Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

શાપર-વેરાવળમાં બિહારી મજુરે માસીયાઇ ભાઇની ૩ વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યુઃ હવસખોર સકંજામાં

બાળકીને રમાડવાના બહાને ઘરમાં લઇ જઇ દુષ્કૃત્ય આચરતો'ને માતા પહોંચી જતા ભાંડો ફુટયોઃ આરોપી રાજેન્દ્ર મંડલ બિહારમાં પણ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યુ'તું અને પાંચ માસ પુર્વે જ જેલમાંથી છુટયા બાદ શાપર આવી ફરી લખણ ઝળકાવ્યાઃ આરોપી સામે ફિટકાર

રાજકોટ, તા., ૨૩: રાજકોટની ભાગોળે આવેલ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં બિહારી મજુરે માસીયાઇ ભાઇની ૩ વર્ષની માસુમ પુત્રીને રમાડવાના બ્હાને ઘરમાં લઇ જઇ  દુષ્કર્મ ગુજાર્યુ હતું. પોલીસે હવસખોર બિહારી શખ્સને સકંજામાં લઇ લીધો છે. આ બિહારી શખ્સ સામે  ફિટકાર વરસી રહયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં રહેતા બિહારી મજુર પરીવારની ૩ વર્ષની બાળાને બાજુમાં જ રહેતો રાજેન્દ્ર સુમાર મંડલ (ઉ.વ.૪૦) (રહે. બલવાચક ગામ, જી. ભાગલપુર, બિહાર) રમાડવાના બ્હાને  તેના ઘરે લઇ ગયો હતો અને બાદમાં બારણા બંધ કરી બાળા પર દુષ્કૃત્ય આચરતો હતો ત્યારે જ બાળાની માતા બાળાને શોધતા-શોધતા પહોંચી આવતા ભાંડો ફુટયો હતો. બાળાની માતાએ દેકારો કરતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને હવસખોર રાજેન્દ્ર મંડલ નાસી છુટયો હતો.

દરમિયાન આ ઘટનાથી હતપ્રત થઇ ગયેલ બાળાના પરીવારજનો પોલીસ મથકે દોડી ગયા હતા અને પીએસઆઇ આર.જે.સિન્ધુ સમક્ષ હકિકત વર્ણવતા પોલીસે બાળાની માતાની ફરીયાદ લઇ આરોપી રાજેન્દ્ર મંડલ સામે આઇપીસી ૩૭૬ (ર)(૧) તથા પોકસોની કલમ ૪-૬ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

આ ઘટના બાદ ગણતરીના કલાકોમાં જ પીએસઆઇ આર.જી.સિન્ધુ તથા રાઇટર દિલીપભાઇ કલોતરા સહિતની ટીમે હવસખોર આરોપી રાજેન્દ્રને દબોચી લીધો હતો અને તેની આગવી ઢબે પુછતાછ કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપી રાજેન્દ્ર ફરીયાદીના પતિનો માસીયાઇ ભાઇ થાય છે. તે પાંચ માસ પુર્વે જ બિહારથી કામ અર્થે શાપર આવ્યો હતો. પકડાયેલ હવસખોર રાજેન્દ્ર મંડલ બિહારમાં પણ પડોશમાં રહેતી બાળકી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું અને આ ગુન્હામાં તેને સજા પડી હતી. જેલમાંથી છુટયા બાદ બિહારથી તે શાપર-વેરાવળ આવ્યો હતો અને ફરી લખણ ઝળકાવી માસીયાઇ ભાઇની માસુમ પુત્રી પર  દુષ્કર્મ ગુજાર્યુ હતું. બિહારી સમુદાયમાં આરોપી રાજેન્દ્ર સામે ફિટકાર વરસી રહયો છે.

શાપર-વેરાવળ પોલીસે આરોપી રાજેન્દ્ર મંડલની વધુ પુછપરછ હાથ ધરી છે તેમજ બાળાનું મેડીકલ ચેકઅપ કરાવવા તજવીજ હાથ ધરી છે. (૪૩)

(11:56 am IST)