Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

જે હનુમાનજીની શુદ્ધ હ્રદયનાં ભાવથી આરાધના કરે છે, તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાયઃ ગુરુદેવ પૂ. પારસમુનિ મ.સા.

રાજકોટઃગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક ગુરુદેવ પૂજય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબ નાં સુશિષ્‍ય સદગુરુદેવ પૂજય શ્રી પારસમુનિ મહારાજ સાહેબે તા. ૨૩ નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે શ્રી રોયલપાર્ક સ્‍થાનકવાસી જૈન મોટા સંદ્ય,સી. એમ. શેઠ પૌષધશાળા રાજકોટમાં જણાવેલ કે જૈનદર્શન પ્રમાણે હનુમાનજી મોક્ષ પધાર્યા છે. હનુમાનજીને કળયુગના દેવતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી આજે પણ પૃથ્‍વી પર બિરાજમાન છે.ᅠ

જે વ્‍યક્‍તિ હનુમાનજીની શુદ્ધ હ્રદયનાં ભાવથી આરાધના કરે છે, તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન રામની અસીમ કૃપા પછી પણ હનુમાને મોટા અમી૨ ઉમરાવ થવાની ઇચ્‍છા ન કરી તેમ જ પોતાના કરતાં ઉચ્‍ચ બનીને શ્રીરામની સાથે રાતદિવસ બેસનારાઓની ઈર્ષા ન કરી. ગામ, ગરાસ, રાજપાટ, હાથી, રથ, દ્યોડા કે સંસારની કોઈ સાહ્યબી એમણે ન સ્‍વીકારી તેમ શ્રી રામની પાસે બેસવાની પણ ઇચ્‍છા ન કરી. છેલ્લામાં છેલ્લે સૌની પાછળ એણે પોતાનાં બેસણાં રાખ્‍યાં. એને એક વસ્‍તુ સર્વોપરી લાગેલી અને તે ભગવાન શ્રીરામ. અને તે તો પોતાના હૃદયમાં જ સ્‍થાપી દીધેલા. રામ ભલે ગમે ત્‍યાં હોય પણ એમના હૃદયમાં, અંગમાં, નસેનસમાં અને રોમ રોમમાં રામ રમતા હતા.

એવી લૌકિક માન્‍યતા છે કે પ્રભુ શ્રીરામ ભક્‍ત હનુમાનજી પણ માં દુર્ગાના સેવક છે. હનુમાનજી માતાની આગળ ચાલે છે અને ભૈરવજી તેમની પાછળ ચાલે છે. દેશના લગભગ મંદિરોની આસપાસ ચોક્કસપણે હનુમાનજી અને ભૈરવજીનું મંદિર હોય છે બ્રહ્માંડ પુરાણ અનુસાર હનુમાનજીનાં અન્‍ય પાંચ ભાઈઓ છે. મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન, ધૃતિમાન.હનુમાન ભક્‍તો ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાનજીની જન્‍મજયંતિ ઉજવે છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. લૌકિક માન્‍યતા પ્રમાણે રુદ્રાવતાર હનુમાનજીનો જન્‍મ રામ અવતારના સમયમાં ભગવાન વિષ્‍ણુની મદદ કરવા માટે થયો હતો.

(2:47 pm IST)