Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ગ્રામીણ ડાક સેવકોની હડતાલનો બીજો દિ': આજે વાટાઘાટો થવાની શકયતા : ગ્રામ્ય સેવા ઠપ્પ થઈ ગઈ

સાતમા પગારપંચ સહિત કુલ ૩૫ માંગણીઓ કરાઈ : આજે સાંજે ૬ વાગ્યે રાજકોટ હેડ પોસ્ટ ઓફીસે સૂત્રોચ્ચાર

રાજકોટ, તા.૨૩ : રાજકોટ સહિત દેશભરમાં ગ્રામીણ ડાક સેવકોની હડતાલ આજે બીજા દિવસમાં પરીણમી છે, તમામ સેન્ટરોમાં હડતાલ સજ્જડ રહ્યાના રીપોર્ટ હોય, મેનેજમેન્ટ ઘાંઘુ થયાનું બહાર આવ્યુ છે.

રાજકોટ જીલ્લાની ૨૦૦થી વધુ ગ્રામ્ય પોસ્ટ ઓફીસમાં કાર્યવાહી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. રોજનું લાખોનું નુકશાન જઈ રહ્યાનું અને બચન - રીકરીંગ - ટપાલ - તમામ બીલોની કામગીરી બંધ થઈ ગયાનું બહાર આવ્યુ છે.

દરમિયાન મેનેજમેન્ટ સૂત્રોએ ઉમેર્યુ હતું કે આજે યુનિયન લીડરો સાથે મંત્રણા થવાની શકયતા છે, રાજકોટથી જે તે ગ્રામ્ય પોસ્ટ ઓફીસમાં ટપાલ જાય છે. પરંતુ ત્યાં કામગીરી ઠપ્પ થવાથી ટપાલો - બીલોના  ઢગલેઢગલા થઈ ગયા છે, ગ્રામ્ય લોકોમાં દેકારો બોલી ગયો છે.

દરમિયાન યુનિયન અગ્રણીઓ શ્રી સોરઠીયાએ ઉમેર્યુ હતું કે જીડીએસની યોગ્ય અને ન્યાયિક માંગણીઓ જયા સુધી સંતોષવામાં નહિં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. અમારી મુખ્ય માંગણીઓમાં સાતમા પગાર પંચનો લાભ આપવો, કર્મચારીને કાયમી કરવા. કાયમી કર્મચારીઓને મળતી તમામ સવલતો જીડીએસ કર્મચારીને આપવી અને ૩૫ જેટલી પડતર માગણીઓનો સત્વરે નિકાલ કરવો.

હડતાલના અનુસંધાને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખેલ છે. તમામ કર્મચારીઓને હાજર રહેવા અનુરોધ કરાયો છે.

રાજકોટની માફક જામનગર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, ગોંડલ, મોરબી, આમરણ, ટંકારા, દ્વારકા - ખંભાળીયા સહિતના તમામ વિસ્તારોમાં પોસ્ટલ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતાં ગામડામાં ટપાલના થેલા ઓફીસોમાં પડ્યા રહ્યા હતા. રજીસ્ટર્ડ પોસ્ટ સહિતની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. બ્રાન્ચ પોસ્ટ ઓફીસોમાં  કામગીરી સદંતર ઠપ્પ થઈ ગઈ હતી.

અચોક્કસ મુદતની હડતાલનું એલાન હોવાથી ગામડામાં ટપાલ સેવા ખોરવાઈ છે. રાજકોટ ડિવીઝનમાં ૪૦૦ ગ્રામીણ ડાક સેવક હડતાલ ઉપર ગયા છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહિં આવે તો ગામડામાં ટપાલ સેવાની કામગીરી ચિંતાજનક બની રહેશે.(૧૫.૩)

(11:56 am IST)