્જાઇ રહી છે અને બટેટાનાં ભાવો રૂા. ર૭ થી ર૮નાં કિલો લેખે કાળા બજાર થવા લાગ્‍યા છે.

(11:47 am IST)