Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

હમ હૈ તૈયાર

કોર્પોરેશનની હાઇસ્કુલો ખાનગી શાળા સામે ટક્કર જીલે તેવો એકશન પ્લાન તૈયાર

વિપક્ષના ઉપનેતા મનસુખભાઇ કાલરીયાએ જનરલબોર્ડમાં રજૂ કરેલ પ્રશ્નનાં ઉતરમાં શિક્ષણનું સ્તર સુધારવાની વિગતો રજૂ કરાઇઃ નબળા વિદ્યાર્થીઓને બમણો અભ્યાસ કરાવાશેઃ ઓડિયો વિઝયુલ સાધનો મારફત શિક્ષણઃ રજાના દિવસોમાં પણ વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય : ખાસ પરિક્ષા સમિતિ અને પરિણામ સુધારા સમિતિની રચના થશે

રાજકોટ તા. ૨૩ : મ્યુ. કોર્પોરેશનની હાઇસ્કુલોનું શિક્ષણ નબળુ પડી રહ્યાનો આક્ષેપ સાથે વિપક્ષના ઉપનેતા મનસુખ કાલરિયાએ જનરલ બોર્ડમાં મ્યુ. કમિશ્નરને પ્રશ્ન રજૂ કરી અને કોર્પોરેશન સંચાલીત હાઇસ્કુલોમાં શિક્ષણનું સ્તર સુધારવા શું આયોજન કરાયું છે ? તેની વિગતો માંગી હતી. જેમાં ઉતરમાં મ્યુ. કમિશ્નરે આગામી સત્રથી મ્યુ. કોર્પોરેશનની હાઇસ્કુલોમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવાનો એકશન પ્લાન શ્રી કાલરિયા સમક્ષ રજૂ કરી અને આ શાળાનું પરિણામ સુધારવાની ખાત્રી આપી હતી.

શિક્ષણનું સ્તર સુધારવાના એકશન પ્લાનની વિગતો આ મુજબ છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ૬ શાળાઓમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા નીચે મુજબનું આયોજન કરવામાં આવેલ છે. પરિણામ સુધારણા સમિતિની રચના કરવામાં આવશે તથા આ સમિતિમાં નક્કી કરેલ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. પરીક્ષા સમિતિની રચના કરવામાં આવશે તેના અંતર્ગત વિદ્યાર્થીને આદર્શ પ્રશ્નપત્રોનો મહાવરો વધારવામાં આવશે. સાપ્તાહિક કસોટી, યુનિટ કસોટીનું આયોજન કરવામાં આવશે. વિદ્યાર્થીના વાલીને એસએમએસ દ્વારા કસોટીમાં મેળવેલ ગુણની જાણકારી આપવામાં આવશે. વાલી સંપર્ક વધારવામાં આવશે. નબળા વિદ્યાર્થીને વધારે સમય આપવામાં આવશે. રજાઓના દિવસોમાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે બોલાવવામાં આવશે.

ફોલોઅપ વર્ક ના કરતા વિદ્યાર્થીઓને વાલીનો સતત સંપર્ક કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે હકારાત્મક અભિગમ વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તે માટે સેમીનારના આયોજન કરવામાં આવશે. પરીક્ષાલક્ષી પ્રશ્નોનો મહાવરો કરાવવામાં આવશે. ઓડીયો વિઝયુલ સાધનોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. કમ્પ્યુટર બેઇઝ પરીક્ષાના આયોજન કરીશું. વિદ્યાર્થીના સ્વશિક્ષણ માટે કમ્પ્યુટરનો ઉપયોગ વધારવામાં આવશે.

એનજીઓનો સહયોગ લઇ શાળામાં નવનીત પ્રકલ્પ જેવા પ્રકલ્પનો ઉપયોગ કરી પરિણામ સુધારણા પ્રયત્નો કરવામાં આવશે. વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ટયુશન આપવામાં આવશે. વિષય શિક્ષકની પોતાના વિષયના પરિણામ સંદર્ભે વિશેષ જવાબદારી નક્કી કરવામાં આવશે. હાલ સુધી શાળામાં શૈક્ષણિક રીતે અતિ નબળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવેલ છે. આગામી વર્ષથી શકય હશે તો પ્રવેશ પરીક્ષા લઇ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ધો. ૯ અને ૧૧માં અતિ નબળા વિદ્યાર્થીઓ માટે ઉપચારાત્મક આયોજન કરવામાં આવશે અને પરિણામ સુધારણા જરૂરી બાળકોને ફરીથી તેજ ધોરણમાં અભ્યાસ કરાવવામાં આવશે.(૨૧.૨૪)

(3:56 pm IST)