Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

જુના યાર્ડ સામે 'હિટ એન્ડ રન': બાઇક બ્રહ્મક્ષત્રિય ચાલક દંપતિને ઉલાળીને ભાગી ગયોઃ પત્નિનું મોત

ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતાં રશ્મીભાઇ મેર (ઉ.૫૦) અને પત્નિ છાંયાબેન (ઉ.૪૦) ચાલીને ભાઇના ઘરે બેસવા જતા'તા ત્યારે બનાવ

રાજકોટ તા. ૨૩: જુના માર્કેટ યાર્ડ સામેના પુલ પાસે સાંજે 'હિટ એન્ડ રન'ના બનાવમાં અજાણ્યો બાઇકચાલક બ્રહ્મક્ષત્રિય દંપતિને ઉલાળીને ભાગી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં પત્નિનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બ્રહ્મક્ષત્રિય પ્રોૈઢ પોતાના પત્નિને સાથે લઇ ભાઇના ઘરે બેસવા માટે પગપાળા જઇ રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.જાણવા મળ્યા મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગાયત્રી પાર્કમાં રહેતાં રશ્મીભાઇ જેન્તીભાઇ મેર (ઉ.૫૦) નામના પ્રોૈઢ સાંજે આઠેક વાગ્યે ઘરેથી પોતાના પત્નિ છાંયાબેન (ઉ.૪૦)ને લઇને દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતાં પોતાના નાના ભાઇ ઉમેશભાઇ મેરના ઘરે બેસવા જવા નીકળ્યા હતાં.

બંને પતિ-પત્નિે માર્કેટ યાર્ડ સામેનો પુલ ઉતરીને રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે એક બાઇકચાલક બંબાટ સ્પીડથી નીકળ્યો હતો અને પતિ-પત્નિ બંનેને ઉલાળીને ભાગી ગયો હતો. બંને રોડ પર ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ પત્નિ છાંયાબેનનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિ રશ્મીભાઇને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.  અકસ્માતમાં ધર્મપત્નિ ગુમાવનાર રશ્મીભાઇ ચાર ભાઇમાં બીજા છે અને મયુરનગરમાં બંગડી બનાવવાનું કારખાનુ ચલાવે છે. સંતાનમાં બે પુત્રો છે. તેમને સવાર સુધી પત્નિના મૃત્યુ અંગે અજાણ રખાયા હતાં. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલક અંગે તપાસ શરૂ કરી છે. બનાવથી બ્રહ્મક્ષત્રિય પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

 

(10:38 am IST)