Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સવા વર્ષે રૂડાની બોર્ડ બેઠકનું 'મૂહુર્ત' નીકળ્યું, ર૯મીએ તંત્રને ભીડવવા પંચાયત પ્રમુખ સજ્જ

રાજકોટ, તા. ર૩ : શહેરી વિકાસ સતા મંડળ (રૂડા)ની બોર્ડ બેઠક તા. ર૯મીએ સવારે ૧૧ વાગ્યે યોજવા માટે મુખ્ય કારોબારી અધિકારી પી.બી. પંડયાએ એજન્ડા બહાર પાડયો છે.

રૂડાના બોર્ડમાં હોદ્દની રૂએ સભ્યપદ ધરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ નિલેષ વિરાણીએ જણાવેલ કે છેલ્લે ૮ ફેબ્રુઆરી-ર૦૧૭ના  દિવસે રૂડાની બોર્ડ બેઠક મળેલ ત્યાર પછી ૧પ મહિને બોર્ડ બેઠક બોલાવવામાં આવી છે. બોર્ડ બેઠક નિયમિત રીતે બોલાવવા મેં અવારનવાર લેખિત-રજુઆત કરેલ છતા તંત્રએ છેક સવા વર્ષે બેઠક બોલાવી છે. રૂડામાં વિકાસ માટે ૬૦ કામો પૈકી એક જ કંપનીને પ૧ કામો ફાળવવા માટે દરખાસ્ત એજન્ડામાં મૂકવામાં આવી છે. એક જ કંપનીને આટલા બધા કામો શા માટે ? તેનો જવાબ માંગવામાં આવશે. ઉપરાંત મુંજકાના ખેડૂતોની જમીન કપાત કરવા સામે છેલ્લી બોર્ડ બેઠકમાં મારો વાંધો હતો તે વાંધો યથાવત રાખીશ. રૂડાના વર્ગ-૪ના કર્મચારીને કચેરીની ટપાલો બહાર પહોંચાડવા માટે માસિક રૂ. ૭રપ પેટ્રોલ એલાઉન્સ આપવાની દરખાસ્ત આવી છે તે આશ્ચર્યજનક છે. એજન્ડાના બધા મુદ્દાનો અભ્યાસ કરી ચર્ચા કરશું અને અધિકારીઓ પાસે જવાબ માંગશું

રૂડાના મુખ્ય કારોબારી અધિકારીએ શહેરી વિકાસ વિભાગના ખાસ ફરજ પરના અધિકારીને પત્ર પાઠવી જમીન કપાત અંગેની પંચાયત પ્રમુખની રજૂઆત અંગે માર્ગદર્શન માંગ્યું છે. અરજદાર (નિલેષ વિરાણી) કલમ ૬૭નું ખોટુ અર્થઘટન કરી વારંવાર સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્નો ઉભા કરતા હોવાનું પત્રમાં જણાવ્યું છે.

(4:09 pm IST)