Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

રાજકોટમાં સવારે મેઘરાજાની હાઉકલી, બાદ તડકો ફરી અસહય ઉકળાટ- બફારાનો અહેસાસ

શનિ- રવિ સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતના વધુ ભાગોમાં વરસાદની શકયતા, આજે- કાલે છુટાછવાયા સ્‍થળોએ વરસી જાયઃ હવામાન ખાતુ

રાજકોટઃ નેઋત્‍યનું ચોમાસુ લગભગ દેશના મહત્તમ રાજયોમાં બેસી ગયું છે. તો સૌરાષ્‍ટ્ર- ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામવા લાગ્‍યો છે. હાલમાં દરરોજ કોઈને કોઈ સ્‍થળોએ વરસી જાય છે. દરમિયાન આ સપ્‍તાહના અંતમાં એટલે કે શનિ- રવિવારે સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતના વધુમાં વધુ ભાગોમાં વરસાદ પડવાની શકયતા છે. તેમ હવામાન ખાતા દ્વારા જણાવાયું છે.
ચોમાસુ ધરી ભાવનગર અને પોરબંદરની દરિયાપટ્ટી ઉપરથી પસાર થઈ રહી છે. જેથી રાજયમાં બાકી રહી ગયેલા ભાગોમાં પણ ચોમાસુ બેસી જશે. દરમિયાન આજે અને આવતીકાલે છુટાછવાયા સ્‍થળોએ વરસી જશે.
જયારે શનિવાર અને રવિવારે ખાસ કરીને સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ  ગુજરાતમાં વધારે વિસ્‍તારોમાં વરસાદ થવાની સંભાવના છે.
દરમિયાન રાજકોટ શહેરમાં ગઈકાલે આખો દિવસ બાદ રાત્રીના સમયે પણ અસહય ઉકળાટ બફારો પ્રર્વતતો હતો. પવન પણ મંદ પડી જતાં વધુ ગરમીનો અનુભવ થતો હતો. ત્‍યારે આજે સવારે એકાએક આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા હતા. તૂટી પડશે એવું વાતાવરણ થઈ ગયું હતુ. તો શહેરના મધ્‍ય વિસ્‍તારો રૈયા રોડ, મોટી ટાંકી ચોક, યાજ્ઞિક રોડ જેવા સ્‍થળોએ ઝાપટુ પડી ગયું હતું. માર્ગો ભીના થઈ ગયા હતા. જયારે રામાપીર ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ જેવા વિસ્‍તારોમાં માત્ર છાંટા વરસ્‍યા હતા.

 

(11:11 am IST)